નબળા રૂપિયાને કારણે મોંઘવારી વધશે, આયાત માટે વધુ ચૂકવણી કરવી પડશે
- ડોલરની મજબૂતી ભારતની નિકાસ માટે પ્રોત્સાહક હોવાનો ખ્યાલ ખોટો
- ૧૦ વર્ષના ડેટા દર્શાવે છે કે નબળો રૂપિયો નિકાસને મદદ નથી કરતો
આર્થિક સંશોધન સંસ્થા GTRI નું મૂલ્યાંકન
અમદાવાદ : રૂપિયાના વિનિમય દરમાં ઘટાડાથી ક્રૂડ ઓઇલ, કોલસો, વનસ્પતિ તેલ, સોનું, હીરા, ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી, પ્લાસ્ટિક અને કેમિકલ માટે વધુ ચૂકવણી થવાને કારણે દેશના આયાત બિલમાં વધારો થશે. આર્થિક સંશોધન સંસ્થા જીટીઆરઆઈએએ શુક્રવારે જણાવ્યું હતું કે સ્થાનિક ચલણમાં ઘટાડાથી ભારતના સોનાના આયાત બિલમાં વધારો થશે.
ગત વર્ષે ૧૬ જાન્યુઆરીથી આજ સુધીમાં ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ૪.૭૧ ટકા નબળો પડીને ૮૨.૮ રૂપિયાથી વધીને ૮૬.૭ રૂપિયા થઈ ગયો છે.
નોંધનીય છે કે છેલ્લા ૧૦ વર્ષમાં એટલે કે જાન્યુઆરી ૨૦૧૫થી ૨૦૨૫ દરમિયાન અમેરિકન ડોલર સામે રૂપિયામાં ૪૧.૩ ટકાનો ઘટાડો થયો અને તે ૪૧.૨ રૂપિયાથી ઘટીને ૮૬.૭ રૂપિયા થઈ ગયો. તેની સરખામણીમાં ચીની યુઆન ૭.૧૦ યુઆનથી ૩.૨૪ ટકા ઘટીને ૭.૩૩ યુઆન થયો છે.
જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, 'એકંદરે, નબળો રૂપિયો આયાત બિલ, એનર્જી અને કાચા માલના ભાવમાં વધારો કરશે જેનાથી અર્થતંત્ર પર દબાણ આવશે. છેલ્લા ૧૦ વર્ષના નિકાસ ડેટા દર્શાવે છે કે નબળો રૂપિયો નિકાસને મદદ કરતો નથી, જ્યારે અર્થશાસ્ત્રીઓ તેનાથી વિપરીત માને છે કે નિકાસ વધતા બેલેન્સ થશે પરંતુ આંકડા અલગ જ ચિત્ર રજૂ કરે છે.'
સામાન્ય સર્વસંમતિ એ છે કે નબળા ચલણથી નિકાસમાં વધારો થવો જોઈએ, પરંતુ ભારતનો દાયકા જૂનો ડેટા કંઈક અલગ જ વાર્તા કહે છે. ઉચ્ચ-આયાત ક્ષેત્રો સમૃદ્ધ વધુ થઈ રહ્યા છે, જ્યારે કાપડ જેવા શ્રમ-સઘન, ઓછી આયાતવાળા ઉદ્યોગો ડગમગી રહ્યા છે.
૨૦૧૪થી ૨૦૨૪ના સમયગાળા દરમિયાન કુલ વેપારી નિકાસ ૩૯ ટકા વધી છે. ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી અને કોમ્પ્યુટર જેવા ઉચ્ચ આયાત ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં ૨૩૨.૮ ટકાનો વધારો થયો છે અને મશીનરી અને કોમ્પ્યુટર નિકાસમાં ૧૫૨.૪ ટકાનો વધારો થયો છે.
દરમિયાન, ઓછી આયાત ધરાવતા ક્ષેત્રો જેમ કે વસ્ત્રો નબળા પડયા છે. જોકે નબળા રૂપિયાના કારણે તેમના માલ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બન્યા હોત. આ વલણો દર્શાવે છે કે નબળો રૂપિયો હંમેશા નિકાસને વેગ આપતો નથી. સામે પક્ષે શ્રમ-સઘન નિકાસને સૌથી વધુ નુકસાન થાય છે અને ઓછા મૂલ્યવર્ધન સાથે આયાત-સંચાલિત નિકાસને પ્રોત્સાહન મળે છે.
જીટીઆરઆઈએ રિપોર્ટમાં સરકારને ભલામણ કરી હતી કે ભારતે લાંબા ગાળાની આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે વૃદ્ધિ અને ફુગાવા નિયંત્રણ વચ્ચે કાળજીપૂર્વક સંતુલન જાળવવાની જરૂર છે. સાથે-સાથે રૂપિયાના સંચાલન અને વેપાર વ્યૂહરચના પર પણ ફેરવિચારણા કરવાની જરૂર છે. જોકે, વાસ્તવિક પરિસ્થિતિ ગંભીર છે. ભારતના ૬૦૦ અબજ ડોલરથી વધુના વિદેશી હૂંડિયામણ ભંડારમાંથી મોટાભાગની લોન અથવા રોકાણ છે, જેને વ્યાજ સાથે ચૂકવવાની જરૂર છે અને તે રૂપિયાને સ્થિર કરવાની ભૂમિકાને મર્યાદિત કરે છે.