રોકાણકારોની સંપત્તિ રૂ. 13.23 લાખ કરોડ વધીને રૂ. 408.06 લાખ કરોડ
- દાઝ્યા પર મલમ જેવો શેરબજારનો ટ્રેન્ડ
- NDA સરકાર પુન: સત્તા પર આવવાના અહેવાલો પાછળ સેન્સેક્સમાં 2303 અને નિફ્ટીમાં 736 પોઇન્ટનો ઉછાળો
- સેન્સેક્સમાં પ્રચંડ ઉછાળો છતાં પણ વિદેશી રોકાણકારોનું રૂપિયા 5656 કરોડની જંગી વેચવાલીનું દબાણ
અમદાવાદ : ગઇકાલના પ્રચંડ કડાકામાં રોકાણકારોની સંપત્તિનો મોટોપાયે ધોવાણ થયા બાદ આજે ભારતીય શેરબજારમાં દાઝ્યા પર મલમની જેમ નીચા મથાળે શોર્ટ કવરીંગ પાછળ બજારમાં સંગીન સુધારો જોવા મળ્યો હતો. એનડીએ સરકાર પુન: સત્તા પર આવવાના અહેવાલો પાછળ આજે સ્થાનિક સંસ્થાઓ, ફંડો, ઓપરેટરો દ્વારા હાથ ધરાયેલ નવી ઝડપી લેવાલી પાછળ આજે સેન્સેક્સમાં ૨૩૦૩ અને નિફ્ટીમાં ૭૩૬ પોઇન્ટનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સના ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિમાં પણ રૂપિયા ૧૩.૨૩ લાખ કરોડનો વધારો થયો હતો.
ગઇકાલે લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળતાં એનડીએના સાથી પક્ષો દ્વારા ભાજપને ટેકો આપવાના સ્પષ્ટ વિશ્વાસ બાદ ફરી એકવાર એનડીએની સરકાર નક્કી બનતાં નીચાં મથાળે સ્થાનિક સંસ્થાઓ, ફંડો, ઓપરેટરો દ્વારા હાથ ધરાયેલ નવી ઝડપી લેવાલી પાછળ શેરોની જાતેજાતમાં સંગીન સુધારો જોવા મળ્યો હતો. જેના પગલે બજારમાં સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી.
નવી ઝડપી લેવાલી પાછળ આજે સેન્સેક્સ ૨૩૦૩ પોઇન્ટ ઉછળીને ૭૪૩૮૨ની સપાટીએ મજબૂત રહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ ૭૩૬ પોઇન્ટ ઉછળીને ૨૨૬૨૦ની સપાટીએ મક્કમ રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હોવા છતાં પણ આજે વિદેશી રોકાણકારો દ્વારા રૂ. ૫૬૫૬ કરોડની જંગી વેચવાલી હાથ ધરાઈ હતી. જો કે બીજી તરફ સ્થાનિક સંસ્થાઓએ આજે રૂ. ૪૫૫૫ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાને પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપ) રૂ. ૧૩.૨૩ લાખ કરોડનો વધારો થતાં અંતે રૂ. ૪૦૮.૦૬ લાખ કરોડની સપાટીએ રહ્યું હતું. નીચા મથાળે નવી લેવાલી પાછળ આજે બીએસઈ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૧૩૧૯ પોઇન્ટનો જ્યારે બીએસઈ મીડ કેપ ઇન્ડેક્સમાં ૧૭૯૮ પોઇન્ટનો તોતિંગ ઉછાળો નોંધાયો હતો.
NSEમાં ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ
નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે આજે એક જ દિવસમાં વિક્રમી ટ્રાન્ઝેક્શન્સ થયાનો રેકોર્ડ નોંધાયો હતો. આજે એક્સચેન્જ ખાતે ટ્રેડિંગ અવર્સ દરમિયાન ૧૯૭૧ કરોડના ઓર્ડર નોંધાયા હતા. જ્યારે ૨૮.૫૫ કરોડ ટ્રેડ નોંધાયા હતા આ સાથે એક્સચેન્જે નવો રેકોર્ડ સર્જ્યો હતો.