રોકાણકારોનો મોહ તૂટી રહ્યો છે નવા ડીમેટ એકાઉન્ટની સંખ્યા ઘટી
- ડીમેટ ખાતાની કુલ સંખ્યા 18.81 કરોડ પહોંચી
- જાન્યુઆરીમાં નવા ડીમેટ ખાતાનો ઉમેરો ધીમો પડી 14 મહિનાની નીચી સપાટીએ રહ્યો
મુંબઈ : શેરબજારમાં વોલેટિલિટી વચ્ચે રિટેલ રોકાણકારોનો રસ દિવસોદિવસ ઘટી રહ્યાનું નવા ડીમેટ ખાતા ખોલવાની સંખ્યાને ધ્યાનમાં રાખી કહી શકાય એમ છે. ડિસેમ્બરમાં નવા ખાતા ખોલવાની માત્રા ધીમી પડયા બાદ જાન્યુઆરીમાં પણ તે ધીમી પડયાનું ડીપોઝિટરીસના આંકડા પરથી કહી શકાય એમ છે.
ડીમેટ ખાતાની સંખ્યામાં વધારો થવાનું ચાલુ રહ્યું છે, પરંતુ નવા ખાતાનો ઉમેરો જાન્યુઆરીમાં ધીમો પડી ૧૪ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે.
જાન્યઆરીમાં ૨૮.૩૦ લાખ નવા ડીમેટ ખાતા ખૂલ્યા છેજે નવેમ્બર, ૨૦૨૩ બાદ સૌથી ઓછા છે. ડિસેમ્બરમાં કુલ ૩૨.૬૦ લાખ નવા ખાતા ખૂલ્યા હતા. ૨૦૨૪માં મહિને સરેરાશ ૩૮.૪૦ લાખ નવા ખાતા ખૂલ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
જાન્યુઆરીના અંત સુધીમાં સીડીએસએલ તથા એનએેસડીએલ પર ડીમેટ ખાતાની કુલ સંખ્યા વધી ૧૮.૮૧ કરોડ રહી હતી.
ઈક્વિટી સેકન્ડરી માર્કેટમાં ગયા વર્ષના ઓકટોબરથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલી વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં ગાબડાં પડવાને કારણે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનું માનસ ખરડાયું છે જેની અસર નવા ડીમેટ ખાતા ખોલવામાં જોવા મળી રહી છે.
ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં મોટું કરેકશન જોવા મળ્યું હતું. સેન્સેકસ ૭.૩૦ ટકા અને નિફટીમાં ૮.૩૦ ટકા ઘટાડો થયો હતો, જે ૨૦૨૨ના જૂન ત્રિમાસિક બાદ સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો રહ્યો હતો.
કોરોના દરમિયાન ઘેરબેઠા આવકના નવા સ્રોત તરીકે શેરબજારોમાં આકર્ષણ વધ્યું હતું અને ત્યારપછી ડીમેટ ખાતાની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ખાતા ખોલાવવામાં સરળતા વધી જવાને કારણે પણ ખાતામાં વધારો ચાલુ રહ્યો છે.
માર્ચ ૨૦૨૦માં ડીમેટ ખાતાની સંખ્યા જે ૪.૧૦ કરોડ હતી તે હાલમાં ચાર ગણાથી પણ વધુ જોવા મળી રહી છે.