રોકાણકારોની સંપતિમાં બે દિવસમાં રૂ.14 લાખ કરોડનો જંગી વધારો
- વિદેશી રોકાણકારોની રૂ. 9947 કરોડની નવી લેવાલી
- સેન્સેક્સ 993 પોઈન્ટ ઊછળી 80 હજાર, નિફટી પણ 24 હજારને પાર
અમદાવાદ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો વિજય થયાના અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોને આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ આજે બીજા દિવસે શેર બજારમાં તેજીનો માહોલ જારી રહ્યો હતો. જેના પગલે બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ. ૧૪ લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત થતા સરકારી પગલા આગળ વધવાનો આશાવાદ પ્રબળ બન્યો હતો. આ ઉપરાંત સારા ચોમાસા બાદ લગ્નગાળાની ચિક્કાર સીઝનના કારણે નવી માગમાં વધારાની ગણતરીની પણ સાનુકૂળ અસર જોવાઈ હતી. આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ખેલાડીઓ તેમજ રોકાણકારોની નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઈન્ટ્રાડે ૧૩૫૬ પોઈન્ટ ઊછળ્યા બાદ કામકાજના અંતે ૯૯૨.૭૪ પોઈન્ટ ઊછળી ૮૦૧૦૯.૮૫ પહોંચ્યો હતો. જ્યારે નિફટી ઈન્ટ્રાડે ૪૪૪ પોઈન્ટ ઊછળ્યા બાદ કામકાજના અંતે ૩૧૪.૬૫ પોઈન્ટ ઊછળી ૨૪૨૨૧.૯૦ ની સપાટીએ મક્કમ રહ્યો હતો.
સેન્સેક્સના ઊછાળા પાછળ આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઈ માર્કેટકેપ) રૂ. ૫.૮૭ લાખ કરોડનો વધારો થતા અંતે રૂ. ૪૩૯.૫૮ લાખ કરોડ પહોંચ્યું હતું. તેજીના પગલે છેલ્લા બે દિવસમાં (રવિવાર અને સોમવાર) રોકાણકારોની સંપતિમાં રૂ. ૧૪.૨૦ લાખ કરોડનો વધારો નોંધાયો છે.
લાંબા સમય બાદ આજે વિદેશી રોકાણકારોએ રૂ. ૯૯૪૭ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૬૯૦૮ કરોડની વેચવાલી હાથ ધરી હતી.