Get The App

સપ્તાહમાં શેરોમાં રોકાણકારોની સંપતિનું રૂ.23.74 લાખ કરોડનું ધોવાણ : નિફટી 23000 લેવલ તૂટયું

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
સપ્તાહમાં શેરોમાં રોકાણકારોની સંપતિનું રૂ.23.74 લાખ કરોડનું ધોવાણ : નિફટી 23000 લેવલ તૂટયું 1 - image


- ભારત-અમેરિકા વચ્ચે 500 અબજ ડોલરની બિઝનેસ ડિલ

- સેન્સેક્સ ઈન્ટ્રા-ડે 699 પોઈન્ટ તૂટયા બાદ અંતે 200 પોઈન્ટ ઘટીને 75939 : નિફટી 22774 સુધી ગબડયો : અંતે 102 પોઈન્ટ ઘટીને 22929 : FPIs/FIIની રૂ.4295 કરોડની વેચવાલી

મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠકમાં પાંચ વર્ષ માટે બન્ને દેશો વચ્ચે ૫૦૦ અબજ ડોલર જેટલો બિઝનેસ વધારવાની ડિલ થતાં અને ભારત દ્વારા અમેરિકાથી સૌથી વધુ ઓઈલ-ગેસની ખરીદી થવા સાથે ડિફેન્સ ક્ષેત્રે મોટી ડિલ થતાં પૂર્વે ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફનું શસ્ત્ર ઉગામતા અને મેગા ડિલમાં વધુ એડવાન્ટેજ અમેરિકાને મળવાની ધારણા વચ્ચે નેગેટીવ અસરે આજે ભારતીય શેર બજારોમાં સપ્તાહના અંતે ધોવાણ ચાલુ રહ્યું હતું. શેરોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ખાસ ગાબડાં પડતાં રહેતાં  અને ફ્રન્ટલાઈન શેરોમાં પણ ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. જેના પરિણામે સેન્સેક્સ આરંભમાં ૬૯૯.૩૩ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૫૪૩૯.૬૪ સુધી ખાબકી ગયો હતો. જે  ઘટાડે આઈટી-સોફટ્વેર શેરો ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી સાથે નેસ્લે ઈન્ડિયા, આઈટીસી, રિલાયન્સ સહિતમાં આકર્ષણે મોટો ઘટાડો રિકવર કરી અંતે ૧૯૯.૭૬ પોઈન્ટ ઘટીને ૭૫૯૩૯.૨૧ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ પણ ૨૩૦૦૦ની સપાટી ગુમાવી દઈ નીચામાં ૨૨૭૭૪.૮૫ સુધી ખાબકી અંતે ૧૦૨.૧૫ પોઈન્ટ તૂટીને ૨૨૯૨૯.૨૫ બંધ રહ્યો હતો. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે અસાધારણ ગાબડાં પડવા સાથે સપ્તાહમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૨૩.૭૪ લાખ કરોડ જેટલું જંગી ધોવાણ થઈ ગયું હતું.

ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફથી ફાર્મા શેરોમાં ગાબડાં : કોન્કોર્ડ, લિન્કન ફાર્મા, ઓર્ચિડ, પિરામલ ફાર્મા તૂટયા

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે એપ્રિલથી દરેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાનો નિર્ણય લેતાં ભારતની ફાર્મા નિકાસોને મોટી નેગેટીવ અસર થવાના અંદાજોએ અને કંપનીઓના નબળા પરિણામે આજે હેલ્થકેર શેરોમાં કડાકો બોલાયો હતો. કોન્કોર્ડ બાયો નબળા ત્રિમાસિક રિઝલ્ટે રૂ.૪૧૬.૭૫ તૂટીને રૂ.૧૬૯૩.૨૦, લિન્કન ફાર્મા રૂ.૮૧.૪૫ તૂટીને રૂ.૫૬૦.૩૫, ડિકાલ રૂ.૨૩.૮૦ તૂટીને રૂ.૨૦૪.૨૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૧૦૫.૦૫ તૂટીને રૂ.૯૪૫.૪૫, નાટકો ફાર્મા નબળા પરિણામે રૂ.૮૯.૭૦ તૂટીને રૂ.૮૮૩.૭૦, લૌરસ લેબ રૂ.૫૪.૩૦ તૂટીને રૂ.૫૪૬.૫૫, પિરામલ ફાર્મા રૂ.૧૬.૧૦ તૂટીને રૂ.૧૮૪.૮૦, માર્કન્સ રૂ.૧૮.૭૦ તૂટીને રૂ.૨૩૦.૮૦, ન્યુલેન્ડ લેબ રૂ.૯૩૪.૧૦ તૂટીને રૂ.૧૧,૭૬૮.૪૦, આરપીજી લાઈફ રૂ.૧૫૯ તૂટીને રૂ.૨૨૨૪.૮૦, સુવેન રૂ.૮.૧૫ ઘટીને રૂ.૧૧૬, ગ્લેનમાર્ક રૂ.૮૮.૫૫ તૂટીને રૂ.૧૩૨૧.૩૫, મોરપેન લેબ રૂ.૩.૩૩ તૂટીને રૂ.૫૧.૮૦ રહ્યા હતા.

ઓટો કંપનીઓની અમેરિકા નિકાસને ફટકો પડશે : ટીઆઈ ઈન્ડિયા, ઉનો મિન્ડા, ટીવીએસ, બજાજ તૂટયા

અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયે ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગની અમેરિકામાં નિકાસને અસર પડવાના અંદાજોએ ફંડોએ ઓટો શેરોમાં વધુ હેમરિંગ કરતાં કડાકો બોલાયો હતો. ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૩૧.૩૫ તૂટીને રૂ.૨૫૭૮.૫૦, ઉનો મિન્ડા રૂ.૪૧.૩૦ તૂટીને રૂ.૯૦૫.૪૦, ટીવીએસ મોટર રૂ.૭૫.૦૫ તૂટીને રૂ.૨૪૦૦, મધરસન રૂ.૩.૬૫ ઘટીને રૂ.૧૨૬.૧૫, બજાજ ઓટો રૂ.૨૩૪.૭૫ તૂટીને રૂ.૮૪૬૦.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૯૪.૯૦ તૂટીને રૂ.૩૮૫૯.૨૦, આઈશર મોટર્સ રૂ.૧૧૨.૭૫ તૂટીને રૂ.૪૭૦૩.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૭.૪૫ ઘટીને રૂ.૨૯૪૦.૭૫ રહ્યા હતા.

અમેરિકાથી ભારતની ઓઈલ આયાત વધશે : પેટ્રોનેટ, ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, અદાણી ગેસ ઘટયા

ભારત-અમેરિકા વચ્ચે ડિલના ભાગરૂપ ભારતની અમેરિકાથી ઓઈલ-ગેસની મોટાપ્રમાણમાં આયાત થવાના કરારે ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. પેટ્રોનેટ એલએનજી રૂ.૧૪.૪૦ તૂટીને રૂ.૨૮૨.૭૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૬.૧૫ ઘટીને રૂ.૩૯૬.૨૫, અદાણી ટોટલ ગેસ રૂ.૨૨.૭૦ ઘટીને રૂ.૫૭૩.૩૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૨૫ ઘટીને રૂ.૧૮૫.૮૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૧૭.૨૫, એચપીસીએલ રૂ.૭.૫૦ ઘટીને રૂ.૩૧૨.૫૦, ઓએનજીસી રૂ.૪.૬૦ ઘટીને રૂ.૨૩૦.૪૫ રહ્યા હતા.

મંદીની અસર પ્રોપર્ટી માર્કેટ પર થતાં રિયાલ્ટી શેરો તૂટયા : અનંતરાજ, સિગ્નેચર, ઓબેરોય તૂટયા

શેર બજારોમાં મંદી થવા લાગતાં પ્રોપર્ટી-રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રોપર્ટીની માંગ પર અસર થવા લાગી હોવાના અને બુકિંગ કેન્સલ થવા સાથે પ્રોજેક્ટો વિલંબમાં પડવાના જોખમે ફંડોની રિયાલ્ટી શેરોમાં વેચવાલી વધતી જોવાઈ હતી. અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૨.૮૦ તૂટીને રૂ.૫૫૪.૮૫, સિગ્નેચર રૂ.૫૬.૧૦ તૂટીને રૂ.૧૧૬૭.૭૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૬૪.૦૫ ઘટીને રૂ.૧૫૬૩.૯૦, ફિનિક્સ રૂ.૪૮.૪૫ ઘટીને રૂ.૧૫૫૦.૭૫, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૫૯ ઘટીને રૂ.૧૯૬૭.૧૦, લોઢા ડેવલપર્સ રૂ.૨૧.૨૫ ઘટીને રૂ.૧૧૫૨.૨૫ રહ્યા હતા.

આઈટી ક્ષેત્રે ફંડોની શેરોમાં પસંદગીની ખરીદી : ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ, ટાટા એલેક્સી વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ક્ષેત્રે અમેરિકા સાથે બિઝનેસ વધવાની અપેક્ષાએ આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. સાસ્કેન રૂ.૨૭.૮૫ વધીને રૂ.૧૮૧૭.૩૫, ઈન્ફોસીસ રૂ.૧૩.૦૫ વધીને રૂ.૧૮૫૬.૩૦, ટીસીએસ રૂ.૨૩.૬૫ વધીને રૂ.૩૯૩૨.૭૫, ટાટા એલેક્સી રૂ.૩૧.૯૫ વધીને રૂ.૬૧૭૩.૯૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૮.૩૫ વધીને રૂ.૧૭૧૦.૮૦ રહ્યા હતા.

ગોડફ્રે ફિલિપ રૂ.૯૯૬ ઉછળી રૂ.૫૯૭૯ : હટસન, દાલમિયા સુગર, ગ્લોબસ સ્પિરીટ, નેસ્લે વધ્યા

એફએમસીજી શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ગોડફ્રે ફિલિપ રૂ.૯૯૬.૫૫ ઉછળી રૂ.૫૯૭૯.૫૦, હટસન રૂ.૧૭.૬૫ વધીને રૂ.૯૮૧, દાલમિયા સુગર રૂ.૫.૩૦ વધીને રૂ.૩૪૪.૭૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૯.૬૦ વધીને રૂ.૨૧૯૭ રહ્યા હતા. જ્યારે બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩.૮૮ તૂટી રૂ.૩૭.૪૦, એવીટી નેચરલ રૂ.૫.૩૦ તૂટી રૂ.૬૯, એડીએફ ફૂડ્સ રૂ.૧૬.૨૫ તૂટી રૂ.૨૩૪.૭૫, બજાજ હિન્દુસ્તાન રૂ.૧.૪૬ તૂટીને રૂ.૨૨.૦૮ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં મંદી, મંદી, મંદી : ૩૩૨૦  શેરોના ભાવો તૂટયા : માત્ર ૬૮૧ શેરો પોઝિટીવ

સ્મોલ, મિડ કેપ, રોકડાના અસંખ્ય શેરોમાં પેનીક સેલિંગ સાથે ભાવો તૂટતાં અને એ ગુ્રપના શેરોમાં પણ વેચવાલીનું દબાણ વધતાં આજે માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૩૨૦ અને વધનારની સંખ્યા ૬૮૧ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૪૨૯૫ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૩૬૪ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  શુક્રવારે કેશમાં રૂ.૪૨૯૪.૬૯  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૦૬૪.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૩૫૮.૮૭ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૩૬૩.૮૭ કરોડની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૧૨,૮૨૬.૬૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૪૬૨.૭૯ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭.૧૭ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૦૦.૧૯ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં આજે આરંભિક કડાકા બાદ રિકવરી છતાં અનેક સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ગાબડાં પડતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭.૧૭  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૦૦.૧૯  લાખ કરોડ રહ્યું હતું. આમ આ સપ્તાહમાં છ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૨૩.૭૪ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે.


Google NewsGoogle News