Get The App

બજેટ 2024: ટેક્સ સ્લેબમાં કોઈ રાહત નહીં, કરદાતાઓની આશા પર પાણી ફરી વળ્યું, એક કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત

ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
બજેટ 2024: ટેક્સ સ્લેબમાં કોઈ રાહત નહીં, કરદાતાઓની આશા પર પાણી ફરી વળ્યું, એક કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત 1 - image

Budget 2024 live updates | નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે એટલે કે આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરી દીધું. લગભગ એક જ કલાકના ભાષણમાં તેમણે આ વખતે લોકોને આકર્ષિત કરે તેવી લોભામણી જાહેરાતો કરવાથી કિનારો કરી લીધો હોય તેવું દેખાયું. આ મોદી સરકારનું છઠ્ઠું બજેટ હતું. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે. બજેટ ભાષણ પૂરું થયા બાદ હવે ગૃહની કાર્યવાહીને શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

Budget Live Updates....

12:00 AM | આશા પર પરંપરા ભારે પડી 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે વચગાળાની બજેટની પરંપરાને યથાવત્ રાખી છે. ખરેખર વચગાળાના બજેટમાં કોઈ પણ પ્રકારની કોઈ આકર્ષક જાહેરાતો કરવામાં આવતી નથી. આ જ કારણ છે કે સરકારે આવી કોઈ લોકોને આકર્ષવા માટેની જાહેરાતો કરી નથી. 

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ વખતે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યા નથી. એટલે કે ઈન્કમ ટેક્સમાં ટેક્સપેયર્સને કોઈ રાહત અપાઈ નથી.

11:55 AM | 10 વર્ષમાં ટેક્સ કલેક્શન કેટલું? 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રાજકોષીય ખાધ 5.1 ટકા રહેવાનો અંદાજ છે. ખર્ચ રૂ. 44.90 કરોડ અને અંદાજિત આવક રૂ. 30 લાખ કરોડ રહેવાનું અનુમાન છે. 10 વર્ષમાં આવકવેરા વસૂલી ત્રણ ગણી વધી છે. ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે. 7 લાખની આવક ધરાવતા લોકોએ હવે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. 2025-2026 સુધીમાં ખોટમાં વધુ ઘટાડો થશે.

11:51 AM | રેલવે કોચ થશે અપગ્રેડ 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, "યાત્રીઓની સલામતી, સુવિધા અને આરામ માટે 40,000 સામાન્ય રેલ્વે કોચને વંદેભારત ટ્રેનના કોચની જેમ અપગ્રેડ કરવામાં આવશે. 

11:50 AM | ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ કરાશે 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે બાયોફ્યુઅલ માટે સમર્પિત સ્કીમ લાવ્યા છીએ. જાહેર પરિવહન માટે ઈ-વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે-દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે. પ્રવાસન કેન્દ્રોના વિકાસને વેગ આપશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે.

11:49 AM | રાજ્યોને વ્યાજમુક્ત લોન 

રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવામાં આવી રહી છે. ટિયર-2 અને ટિયર-3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે. પીએમ આવાસ યોજનામાં 70 ટકા ઘર મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. 75 હજાર કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી છે. FDI પણ 2014 થી 2023 સુધી વધ્યું છે. સુધારા માટે 75 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે.

11:48 AM | બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કેટલાક એલાન કર્યા

પશુ પાલકોની મદદ માટે સરકાર યોજના લાવીશું

ડિફેન્સમાં ડીપ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે યોજના લાવીશું

કૃષિ માટે મોર્ડન સ્ટોરેજ, સપ્લાય ચેન પર ફોકસ

સરસવ, મગફળીની ખેતી માટે સરકાર વધુ પ્રોત્સાહન આપશે

મત્સ્ય યોજનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરાશે

સી-ફૂડ એક્સપોર્ટ બેગણી કરવાનો ટાર્ગેટ

સરકાર 5 ઈન્ટિગ્રેટેડ એક્વા પાર્ક્સ ખોલશે

લખપતિ દીદીઓની સંખ્યા 20 લાખથી વધારીને 30 લાખ કરીશું

FY25માં ઈન્ફ્રા પર 11.1 ટકા વધુ ખર્ચ કરાશે

FY25 માટે 11.11 લાખ કરોડ કેપેક્સનું એલાન, અત્યાર સુધીના સૌથી મોટા કેપેક્સનું એલાન

એનર્જી, મિનરલ, ત્રણ નવી રેલવે કોરિડોર બનાવાશે

યાત્રી ટ્રેનોના 40 હજાર કોચ વંદે ભારત જેવા અપગ્રેડ કરાશે 

નાના શહેરોને જોડવા માટે 517 નવા રૂટ પર UDAN સ્કીમ લાવશે સરકાર

11:47 AM | બજેટ ભાષણમાં નાણામંત્રીની 11 મોટી વાત

આગામી 5 વર્ષ દેશના વિકાસ માટે શાનદાર હશે

રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ પર હશે સંપૂર્ણ ફોકસ

સરકાર નેક્સ્ટ જનરેશન રિફોર્મ લાવશે

આગામી 5 વર્ષમાં ગરીબો માટે 2 કરોડ ઘર બનાવાશે

મધ્યમ વર્ગ માટે હાઉસિંગ સ્કીમ પર વિચાર

MSME માટે બિઝનેસ સરળ કરવા પર કામ શરૂ

રૂફટૉપ સોલર પ્લાન હેઠળ 1 કરોડ ઘરોને 300 યુનિટ/મહિનો ફ્રી વીજળી

દેશમાં વધુ મેડિકલ કોલેજ ખોલવા પર કામ કરીશું

આંગણવાડી સેન્ટરોને અપગ્રેડ કરાશે, ASHA વર્કર્સને આયુષ્માન યોજનાનો મળશે લાભ

સર્વાઈકલ કેન્સર માટે વેક્સિનેશન વધારાશે

તમામ વિસ્તારોમાં નેનો DAPનો ઉપયોગ વધારાશે

11:46 AM |  ત્રણ નવી રેલવે કોરિડૉર શરૂ થશે 

નિર્મલા સીતારમણે કહ્યું કે ત્રણ નવા રેલવે કોરિડૉર સ્થાપિત કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. એવિયેશન કંપનીઓ એક હજાર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે.

11:45 AM | રૂફ ટોપ યોજના હેઠળ મળશે મફત વીજળી! 

સરકારનું લક્ષ્ય 3 કરોડ મકાનો બનાવવાનું પૂરું થઇ ગયું છે અને હવે આગામી 5 વર્ષમાં વધુ 2 કરોડ મકાન બનાવશે. રૂફ ટોપ સોલાર સ્કીમ હેઠળ લોકોને 300 યુનિટ જેટલી વીજળી મફત આપવાની પણ યોજના છે. 

11:44 AM | સર્વાઇકલ કેન્સરને લઈને બજેટમાં મહત્ત્વની જાહેરાત, કિશોરીઓને વિનામૂલ્યે રસી આપશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં ખેડૂતો અને મહિલાઓ માટે મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી રહી છે. બજેટ ભાષણમાં નાણામંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર મિશન સર્વાઇકલ કેન્સર રસીકરણને પ્રોત્સાહન આપશે. 9થી 14 વર્ષની કિશોરીઓને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. સર્વાઇકલ કેન્સરની વધતી સંખ્યાને ઘટાડવા માટે, કેન્દ્ર સરકાર હ્યુમન પેપિલોમાવાયરસ અથવા HPV રસી- CERVAVACને લાગુ કરવા માટે તૈયાર છે. નિષ્ણાતોના મતે, સર્વાઇકલ કેન્સર ભારતમાં બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે. દર વર્ષે દેશમાં 1,20,000 થી વધુ મહિલાઓ સર્વાઇકલ કેન્સરથી પ્રભાવિત થાય છે. તેમાંથી વાર્ષિક અંદાજે 77,000 મહિલાઓ મૃત્યુ પામે છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે. કેન્દ્ર સરકારે સર્વાઇકલ કેન્સરની રસી એચપીવી 9થી 14 વર્ષની કિશોરીઓને ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે.

11:39 AM | દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે. મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે. નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. આ માટે કમિટી બનાવશે. 9 થી 14 વર્ષની કન્યાઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે. નેનો ડીએપીનો ઉપયોગ પાક પર કરવામાં આવશે. ડેરી વિકાસ ક્ષેત્રે સારું કામ થશે. ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. 1361 મંડીઓને eName સાથે જોડવામાં આવશે. આગામી 5 વર્ષમાં વિકાસની નવી વ્યાખ્યા લાવીશું. તેલીબિયાં પર સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે.

11:37 AM | માછીમારી ઉદ્યોગમાં નવી 55 લાખ રોજગાર ઊભું કરવાનું લક્ષ્ય

નિર્મલા સીતારમણે કહ્યું કે એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવી. હવે આ લક્ષ્ય એક કરોડથી વધારીને ત્રણ કરોડ. પાંચ વર્ષમાં બીજા બે કરોડ ઘર બનાવીશું. નવ કરોડ મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રૂપ સાથે જોડવામાં આવી. અમારી સરકારે જુદો મત્સ્ય વિભાગ પણ શરૂ કર્યો. તેના થકી રૂ. એક લાખ કરોડના નિકાસનું લક્ષ્ય. માછીમારી ઉદ્યોગમાં નવી 55 લાખ રોજગાર ઊભું કરવાનું લક્ષ્ય.

11:35 AM | 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવી 

નાણામંત્રીએ કહ્યું કે લખપતિ દીદી યોજનાને પ્રમોટ કરવામાં આવશે. હવે યોજના પાછળનો ખર્ચ 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનાથી 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. લખપતિ દીદીથી આત્મનિર્ભરતા આવી છે. આંગણવાડી કાર્યક્રમોમાં તેજી આવશે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવાઈ છે. 

11:33 AM | જન ધન ખાતામાં કેટલી થઇ બચત? 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જન ધન ખાતામાં પૈસા જમા કરીને 2.7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. સરકારે એવી વ્યવસ્થા કરી છે કે દેશના તમામ રાજ્યો અને વર્ગો દેશની આર્થિક પ્રગતિનો સામૂહિક રીતે લાભ મેળવી શકે.

11:31 AM |  માતૃ અને શિશુ યોજના હેઠળ વ્યાપક કાર્યક્રમ   

નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું કે સર્વાઈકલ કેન્સરને રોકવા રસીકરણ કાર્યક્રમ શરૂ કરાશે. તે અંતર્ગત નવથી 14 વર્ષની બાળકીઓનું પણ રસીકરણ કરાશે.

11:30 AM | વડાપ્રધાન આવાસ યોજના હેઠળ વધુ 2 કરોડ મકાનો બનાવાશે 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. હવે આગામી 5 વર્ષમાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ આગામી ગ્રામીણ વિસ્તારોમાં વધુ 2 કરોડ મકાનો બનાવવામાં આવશે.

11:25 AM | 2014માં દેશ સામે હતા અનેક પડકારો 

છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. 2014માં દેશ મોટા પડકારોનો સામનો કરી રહ્યો હતો. સરકારે તે પડકારોનો સામનો કર્યો અને માળખાકીય સુધારા કર્યા. લોકોના હિતમાં સુધારા કરાયા. 

11:20 AM | દેશભરમાં 300 યુનિવર્સિટીઓ શરૂ કરી 

નાણામંત્રીએ કહ્યું કે દેશમાં પીએમ પાક યોજના હેઠળ 4 કરોડ ખેડૂતો લાભાન્વિત થઈ રહ્યા છે. 300 જેટલી યુનિવર્સિટીઓ અમારી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી. મહિલાઓ માટે પણ એક તૃતીયાંશ અનામત આપી. 

11:19 AM | 11.8 કરોડ ખેડૂતોને કરી સહાય 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકારે 11.8 કરોડ ખેડૂતોને સરકારી સહાય કરી છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને રોકડ રકમ સીધી બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી.  

સરકારી ઓઈલ કંપનીઓએ એરલાઈન્સ કંપનીઓને મોટી રાહત આપતા ટર્બાઈન ઈંધણ (ATF)ની કિંમત ઘટાડવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આ જાણકારી આપી હતી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત ચોથી વખત જેટ ઈંધણના ભાવમાં ઘટાડો કર્યો છે. ATFની કિંમતમાં 1,221 રૂપિયા પ્રતિ કિલોલિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દરો આજથી અમલમાં આવ્યા છે.

11:15 AM | 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યાં : નિર્મલા સીતારમણ 

નાણામંત્રીએ કહ્યું કે મોદી સરકાર છેલ્લાં 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં સફળ રહી. સરકાર સૌના વિકાસ પર ભાર મૂકી રહી છે. ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના સશક્તિકરણને પ્રાધાન્ય આપી રહી છે.  પીએમ સ્વનિધિ યોજના હેઠળ 4 કરોડ ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ અપાયો જ્યારે 78 લાખ વેપારીઓને પણ મદદ કરવામાં આવી છે. 34 લાખ કરોડ રૂપિયા જન ધન દ્વારા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 

11:13 AM | 2047 સુધી ભારત બનશે વિકસિત દેશ! 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારનું ધ્યાન સર્વસમાવેશક વિકાસ પર છે અને તમામ વર્ગો અને લોકો માટે સૌના વિકાસની વાત છે. 2047 સુધીમાં આપણે ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. 

11:10 AM | અમે ભ્રષ્ટાચારનો અંત લાવ્યો 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હર ઘર જલ, બધા માટે વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને બેન્ક એકાઉન્ટ ખોલવાનું કામ કર્યું છે. ખાદ્યાન્નની ચિંતા દૂર થઇ છે. 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું છે. મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી છે. ગ્રામીણોની આવક વધી છે. 

11:05 AM |  દેશને વધુમાં વધુ રોજગારની તકો મળી 

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કરી દીધું. તેમણે કહ્યું કે દેશની જનતા ભવિષ્ય તરફ જોઈ રહી છે. તેઓ આશાવાદી છે. અમે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છીએ. જ્યારે પીએમ મોદીએ 2014માં કામ શરૂ કર્યું ત્યારે ઘણા પડકારો હતા. લોકહિતમાં કામગીરી શરૂ કરવામાં આવી. લોકોને મહત્તમ રોજગારીની તકો આપવામાં આવી છે. દેશમાં એક નવો હેતુ અને આશા જાગી છે. જનતાએ અમને બીજી વખત સરકાર માટે ચૂંટ્યા. અમે સર્વગ્રાહી વિકાસની વાત કરી. દરેકનો સાથ, દરેકનો વિશ્વાસ અને દરેકના પ્રયાસના મંત્ર સાથે આગળ વધો. નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ 2024 રજૂ કરતા કહ્યું કે, વિકાસના ફળ હતા તે જનતા સુધી પહોંચવા લાગ્યા. દેશને નવી આશા મળી છે. જનતાએ બીજી વખત અમારી સરકારને આશીર્વાદ આપ્યા. સરકાર આગળ વધી અને વ્યાપક વિકાસની વાત કરી.

11:00 AM |  નાણામંત્રીએ બજેટ ભાષણ આપવાનું શરૂ કર્યું 

10:30 AM | રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નિર્મલા સીતારમણનું મોં મીઠુ કરાવ્યું 

વચગાળાનું બજેટ 2024-25 રજૂ કરતા પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ભાગવત કિશનરાવ કરાડ અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. અહીં રાષ્ટ્રપતિએ નાણામંત્રીનું મોં મીઠુ કરાવ્યું અને શુભેચ્છાઓ પાઠવી હતી. 

બજેટ 2024: ટેક્સ સ્લેબમાં કોઈ રાહત નહીં, કરદાતાઓની આશા પર પાણી ફરી વળ્યું, એક કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત 2 - image

10:10 AM |  પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક 

હાલમાં પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક ચાલી રહી છે જેમાં વચગાળાના બજેટને મંજૂરી મળશે. જેના બાદ નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી શકશે. 11 વાગ્યા સુધીમાં બજેટ ભાષણની શરૂઆત થશે. 

10:00 AM | નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનથી હવે સંસદ રવાના 

09:53 AM | પાયાના માળખા પર ધ્યાન આપવાની જરૂર 

વચગાળાના બજેટ પૂર્વે આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જનરલ ડિરેક્ટર અજિત મંગરુલકરે કહ્યું કે સરકારે પાયાના માળખા પર ધ્યાન આપવાની જરૂર છે. ભારત તેમાં પાછળ રહી ગયું છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અમે જોયું કે આ સરકારે ઘણું કર્યું છે. ઘણી યોજનાઓ પણ જોઈ જે આ વર્ષે અસ્તિત્વમાં આવી ગઇ છે અને હજુ ઘણી યોજનાઓ છે જે પાઈપલાઇનમાં છે અને તેને જલદી જ લાગુ કરાશે. 

09:15 AM | નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના 

નિર્મલા સીતારમણ સૌથી તેમના નિવાસેથી નાણા મંત્રાલય ગયા હતા. જ્યાં ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ ત્યાંથી તેઓ ફરી રાષ્ટ્રપતિ ભવન રવાના થયા હતા. 

09:14 AM | નાણા મંત્રાલયની બહાર બજેટ તૈયાર કરનાર ટીમ સાથે નાણામંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના નિવાસથી રવાના થયા બાદ સૌથી પહેલા નાણા મંત્રાલયની મુલાકાત લીધી હતી અને અહીં બજેટ તૈયાર કરવામાં ભૂમિકા ભજવનારા અધિકારીઓ સાથે ફોટો સેશનમાં ભાગ લીધો હતો. 

 

09:10 AM |  કે.વી.સુબ્રમણ્યને કહ્યું - કદાચ મહિલાઓ માટે થશે જાહેરાત 

IMFના કાર્યકારી નિર્દેશક અને ભારત સરકારના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યને કહ્યું કે સૌથી પહેલાં આપણે એ ધ્યાન રાખવું પડશે કે આ વચગાળાનું બજેટ છે. પૂર્ણ બજેટ ચૂંટણી પછી જૂન કે જુલાઈમાં રજૂ કરાશે. એટલા માટે આ બજેટમાં વધારે મોટી જાહેરાતો નહીં થાય. જોકે અર્થતંત્ર ખૂબ જ સારી સ્થિતિમાં છે અને 7.3%ના દરે વિકાસની શક્યતા છે એટલા માટે મને લાગે છે કે સરકારે ગત વર્ષોમાં જે કર્યું છે તેને જ આગળ વધારશે. કદાચ અમુક ઉપાયો કરાશે... બની શકે કે તે મહિલાઓ માટે હોઈ શકે છે. 

08:00 AM | નિર્મલા સીતારમણનો શિડ્યુલ કેવો રહેશે? 

નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 7.30 વાગ્યા પછી તેમના નિવાસથી નીકળશે. સવારે 8:15 વાગ્યે નાણા મંત્રાલયના ગેટ નંબર 2 પર બજેટ તૈયાર કરનાર ટીમનું ફોટો સેશન થશે. સવારે 8:45 વાગ્યે નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને બજેટને મંજૂરી લેશે. ત્યારપછી સવારે 9.15 કલાકે સંસદ પહોંચશે. સવારે 10 વાગ્યે કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. તે પછી નાણામંત્રી નિર્મલાનું બજેટ ભાષણ સંસદમાં સવારે 11 વાગ્યે શરૂ થશે. બજેટ બાદ સાંજે 4 વાગ્યે નેશનલ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ થશે.

07:50 AM | કયા ક્ષેત્રો પર વધારે ફોકસની શક્યતા?  

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદના સંયુક્ત સત્રમાં 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરશે. નિષ્ણાતોના મતે, સીતારમણનું ભાષણ મોટાભાગે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારવા, ખેડૂતોની આવક વધારવા અને રોજગાર વધારવાની સંભવિત વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરશે. જો કે, મધ્યમ વર્ગ વધતા જતા ફુગાવાને પહોંચી વળવા ટેક્સ સંબંધિત કેટલીક જાહેરાતોની અપેક્ષા રાખે છે. પરંતુ આવી અપેક્ષાઓ પૂર્ણ થશે નહીં. કારણ કે સરકારનું ધ્યાન રાજકોષીય ખાધ ઘટાડવા પર છે. આ વચગાળાનું બજેટ લોકસભાની ચૂંટણી પહેલાનું હોવાથી સરકાર તેની જીતની તકો વધારવા માટે હાલની કલ્યાણકારી યોજનાઓને આગળ વધારી શકે છે.

07:45 AM | સંપૂર્ણ બજેટ કદાચ જુલાઈમાં આવશે

વચગાળાના બજેટમાં એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે કેન્દ્ર સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા એડવાન્સ ગ્રાન્ટ માટે સંસદની મંજૂરી માંગવામાં આવે છે. એપ્રિલ/મેમાં સામાન્ય ચૂંટણીઓ પછી ચૂંટાયેલી નવી સરકાર જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે.  

બજેટ 2024: ટેક્સ સ્લેબમાં કોઈ રાહત નહીં, કરદાતાઓની આશા પર પાણી ફરી વળ્યું, એક કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત 3 - image


Google NewsGoogle News