વૈશ્વિક જાયન્ટ ઈન્શ્યોરન્સ કંપનીની કમાન હવે આ ભારતીયના હાથમાં
- અનિલ વાધવાણી બ્રિટિશ વીમા કંપની પ્રુડેન્શિયલના નવા CEO બનશે, કંપની એશિયા પર ફોકસ વધારશે
નવી દિલ્હી,તા. 26 મે 2022,ગુરૂવાર
વિશ્વની ટોચની ઈન્શ્યોરન્સ કંપની એલિયાન્ઝને ઈતિહાસનો સૌથી મોટો દંડ ફટાકર્યા બાદ આજ દિવસે વધુ એક દિગ્ગજ ઈન્શ્યોરન્સ કંપની ચર્ચામાં આવી છે. સમાચાર અનુસાર પ્રુડેન્શિયલ ઈન્સ્યોરન્સ કંપનીએ ભારતીય મૂળના અધિકારીને સીઈઓ બનાવ્યા છે.
પ્રુડેન્શિયલ પીએલસીએ બુધવારે તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)ના પદ માટે મનુલાઇફના એક્ઝિક્યુટિવ અનિલ વાધવાણીના નામની જાહેરાત કરી. કંપનીએ કહ્યું કે વાધવાણી ફેબ્રુઆરી 2023માં કંપનીમાં ટોચનું પદ સંભાળશે. પ્રુડેન્શિયલએ 1848માં લંડનમાં તેનો બિઝનેસ શરૂ કર્યો
કેમ ભારતીય મૂળના વ્યક્તિની પસંદગી ?
ભારતમાં ICICI સાથે જોડાણ ધરાવતી કંપની ઈન્શ્યોરન્સ જાયન્ટે જણાવ્યું કે કારણ કે બ્રિટિશ વીમા કંપની પ્રુડેન્શિયલ પીએલસી હવે એશિયા પર વધુ ફોકસ કરવાની યોજના સાથે આગળ વધી રહી છે અને તે જ કારણોસર એક એશિયન એક્ઝયુકિટીવની નિમણૂક કરવામાં આવી છે. વાધવાણી અગાઉ મેન્યુલાઇફ એશિયાના ચેરમેન અને સીઇઓ હતા.
વાધવાણીને 15.6 લાખ ડોલરની વાર્ષિક સેલરી અને અન્ય ભથ્થા ઓફર કરવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રુડેન્શિયલના કારોબારમાં અને સંચાલનમાં નોંધાપાત્ર ફેરફારો જોવા મળ્યાં છે. કંપનીએ 2019માં તેના યુકે અને યુરોપિયન યુનિટ M&Gને અલગ કર્યા. આ સિવાય ગત વર્ષે યુએસ એક્ટિવિસ્ટ ઇન્વેસ્ટર થર્ડ પોઈન્ટના દબાણને કારણે અમેરિકન બિઝનેસ જેક્સનને પણ અલગ કરવામાં આવ્યું હતું. થર્ડ પોઈન્ટે પ્રુડેન્શિયલને તેની લંડન હેડ ઓફિસના ખર્ચમાં ઘટાડો કરવા અને એશિયામાં સ્થાનિક પ્રતિભા પર ફોકસ કરવા પણ કહ્યું હતુ.
આ બાદ પ્રુડેન્શિયલએ ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે માઈક વેલ્સની નિવૃત્તિ પછી કંપનીના નવા સીઈઓ અને સિનિયર મેનેજમેન્ટ ટીમ એશિયા આધારિત હશે. વાધવાણી પ્રુડેન્શિયલના એશિયા હેડક્વાર્ટર હોંગકોંગમાં કાર્યભાર સંભાળશે.
કંપનીએ નવા સીઈઓની જાહેરાત સાથે કહ્યું હતુ કે "વાધવાણીને માત્ર વીમા કારોબારમાં જ નહીં, પરંતુ અગ્રણી ગ્રાહક કેન્દ્રિત લોકો અને કામનો પણ બહોળો અનુભવ છે."