Get The App

ઇન્ફોસિસને રૂ.32,403 કરોડની ટેક્સ નોટિસથી બે દિવસમાં રોકાણકારોના રૂ.19,369 કરોડ સ્વાહા

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
ઇન્ફોસિસને રૂ.32,403 કરોડની ટેક્સ નોટિસથી બે દિવસમાં રોકાણકારોના રૂ.19,369 કરોડ સ્વાહા 1 - image


- કર્ણાટક સરકારે GSTની નોટિસ પરત ખેચી, હવે કેન્દ્રમાં જવાબ આપવાનો રહેશે

- કર્ણાટક અને કેન્દ્ર સરકારના મનઘડંત અર્થઘટનથી GST નેટવર્ક ઉભું કરનાર કંપની જ જાળમાં ફસાઈ

મુંબઈ : દેશમાં જીએસટી ટેક્સ અમલમાં આવ્યા પછી તેનું આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરનાર એવી દેશની બીજા ક્રમની સૌથી મોટી આઈ.ટી. કંપની ઇન્ફોસિસને જુલાઈ ૨૦૧૭ થી માર્ચ ૨૦૨૨ના સમયગાળા માટે કંપનીની વિદેશની શાખામાં ખર્ચ અંગે રૂ.૩૨,૪૦૩ કરોડનો જીએસટી ભરવા માટે કર્ણાટક રાજ્ય વેરા વિભાગે આપેલી પ્રિ-શો-કોઝ નોટિસના મામલે આઈ.ટી. ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. કંપનીના વાર્ષિક નફા જેટલી રકમનો ટેક્સ ભરવાની નોટિસ હોવાથી શેરના ભાવ બે દિવસમાં ૨.૪૯ ટકા ઘટી જતા રોકાણકારોએ રૂ.૧૯,૩૬૯ કરોડની સંપત્તિ ગુમાવવી પડી છે. કર્ણાટક સરકારના વેરાવિભાગે આ નોટિસ પરત ખેચી લીધી છે અને હવે ઇન્ફોસિસે કેન્દ્ર સરકારના ડીરેકટોરેટ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સ (ડીજીજીઆઈ)ને જવાબ આપવાનો રહેશે એવી સ્પષ્ટતા કંપનીએ ગુરૂવારે કરી છે. 

બુધવારે મોડી સાંજે આ અહેવાલ વહેતા થયા બાદ ગુરુવારે ઇન્ફોસિસના શેર ૦.૮૪ ટકા અને શુકવારે ફરી ૧.૬૭ ટકા ઘટી રૂ.૧૮૨૧.૪૦ બંધ રહ્યા હતા. બે દિવસના ઘટાડાના કારણે રૂ.૩૨,૪૦૩ કરોડની સાચી કે ખોટી નોટિસના કારણે રોકાણકારોએ રૂ.૧૯,૩૬૯ કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. સંપત્તિ સર્જન અને રોકાણકારોને વળતર આપવામાં દેશની સૌથી મોટી કંપની તરીકે ઈન્ફોસિસની ગણના થાય છે ત્યારે આવા બિનજરૂરી વિવાદના કારણે અત્યારે રોકાણકારો સહન કરી રહ્યા છે. 

કર્ણાટકની કોંગ્રેસ સરકાર અને વેપાર ઉદ્યોગો વચ્ચે થોડાં સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. રાજ્યમાં કામ કરતી કંપનીઓમાં ૧૦૦ ટકા સ્થાનિકોને જ નોકરી આપવાનો રાજ્ય મંત્રીમંડળે નિર્ણય લીધો હતો. આઈ.ટી. અને ટેકનોલોજી ક્ષેત્રે કર્ણાટક દેશનું અવ્વલ રાજ્ય છે અને તે સમયે અહીં કાર્યરત અગ્રણી કંપનીઓએ રાજ્ય સરકારનો વિરોધ કરી ઉચાળા ભરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ પછી રાજ્ય સરકારે આ નિર્ણય પરત ખેચી લીધો હતો. 

ઇન્ફોસિસના સ્થાપક અને દેશના આઈ.ટી. ઉદ્યોગના પિતામહ સમાન નારાયણ મૂર્તિ પણ આજકાલ વિવાદમાં છે. તેમણે ભારત ચીનને હંફાવી શકે નહી, ભારત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મહાસત્તા બની શકે નહી એવા નિવેદન તાજેતરમાં કર્યા હતા. કેન્દ્ર સરકાર ભારતને ચીનના વિકલ્પ તરીકે દુનિયામાં પ્રોજેક્ટ કરી રહી છે ત્યારે મૂર્તિનું આ વિવાદિત નિવેદન તેની વિરુદ્ધમાં ગણવામાં આવી રહ્યું છે. જોકે, મૂત કામના કેટલા કલાકો હોવા જોઈએ એ અંગે પણ અગાઉ વિવાદમાં ફસાયા હતા. સરકારની ટીકા કરવાના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારે ઇન્ફોસિસ સામે વેર વાળ્યું હોય એવી પણ ચર્ચા ચાલી રહી છે. કંપની માટે જીએસટીની જંગી નોટિસનો વિવાદ હજી પૂર્ણ થયો નથી. માત્ર કર્ણાટક નોટિસ પરત ખેંચી છે હવે કેન્દ્રમાં ડીજીજીઆઈને જવાબ તો આપવાનો જ છે. 

આ સમગ્ર વિવાદમાં દેશના આઈ.ટી. ઉદ્યોગના સર્વોચ્ચ સંગઠન નાસકોમે પણ ઝંપલાવ્યું છે. નાસકોમેં મૂતની કંપની ઇન્ફોસિસની તરફેણ કરતા એક નિવેદનમાં જણવ્યું છે કે ટેક્સ વિભાગને આઈ.ટી. ઉદ્યોગ કેવી રીતે કામગીરી કરે છે તેની જાણકારી નથી. જીએસટી કાઉન્સિલના નિર્ણય અને સરકારે બહાર પાડેલા સર્ક્યુલરના આધારે ટેક્સ વિભાગે કામગીરી કરવી જોઈએ જેથી આવી અનિશ્ચિતતા ફેલાય નહી. 

સુત્રોના જણાવ્યા અનુસાર વિદેશમાં રહેલી શાખાએ કરેલી કામગીરીમાં ઇન્ફોસિસે ચૂકવેલી રકમને ખર્ચ તરીકે દર્શાવવામાં આવી છે. આવી સ્થિતિમાં ઇન્ફોસિસે રિવર્સ ચાર્જ મીકેનીઝમ (એટલે કે ખર્ચ કરનાર ટેક્સ ચૂકવે) હેઠળ જીએસટી ભરવો જોઈએ.વિભાગના અનુસાર વિદેશી શાખાની કામગીરી ભારતમાં આયાત ગણાય અને તેના માટે ટેક્સ ભરવો જ પડે.

InfosysGST

Google NewsGoogle News