Get The App

સેબીની કડકાઈ અને નબળા રિટર્નને પગલે IPOમાં રોકાણકારોનો રસ ઓછો થયો

- નવેમ્બરમાં સરેરાશ સબસ્ક્રિપ્શન ૧.૯ ગણું જ રહ્યું

- ઓછા સબસ્ક્રિપ્શન માટે IPOનું કદ પણ જવાબદાર, SME IPOમાં બોલી અડધી થઈ

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
સેબીની કડકાઈ અને નબળા રિટર્નને પગલે IPOમાં રોકાણકારોનો રસ ઓછો થયો 1 - image


અમદાવાદ : ભારતીય શેરબજાર માટે નવેમ્બરનો મહિનો અવિસ્મરણીય રહ્યો છે. વિદેશી રોકાણકારોની અવિરત વેચવાલી અને અદાણી સહિતના અનેક મોટા પ્રકરણને કારણે સદંતર મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન માટે સેકન્ડર માર્કેટ જ નહિ પરંતુ પ્રાઈમરી માર્કેટ એટલે કે આઈપીઓ બજારમાં પણ દબાણ જોવા મળ્યું હતુ. આઈપીઓનું બજાર ગત મહિને નવેમ્બરમાં એકદમ સુસ્ત રહ્યું હતું. 

મેઇનબોર્ડ અને એસએમઈ આઈપીઓ બંને સેગમેન્ટમાં સરેરાશ સબ્સ્ક્રિપ્શન લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. પ્રાઇમ ડેટાબેઝના ડેટા અનુસાર, નવેમ્બરમાં મેઇનબોર્ડ આઇપીઓ માટે સરેરાશ સબસ્ક્રિપ્શન લેવલ ૧.૯ ગણું જ રહ્યું હતું, જે ઓક્ટોબરમાં ૧૬ ગણું અને સપ્ટેમ્બરમાં ૭૬ ગણું હતું. જોકે, તેમાં એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ આઈપીઓનો ડેટા સામેલ નથી, જે લગભગ ૯૦ ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

એન્વિરો સિવાય નવેમ્બરમાં લોન્ચ થયેલા તમામ આઈપીઓને ૩.૬ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતુ. નવેમ્બરમાં કુલ સાત કંપનીઓના મેઇનબોર્ડ આઇપીઓ આવ્યા હતા, જેમાં સ્વિગીનો રૂ. ૧૧,૩૨૭ કરોડનો અને એનટીપીસી ગ્રીન એનર્જીનો રૂ. ૧૦,૦૦૦ કરોડના મોટા આઈપીઓ શામેલ છે. આ બંને મોટા આઈપીઓને કારણે પણ સબસ્ક્રિપ્શન ડેટા નીચો રહ્યો છે.

બજાર નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય ચિંતાઓને કારણે ગત મહિને બંને સેકન્ડરી અને પ્રાઈમરી બજારમાં ઘણી અસ્થિરતા જોવા મળી હતી. આ સિવાય વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચવાલીએ નકારાત્મક માહોલ ઉભો કર્યો હતો. આ સિવાય અમુક મોટા અને ગ્રે માર્કેટમાં ચર્ચાઈ રહેલા આઈપીઓના અપેક્ષા કરતા નીચા લિસ્ટિંગે બજારનું સેન્ટિમેન્ટ નબળું પાડયું હતું. સ્વિગીના આઈપીઓને ગત મહિને મેઇનબોર્ડમાં સૌથી વધુ બિડ મળી હતી, જે એકંદરે ૩ ગણાથી વધુ સબ્સ્ક્રાઇબ થઈ હતી.

માત્ર મેઈનબોર્ડ માટે જ નહીં પરંતુ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ આઈપીઓ માટે પણ આવી જ સ્થિતિ હતી. ગત મહિને એસએમઈ સેગમેન્ટમાં આઈપીઓ માટે સરેરાશ સબસ્ક્રિપ્શન ૧૧૨ ગણું હતું, જે સપ્ટેમ્બરમાં ૨૪૨ ગણું હતું. સૌથી વધુ સબસ્ક્રિપ્શન રાજપુતાના બાયોડીઝલના આઈપીઓને પ્રાપ્ત થયું હતું જે ૭૧૮ ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આ પછી, સૌથી વધુ બિડ ઓનિક્સ બાયોટેકના આઈપીઓને ૧૯૮ ગણું સબસક્રિપ્શન મળ્યું હતુ. એસએમઈ આઈપીઓના સબ્સ્ક્રિપ્શન માટે ઓછો પ્રતિસાદ નિયમનકારી કડકતા અને આ સેગમેન્ટ પર વધેલી દેખરેખને કારણે પણ છે.


Google NewsGoogle News