EPFO ધારકોને દિવાળી પહેલા મળી ગિફ્ટ! છ કરોડથી વધુ લોકો માટે સરકારની મોટી જાહેરાત
EPFO Insurance Benefits: કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ દિવાળી ટાણે પગારદારોને લ્હાણી આપતાં ઈપીએફઓમાં મળતાં ઈન્સ્યોરન્સ લાભની સમય મર્યાદા આગામી નોટિસ ન આવે ત્યાં સુધી વધારી હોવાની જાહેરાત કરી છે. જેમાં હવે રૂ. 15 હજારથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓને ઈપીએફઓ પર રૂ. 7 લાખ સુધીનો લાઈફ ઈન્સ્યોરન્સનો લાભ જારી રહેશે. ઉલ્લેખનીય છે, આ લાભ 27 એપ્રિલ, 2024માં પૂર્ણ થયો હતો. જેને લંબાવવામાં આવ્યો છે.
એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ અંતર્ગત 6 કરોડથી વધુ ઈપીએફઓ સભ્યોને રૂ. 7 લાખ સુધીનો ઈન્સ્યોરન્સ લાભ મળશે. 1976માં લોન્ચ EDLI સ્કીમ રિટાયરમેન્ટ ફંડ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડના તમામ સભ્યોને ઈન્સ્યોરન્સના લાભો આપે છે. જે સભ્યના આક્સ્મિક મોતના કિસ્સામાં તેના પરિજનોને નાણાકીય સહાય પ્રદાન કરવાની ખાતરી આપે છે.
ઈન્સ્યોરન્સ કવરેજમાં વધારો
2018માં સ્કીમ હેઠળ ઈન્સ્યોરન્સ કવરેજ રૂ. 1.5 લાખ હતું. જે એપ્રિલ, 2021 સુધી અમલી હતું. બાદમાં 28 એપ્રિલ, 2021માં ઈન્સ્યોરન્સ કવર વધારી રૂ. 6 લાખ કરવામાં આવ્યું હતું. નવી નોટિફિકેશન મુજબ હવે આગામી ત્રણ વર્ષ માટે રૂ. 2.5 લાખથી રૂ. 7 લાખ સુધીનું કવરેજ મળશે. જેમાં કોઈ પ્રીમિયમ ચૂકવવાનું હોતુ નથી.
આ પણ વાંચોઃ કિચનથી માંડી કોસ્મેટિક્સના સામાન પર GST વધવાની શક્યતા, જુઓ કઈ કઈ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
હવે 12 મહિના રાહ જોવી નહીં પડે
અગાઉ ઈપીએફઓમાં આ ઈન્સ્યોરન્સ કવરેજનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા 12 મહિના એક જ કંપનીમાં કામ કરેલુ હોવું જરૂરી છે. પરંતુ હવે તેમાં પણ રાહત આપવામાં આવી છે. કર્મચારીએ 12 મહિનામાં જ નોકરી બદલી હશે તો પણ તેને આ ઈન્સ્યોરન્સ કવર મળશે.
આ રીતે ક્લેમ નક્કી થાય છે
ઈપીએફઓ હેઠળ મળતા ઈન્સ્યોરન્સ કવરેજમાં રૂ. 7 લાખ સુધી ક્લેમ કરવામાં આવે છે. જેમાં 12 મહિનાનો પગાર અને મોંઘવારી ભથ્થાના 35 ગણી રકમના ધોરણમાં ક્લેમ કરી શકાય છે. 12 મહિનાનો મૂળ પગાર+(મોંઘવારી ભથ્થું X35)ના ધોરણે ઈન્સ્યોરન્સ નક્કી કરવામાં આવે છે.