Get The App

ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો 1 - image


- ફોરેન ફંડોની શેરોમાં રૂ.14,670 કરોડની ધૂમ ખરીદીના પરિણામે...

- સેન્સેક્સમાં 3395, નિફટીમાં 1023 પોઈન્ટનો ઉછાળો : ગુરૂવારે સેન્સેક્સ 1509 પોઈન્ટ, નિફટી 414 પોઈન્ટ વધી ચાર મહિનાની ટોચે

મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ટેરરના કારણે વૈશ્વિક બજારોમાં એક સપ્તાહ પૂર્વે આવેલા વંટોળમાં સર્જાયેલી ડામાડોળ પરિસ્થિતિમાં વર્લ્ડ ટ્રેડ વોર હવે અમેરિકા અને ચાઈના વચ્ચે સીમિત થવા લાગતાં એડવાન્ટેજ ઈન્ડિયા બની વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાં રોકાણ તરફ વળ્યા છે. આ રોકાણ આકર્ષણે ત્રણ દિવસના ટૂંકા સપ્તાહમાં ભારતમાં શેરોમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૧૮.૦૫ લાખ કરોડનો જંગી વધારો થયો છે.

૧૧, એપ્રિલ ૨૦૨૫ના રોજ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન જે રૂ.૪૦૧.૫૫ લાખ કરોડ હતું, એ ત્રણ દિવસમાં રૂ.૧૮.૦૫ લાખ કરોડ વધીને આજે-શુક્રવારે ૧૭, એપ્રિલ ૨૦૨૫ના રૂ.૪૧૯.૬૦ લાખ કરોડ પહોંચી ગયું છે.

શેરોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)એ શેરોમાં સતત ખરીદદાર બની ત્રણ દિવસમાં રૂ.૧૪,૬૭૦ કરોડના શેરોની ધૂમ ખરીદી કરતાં બીએસઈનો સેન્સેક્સ ૩૦ ઈન્ડેક્સ આ ત્રણ દિવસમાં ૩૩૯૫.૧૦ પોઈન્ટ ઉછળીને ૭૮૫૫૩.૨૦ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૦૨૩.૧૦ પોઈન્ટ ઉછળીને ૨૩૮૫૧.૬૫ની ચાર મહિનાની ઊંચાઈ નજીક પહોંચી ગયા છે. રોકાણકારોના જીવમાં જીવ આવ્યો હોય એમ વિદેશી ફંડોની સાથે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓની સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ મોટી ખરીદી થઈ છે.

યુરોપ, અમેરિકાના બજારો સપ્તાહના અંતે ગુરૂવારેએક તરફ ઘટાડા તરફી રહ્યા હતા, ત્યારે એશીયા-પેસેફિકમાં જાપાન, હોંગકોંગ, ભારતના બજારોમાં મજબૂતી જોવાઈ હતી. ખાસ ભારતીય શેર બજારો એનએસઈ, બીએસઈમાં શેરોમાં વિદેશી ફંડોની બેંકિંગ શેરો અને રિલાયન્સ, ભારતી એરટેલ સહિતમાં ધૂમ ખરીદી થતાં સેન્સેક્સે૧૫૦૮.૯૧ પોઈન્ટનો ઉછાળો અને નિફટી ૫૦ ઈન્ડેક્સે ૪૧૪.૪૫ પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો. ગુડફ્રાઈડેના શુક્રવારે શેર બજારો બંધ રહેનાર છે.અમેરિકાના ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫ ટકા કરવામાં આવતાં ચાઈનાના પ્રમુખ જિનપિંગે દક્ષિણપૂર્વ એશીયાના દેશોની ટુર દરમિયાન એશીયાના દેશોને એક થવા હાંકલ કર્યાના અહેવાલે અમેરિકા અને ચાઈના વચ્ચે વેપાર યુદ્વ વકરવાના એંધાણ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાંજે સાવચેતી હતી. અમેરિકી બજારો નરમાઈ સાથે ખુલ્યા બાદ સાંજે ડાઉ જોન્સ ૫૮૦ પોઈનટનો ઘટાડો અને નાસ્દાક ૨૩ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. યુરોપના બજારોમાં સાધારણ નરમાઈ રહી હતી.

Tags :