ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની 18000 કર્મચારીઓને કરશે છૂટાં, કહ્યું - 'ખર્ચમાં ઘટાડો કરવો પડશે...'
Image : IANS (File pic) |
Layoff In Intel: અમેરિકન ચિપ નિર્માતા કંપની ઈન્ટેલે ગુરુવારે એક મોટું એલાન કર્યું કે અમારી કંપનીનું ઓપરેશન સારી રીતે ચાલી શકે તેવા ઉદ્દેશ્ય સાથે અમે અમારા કુલ સ્ટાફમાંથી 15 ટકાની છટણી કરવાની તૈયારી કરી રહ્યાં છીએ. ઈન્ટેલમાં હાલમાં 1,24,000 કર્મચારીઓ કામ કરે છે. કંપનીની તાજેતરની જાહેરાતને પગલે આશરે 18000 કર્મચારીઓની જોબ હવે સંકટમાં દેખાઈ રહી છે.
કંપનીએ કહ્યું - ખર્ચો ઘટાડવાની જરૂર છે
ઈન્ટેલ કંપનીએ તેના આ છટણીના પ્લાન વિશે જણાવતાં કહ્યું કે અમે ચાલુ વર્ષે અમારી કંપનીના ખર્ચમાં આશરે 20 અબજ ડૉલરનો ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યા છીએ. કંપનીને તાજેતરની ત્રિમાસિકમાં આશરે 1.6 અબજ ડૉલરનું નુકસાન સહન કરવું પડ્યું છે.
કંપનીના સીઈઓ શું બોલ્યાં?
કંપનીના સીઈઓ પેટ ગેલસિંગરે આ મામલે એક નિવેદન જાહેર કરતાં કહ્યું કે બીજી ત્રિમાસિકમાં પણ અમારું પ્રદર્શન દયનીય રહ્યું હતું. જોકે તેમ છતાં અમે અમારી મુખ્ય પ્રોડક્ટ અને ટેક્નોલોજીમાં અનેક સિદ્ધિ હાંસલ કરી હતી.
આ પણ વાંચો : શું હવાઈ મુસાફરી મોંઘી થશે? એટીએફના ભાવ સતત બીજા મહિને વધ્યા
જૂનમાં જ કંપનીએ એક મોટો પ્લાન પડતો મૂક્યો હતો
ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર ડેવિડ જિન્સનરે આ મામલે માહિતી આપતાં કહ્યું કે અમે કંપનીના ખર્ચમાં ઘટાડો કરીને નફાને બહેતર બનાવવા તથા બેલેન્સ શીટને મજબૂત કરવા માટે સક્રિય પગલાં ભરી રહ્યા છીએ. ખોટથી હેરાન ઈન્ટેલ કંપનીએ જૂનમાં જ જાહેરાત કરી હતી કે તે ઈઝરાયલમાં એક મુખ્ય ફેક્ટરીના ઓપરેશનને વિસ્તારવાના પ્લાનને હાલ પડતો મૂકી રહી છે.