1લી ફેબુ્રઆરીએ રજુ થનારા વચગાળાના બજેટને અપાઈ રહેલો અંતિમ ઓપ
- સીતારામન સતત છઠ્ઠી વખત બજેટ પ્રસ્તુત કરશે
મુંબઈ : ૧લી ફેબુ્રઆરી નજીક આવી રહી છે ત્યારે નાણાં મંત્રાલય આગામી નાણાં વર્ષ માટેના બજેટને અંતિમ ઓપ આપી રહ્યું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને તેમની ટીમ બજેટ દસ્તાવેજોન અંતિમ ટચ આપી રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
વડા પ્રધાનની કચેરી (પીએમઓ) તથા નાણાં મંત્રાલયના અધિકારીઓની ટીમ વચ્ચે સતત સલાહમસલત સાથે બજેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ સાથે શરૂ થયેલી સ્કીમ્સ અથવા યોજનાઓ પર પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે.
મોરારજી દેસાઈ બાદ હાલના નાણાં પ્રધાન નિર્મલા સીતારામન બીજા એવા નાણાં પ્રધાન છે જે સતત છઠ્ઠી વખત બજેટ પ્રસ્તુત કરશે.
નાણાં વર્ષ ૨૦૨૪-૨૫નું સંપૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણી બાદ રચાનારી નવી સરકાર દ્વારા રજુ કરાશે. ૧લી ફેબુ્રઆરીનું બજેટ વચગાળાનું હશે.
વચગાળાના બજેટમાં વર્તમાન સરકાર મોટી નીતિવિષયક જાહેરાતો કરતી નથી હોતી જેને કારણે નવી સરકાર પર નાણાંકીય બોજ આવી જાય.
ચૂંટણી પંચની આચારસંહિતા પ્રમાણે, વર્તમાન સરકાર એવી કોઈ લોકપ્રિય સ્કીમ જાહેર કરી ન શકે જેનાથી મતદારો પ્રભાવિત થઈ જાય એમ પણ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.