50 વર્ષના ઇતિહાસમાં આ કંપનીને થયું સૌથી મોટું નુકસાન, 28%નો કડાકો, 35 અબજ ડૉલર ધોવાયા
Intel Shares: દુનિયાની દિગ્ગજ ચીપ મેકિંગ કંપનીઓમાં સામેલ ઇન્ટેલ (Intel) માટે 2 ઑગસ્ટનો દિવસ બ્લેક ફ્રાઇડે સાબિત થયો. કંપનીના શેરોમાં લગભગ 28 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. આ કંપનીના ઇતિહાસમાં 50 વર્ષનો સૌથી મોટો કડાકો હતો. જેનાથી એક જ દિવસમાં કંપનીને 35 અબજ ડૉલરનું નુકસાન થયું હતું.
કડાકાનું કારણ શું?
કંપનીના શેર 7.57 ટકા ગગડી 21.48 ડૉલર પર બંધ થયા હતા. ઇન્ટેલે ગુરુવારે જ છટણીની જાહેરાત કરી હતી. કંપનીએ તેના 15 ટકા કર્મચારીઓની છટણીનું એલાન કર્યું હતું. આ નિર્ણયની અસર 18000 જેટલાં કર્મચારીઓ પર થવાની છે. જેનાથી ઇન્ટેલને મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં જોરદાર નુકસાન થયું છે.
અનેક ચીપ કંપનીના નિર્માતાઓના ડૂબી ગયા શેર
ઇન્ટેલ ઉપરાંત શુક્રવારે અન્ય એવી ઘણી ચીપ કંપનીઓ હતી જેમના શેર્સમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી હતી. તેમાં માઇક્રોન ટૅક્નોલૉજી (Micron Technology), ગ્લોબલ ફાઉન્ડ્રીઝ (GlobalFoundries) અને ટીએસએમસી (TSMC)નો સમાવેશ થતો હતો. આ તમામ કંપનીઓ અમેરિકાના શેરબજારમાં લિસ્ટેડ છે. જો કે સૌથી મોટો કડાકો તો ઇન્ટેલમાં જ બોલાયો. ઇન્ટેલે છટણીની જાહેરાત સાથે જ ડિવિડન્ડ રોકવાનું એલાન પણ કર્યું છે.
ઇન્ટેલની માર્કેટ વેલ્યુ ઘટીને 90 અબજ ડૉલર થઈ શકે
ઇન્ટેલના શેરોમાં કડાકો બોલાતાં હવે એવી આશંકા છે કે કંપનીની માર્કેટ વેલ્યુ લગભગ 90 અબજ ડૉલર સુધી ઘટી શકે છે. AIના યુગમાં, તે Nvidia સાથે સ્પર્ધા કરવા સક્ષમ નથી. જો કે, ઇન્ટેલે ઉત્પાદન પર 100 અબજ ડૉલર ખર્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીએ રોકાણકારોને ખાતરી આપી છે કે તે સાચા માર્ગ પર આગળ વધી રહી છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે ઇન્ટેલને આ પ્લાન લાગુ કરવામાં ઘણાં વર્ષો લાગી શકે છે.