Investment Planning: નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવા આ બાબતોને અવગણશો નહિં
Image: FreePik |
Investment Planning: નિવૃત્તિ સમયે તેમજ લાંબા ગાળે વેલ્થ ક્રિએશન કરવાના લક્ષ્યો સાથે રોકાણ આયોજન કરતાં હોય છે. જો કે, મોટાભાગના લોકો અનુસરણ અને ચર્ચાતી બાબતોને આધારે આડેધડ રોકાણ કરે છે, અને અંતે મૂડી ગુમાવવાની સાથે ગોફણ ખાવાનો વારો આવે છે. જેથી નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા હંમેશા યોગ્ય આયોજન કરો. અધૂરૂ જ્ઞાન અને અધૂરા એનાલિસિસના આધારે કરેલુ રોકાણ તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે. આમ ન થાય તે માટે આ બાબતોને ધ્યાનમાં રાખો...
1. રોકાણની સમીક્ષા કરો
રોકાણ કરતી વખતે ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ લો. અને રોકાણ કર્યા બાદ સમયાંતરે રોકાણની સમીક્ષા કરો. જેથી ખોટી સ્કીમ કે નુકસાન કરતાં ઈન્સ્ટ્રુમેન્ટની ઓળખ કરી જરૂરિયાત મુજબ પોર્ટફોલિયોને એડજસ્ટ કરી શકાય. લાંબાગાળાના અને ટૂંકાગાળાના લક્ષ્યોને ધ્યાનમાં રાખી રોકાણ કરવુ જોઈએ. જેથી તમે તમામ આર્થિક જરૂરિયાતો અને ઈમરજન્સી ફંડ સમયે નાણા ભીડનો અનુભવ ન થાય.
2. આડેધડ રોકાણ કરવું
નાણાકીય આયોજન હંમેશા શાંતિથી એનાલિસિસ અને નિષ્ણાતની સલાહને આધારે કરવુ જોઈએ. બજારમાં સૌથી વધુ ચર્ચાતી તેમજ અન્યના અનુસરણને આધારે રોકાણ કરવુ જોઈએ નહિં. પોર્ટફોલિયોમાં રોકાણ ડાયવર્સિફાઈ કરવુ જોઈએ. જે તમારી જોખમ લેવાની ક્ષમતા, લક્ષ્યો અને સમય મર્યાદા પર નિર્ભર છે.
3. વધુ પડતાં ફેરફારો કરશો નહિં
તમે કરેલા રોકાણની સમીક્ષા કરો પરંતુ તેમાં વારંવાર ફેરફાર કરવા યોગ્ય નથી. તમારી સમયની મર્યાદાના આધારે ફેરફાર કરવા જોઈએ. લાંબાગાળાના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા ઈચ્છુકોએ પોર્ટફોલિયોમાં વધુ પડતાં ફેરફાર કરવા જોઈએ નહિં. વર્ષમાં એક વખત જ પોર્ટફોલિયોમાં ફેરફાર કરવા યોગ્ય છે.
4. ઈન્સ્યોરન્સને અવગણશો નહિં
સમય એક જેવો રહેતો નથી. ગમે ત્યારે ઈમરજન્સી ઘટનાઓ તેમજ અણધારી આફત આવી શકે છે. આ કપરાં સમયમાં ઈન્સ્યોરન્સ તમને તારે છે. જેથી હંમેશા રોકાણનો અમુક હિસ્સો જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા માટે ફાળવો. વીમા કવરેજની સમયાંતરે સમીક્ષા પણ કરો.