ટ્રમ્પની ટેરિફ પોલિસીને કારણે ભારતમાં મોંઘવારી વધશે, Zoho ના સ્થાપક શ્રીધર વેમ્બુની ભવિષ્યવાણી
Image: Facebook
Sridhar Vembu Prophecy: ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના કારણે આગામી સમયમાં ભારતને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મોંઘવારી દર પણ ઝડપથી વધવાની શક્યતા છે. ઝોહોના સંસ્થાપક શ્રીધર વેમ્બુનું કહેવું છે કે અમેરિકા સંતુલિત દ્વિપક્ષીય વેપાર પર જોર આપી રહ્યું છે અને રેસિપ્રોકલ એટલે કે પારસ્પરિક ટેરિફની ધમકી આપી રહ્યું છે. તેનાથી ભારતને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.
આ પ્રકારની અસરો પડશે
વેમ્બુએ આગળ કહ્યું કે 'ભારત અમેરિકાને સોફ્ટવેર સેવાઓ નિકાસ કરે છે અને ચીનથી ઉપભોક્તા સામાન આયાત કરે છે. અમેરિકાની સાથે સરપ્લસ ચીનની સાથે ખાધથી વધુ છે. ભારતે ટૂંક સમયમાં દ્વિપક્ષીય વેપારને સંતુલિત કરવા માટે અમેરિકાથી પહેલા કરતાં વધુ iPhone, GPU, LPG, પરમાણુ પ્લાન્ટ, ફાઇટર પ્લેન, વ્હિસ્કી વગેરે આયાત કરવું પડશે. આ એડજસ્ટમેન્ટ ભારતના ચાલુ ખાતા નુકસાન પર દબાણ નાખી શકે છે જ્યાં સુધી ઘરેલુ ઉત્પાદનમાં ઝડપથી વૃદ્ધિ ન થાય.
આ રીતે વધશે મોંઘવારી
વેમ્બુએ કહ્યું કે 'ચાલુ ખાતા નુકસાનને વધવાથી રોકવા માટે ભારતે ચીનથી ઉપભોક્તા વસ્તુઓની આયાતને ઘટાડવાની રીત શોધવી પડશે અને તેનો અર્થ છે ઘરેલુ ઉત્પાદન વધારવું. આ રાતોરાત થઈ શકતું નથી, તેથી ટૂંકા ગાળામાં આયાતિત ઉપભોક્તા વસ્તુઓની કિંમતો વધી શકે છે, જેનાથી મોંઘવારી વધવી સ્વાભાવિક છે. કોરોના મહામારી બાદથી અમેરિકાની સાથે ભારતનો ટ્રેડ સરપ્લસ ઘણો વધી ગયો છે. 2019-20માં 17.30 અબજ ડોલરથી બમણુ વધીને 2023-24 માં આ 35.33 અબજ ડોલર થઈ ગયું છે. આ ફેરફારની સાથે એક્સપોર્ટ બાસ્કેટમાં પણ ઉલ્લેખનીય પરિવર્તન થયું છે.
ચીન ટોપ સોર્સ
નાણાકીય વર્ષ 2024માં ચીનની સાથે ભારતની વેપાર ખાધ 85.1 અબજ ડોલર સુધી પહોંચી ગઈ. જ્યારે એપ્રિલ અને ઓક્ટોબર 2024 ની વચ્ચે ચીની આયાતમાં દર વર્ષે 9.8% નો વધારો થયો. ચીન ભારતનું ટોપ ઈમ્પોર્ટ સોર્સ બનેલું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર અસંતુલનને લઈને ચિંતિત છે. તેમણે શનિવારે એક પોસ્ટમાં જાહેરાત કરી કે અમેરિકા પરસ્પર ટેરિફ લગાવશે, જેનો અર્થ છે કે જે પણ દેશ સંયુક્ત રાજ્ય અમેરિકાથી ડ્યૂટી વસૂલશે, અમે તેમની પાસેથી ડ્યૂટી વસૂલીશું. ન વધુ, ન ઓછી!
કારનો ઉલ્લેખ
તાજેતરમાં જ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટ્રમ્પે ઘણી અમેરિકન વસ્તુઓ પર ભારતના ઉચ્ચ ટેરિફ દરો તરફ પણ ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 'ભારત ઘણી વસ્તુઓ પર 30,40,60 અને 70 ટકા ટેરિફ લગાવે છે. અમુક મામલે તેનાથી પણ વધુ. ભારત જતી અમેરિકન કારો પર 70 ટકા ટેરિફ તે કારોને વેચવી લગભગ અશક્ય બનાવી દે છે.'
આ પણ વાંચો: ઇયુ અમેરિકાના ખાદ્ય પદાર્થોની આયાત પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં
સંમતિ વ્યક્ત કરી
PM મોદીના પ્રવાસ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ કહ્યું હતું કે 'ભારતની સાથે અમેરિકાની વેપાર ખાધ લગભગ 100 અબજ ડોલર છે. વડાપ્રધાન મોદી અને હું એ વાત પર સંમત થયા છીએ કે અમે લાંબા સમયથી ચાલી રહેલી અસમાનતાઓને દૂર કરવા માટે વાતચીત કરીશું. અમે નુકસાનના અંતરને ખૂબ સરળતાથી ઓઈલ અને ગેસ, એલએનજીના વેચાણથી પૂરું કરી શકીએ છીએ, જે અમારી પાસે વિશ્વમાં કોઈથી પણ વધુ છે. '
સાદગી છે ઓળખ
શ્રીધર વેમ્બુ પોતાની સાદગી માટે જાણીતા છે. તમિલનાડુની એક મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મેલા વેમ્બુ આઈઆઈટી મદ્રાસથી 1989માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યા બાદ પીએચ.ડી. માટે અમેરિકા ગયા હતા. ત્યાં તેમને સારી નોકરી મળી ગઈ હતી પરંતુ વેમ્બુ બધું જ છોડીને ભારત પાછા ફર્યા અને ત્યાં પોતાની કંપની શરૂ કરી. પોતાના ગામથી જ ઝોહો ની શરૂઆત કરી, જે સોફ્ટવેર સોલ્યૂશન્સ સર્વિસ પ્રોવાઈડ કરે છે. વેમ્બુને મોટાભાગે સાઈકલ પર ફરતાં જોઈ શકાય છે.