રોકાણકારોની સંપતિ રૂ.426.95 લાખ કરોડની નવી ટોચે
- સેન્સેક્સ ૩૩ પોઈન્ટ ઘટીને ૭૬૪૫૭ : નિફટી સ્પોટ છ પોઈન્ટ વધીને ૨૩૨૬૫
- બેકિંગ, પીએસયુ શેરોમાં આકર્ષણ : DIIની કેશમાં રૂ.૩૧૯૩ કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : વૈશ્વિક મોરચે ફ્રાંસમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિ સર્જાતાં યુરો અને યુરોપના દેશોના શેરોમાં નરમાઈની અસરે આજે ભારતીય શેર બજારોમાં પણ સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ તેજીમાં સતત સાવચેતી બતાવી હતી. અલબત ચોમાસું સમયસર શરૂ થઈ જતાં અને ચાલુ વર્ષે સામાન્યથી સારા વરસાદની અપેક્ષાએ સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, ઓટો શેરોમાં લોકલ ફંડો અને ખેલંદાઓની વ્યાપક તેજીએ શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં રોકાણકારોની સંપતિ (લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન) આજે રૂ.૧.૭૨ લાખ કરોડ વધીને રૂ.૪૨૬.૯૪૫ લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી હતી. જે અગાઉ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ ૩, જૂન ૨૦૨૪ના રૂ.૪૨૫.૯૧ લાખ કરોડની ઊંચાઈએ જોવાયું હતું.
બેંકિંગ શેરામાં તેજી
સેન્સેક્સ-નિફટી બેઝડ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ,, ટાટા મોટર્સ,એચસીએલ ટેકનોલોજી, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ સહિતમાં આકર્ષણ સામે બેંકિંગ શેરો કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક તેમ જ આઈટીસી, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાલીએ સેન્સેક્સ બે-તરફી વધઘટમાં ૭૬૮૬૦.૫૩ થી ૭૬૨૯૬.૪૪ વચ્ચે અથડાઈ અંતે ૩૩.૪૯ પોઈન્ટ ઘટીને ૭૬૪૫૬.૫૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૩૩૮૯.૪૫ થી ૨૩૨૦૬.૬૫ વચ્ચે અથડાઈ અંતે ૫.૬૫ પોઈન્ટ વધીને ૨૩૨૬૪.૮૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ઉછળ્યો
કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ સતત મોટી ખરીદી કરી હતી. વી-ગાર્ડ રૂ.૮.૭૦ વધીને રૂ.૪૦૩.૫૫, સુઝલોન રૂ.૪૮.૨૬, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૫૮.૨૦ વધીને રૂ.૩૬૦૦.૩૫, ભારત ફોર્જ રૂ.૨૫ વધીને રૂ.૧૬૦૫.૫૫, કાર્બોરેન્ડમ રૂ.૨૧.૨૦ વધીને રૂ.૧૬૪૬.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૫૭.૮૪ પોઈન્ટ વધીને ૬૯૮૧૦.૯૬ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાની સાથે ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. લિન્ડે ઈન્ડિયા રૂ.૫૫૮.૬૦ ઉછળીને રૂ.૯૦૦૦, ઓએનજીસી રૂ.૧૪.૫૦ વધીને રૂ.૨૭૩.૬૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧૨.૬૦ વધીને રૂ.૩૧૫.૧૫, ગેઈલ રૂ.૪.૭૫ વધીને રૂ.૨૧૨.૮૦, આઈઓસી રૂ.૨.૪૫ વધીને રૂ.૧૬૭.૭૦, બીપીસીએલ રૂ.૪.૮૫ વધીને રૂ.૬૦૭.૩૦, એચપીસીએલ રૂ.૨.૭૦ વધીને રૂ.૫૨૪.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૨૫.૩૯ પોઈન્ટ વધીને ૨૯૦૬૨.૭૧ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ઉછળ્યો
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે ફંડોએ પસંદગીની ખરીદી ચાલુ રાખી હતી. અશોક લેલેન્ડ રૂ.૬.૬૦ વધીને રૂ.૨૩૮, મારૂતી સુઝુકી રૂ.૧૪૪.૯૫ વધીને રૂ.૧૨,૮૪૮.૧૫, બજાજ ઓટો રૂ.૧૦૦.૩૦ વધીને રૂ.૯૮૨૮.૭૫, હીરો મોટોકોર્પ રૂ.૫૩.૩૫ વધીને રૂ.૫૭૭૨.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૬ વધીને રૂ.૨૮૩૩.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૦૫.૬૯ પોઈન્ટ ઉછળીને ૫૭૧૦૫.૦૭ બંધ રહ્યો હતો.
પીએસયુ શેરોમાં તેજી
પીએસયુ, રેલવે, હાઉસીંગ પીએસયુ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ મોટી ખરીદી કરી હતી. એનબીસીસી ઈન્ડિયા રૂ.૧૩.૬૫ વધીને રૂ.૧૫૬.૫૫, ઈરકોન ઈન્ટરનેશનલ રૂ.૨૦.૪૦ વધીને રૂ.૨૭૨, એન્જિનિયર્સ ઈન્ડિયા રૂ.૧૬.૬૫ વધીને રૂ.૨૪૬.૫૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૪૧.૪૦ વધીને રૂ.૬૪૬.૭૫, કન્ટેઈનર કોર્પોરેશન રૂ.૩૩.૪૦ વધીને રૂ.૧૦૮૭.૯૫ રહ્યા હતા.
સ્મોલ કેપ, મિડ કેપ ઈન્ડેક્સ ઉછળ્યા
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે સતત ફંડો, ખેલંદાઓનું આકર્ષણ જળવાયેલું રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૪૬૭.૫૮ પોઈન્ટ ઉછળીને ૪૯૭૦૦, બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૩૨૭.૪૯ પોઈન્ટ વધીને ૪૪૬૮૩.૮૩ બંધ રહ્યા હતા. બીએસઈમાં આજે ૩૯૬૯ સ્ક્રિપોમાં થયેલા ટ્રેડીંગમાંથી ૨૪૬૧ શેરો પોઝિટીવ અને ૧૪૦૨ શેરો નેગેટીવ બંધ રહ્યા હતા.
FIIની શેરોમાં રૂ.૧૧૧ કરોડની વેચવાલી
એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશમાં શેરોમાં રૂ.૧૧૧.૦૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૧૯૩.૨૯ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.