ઇન્ફોસિસે 300થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા
- NITESની શ્રમ મંત્રાલય પાસે કાર્યવાહીની માંગ
- 'ઓફર લેટર્સ' આપ્યા બાદ 2 વર્ષે ઓક્ટોબર, 2024માં ઈન્ડકશન ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ થયા અને હવે છુટ્ટા કરાતા વિવાદ : કંપની ખુલાસામાં કહે છે કે અગાઉથી કરાર થયા હતા
અમદાવાદ : દેશની ટોચની ઈન્ફોર્મેશન ટેકનોલોજી સર્વિસ પ્રોવાઈડર કંપની ઇન્ફોસિસે ૩૦૦થી વધુ નવા કર્મચારીઓને કાઢી મુકતા હોહાપો મચ્યો છે. અહેવાલ અનુસાર, આ પ્રથમ વખતના કર્મચારીઓ એટલેકે ફ્રેશર્સ કર્મચારીઓએ કંપનીના મૈસુર કેમ્પસમાં પ્રારંભિક તાલીમ લીધી હતી પરંતુ ત્રણ પ્રયાસો પછી પણ આંતરિક મૂલ્યાંકન પાસ કરવામાં નિષ્ફળ ગયા હતા.
સામે પક્ષે આઈટી કર્મચારીઓના યુનિયન એનઆઈટીઈએસએ જણાવ્યું કે આ પગલાથી પ્રભાવિત નવા કર્મચારીઓની સંખ્યા ઉપરોકત જણાવેલ આંકડા કરતા પણ ઘણી વધારે છે. ઓક્ટોબર, ૨૦૨૪માં જ જોડાયેલા કર્મચારીઓ વતી કર્મચારી યુનિયને શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સત્તાવાર આ મામલે ફરિયાદ નોંધાવવાની ધમકી આપી છે અને તાત્કાલિક હસ્તક્ષેપ અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
અહેવાલ અનુસાર કંપનીએ એક પ્રશ્નનના જવાબમાં સ્વીકાર્યું છે કે તેમની ભરતી પ્રક્રિયા કડક છે. અમે ફ્રેશર્સને યોગ્ય તાલીમ આપીએ છીએ, બાદમાં આંતરિક મૂલ્યાંકન કસોટી પાસ કરવાની અપેક્ષા હોય છે. બધા નવા કર્મચારીઓને આકારણી પાસ કરવા માટે ત્રણ તકો મળે છે, જો તેઓ નિષ્ફળ જાય તો તેઓ સંસ્થામાં ચાલુ રહી શકતા નથી. આ અંગેનો ઉલ્લેખ કર્મચારીઓ સાથે કરારમાં પણ છે.
નોંધનીય છે કે આ કર્મચારીઓને 'ઓફર લેટર્સ' પ્રાપ્ત થયા બાદ બે વર્ષ સુધી લાંબી રાહ ઈન્ડકશન પ્રક્રિયા માટે પણ જોવી પડી હતી અને એનઆઈટીઈએસ અને અસરગ્રસ્ત ઉમેદવારોના પ્રયાસો પછી જ તેમને કંપનીએ સ્વીકાર્યા હતા પરંતુ હવે યુનિયને આરોપ લગાવ્યો છે કે કર્મચારીઓને મૈસુર કેમ્પસના એક મીટિંગ રૂમમાં બોલાવવામાં આવ્યા હતા અને 'પરસ્પર સંમતિથી અલગ થવા' બાબતના પત્ર પર સહી કરવા કહેવામાં આવ્યું હતું.