સામાન્ય લોકો મોંઘવારીથી ત્રાહિમામ, ડુંગળી-બટાકા બાદ કોથમીર અને લીલા મરચાંના ભાવ પણ આસમાને
Vegetables Price Boom: છેલ્લા એક મહિનાથી શાકભાજી અને કઠોળના ભાવો સતત વધી રહ્યા છે. લસણનો ભાવ રૂ. 400 પ્રતિ કિગ્રાને પાર થયો છે. આ મોંઘવારીના કારણે ધીમે-ધીમે રસોડામાંથી જરૂરી ચીજો ગુમ થઈ રહી છે. પહેલાં ડુંગળી, બટાકા, ટામેટાં અને હવે લસણ. આ સિવાય એક સમયે શાકની લારી પર ફ્રીમાં મળતાં લીલા મરચા^ અને ધાણાંના ભાવ રૂ. 100ની સપાટી વટાવી ગયા છે. લીલા મરચાં પણ રૂ. 120 પ્રતિ કિગ્રાના ભાવે વેચાઈ રહ્યા છે.
લસણના ભાવમાં અનેકગણો વધારો થતાં ગૃહિણીઓ માટે લસણની ખરીદી કરવી મુશ્કેલ બની છે, શ્રમજીવી વર્ગ કોરો રોટલો ખાવા મજબૂર બન્યા છે. જે મોટાભાગે રોટલા સાથે લસણ-લાલ મરચાંની ચટણી ખાતો હતો. રિટેલ માર્કેટમાં લસણના ભાવ આસમાને પહોંચતાં બજારમાં તેની માગ ઘટી છે.
અન્ય શાકભાજીના ભાવ પણ વધ્યા
લસણ ઉપરાંત 20 રૂપિયે કિલો મળતા બટાકાની કિંમત રૂ. 50-60 પ્રતિ કિગ્રા થઈ છે. ડુંગળી પણ તેટલી જ કિંમતે વેચાઈ રહી છે. બીજી તરફ ગવાર, તુવેર, રીંગણ, ચોળી, ફુલાવર સહિતના લીલા શાકભાજીના ભાવ પણ બમણાં થયા છે.
ખેડૂતો લસણની ખેતીમાંથી ડાયવર્ટ થયા
છેલ્લા બે-ત્રણ વર્ષથી લસણના ભાવ સતત વધી રહ્યા છે. જેના કારણે બજારમાં માગ જોવા મળી રહી નથી. લસણની ઓછી માગના કારણે તેમજ હવામાનની અસર, પાકના ખર્ચ સામે યોગ્ય વળતર ન મળવા જેવા અનેક કારણોના કારણે ખેડૂતો લસણની ખેતીમાંથી ડાયવર્ટ થયા છે. શાકભાજીનો છૂટક વેપાર કરતાં કોઠારાના પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, વર્ષમાં લસણનો ભાવ પ્રતિ 20 કિલોએ 4500થી 5500 રૂપિયા જેટલો વધ્યો છે.જેથી છૂટક બજારમાં 400 રૂપિયા સુધીના ભાવે વેચાણ થઈ રહ્યું છે. શાકભાજી બજારોમાં લસણના ભાવો આસમાને પહોંચતા લસણ ખરીદી ખૂબ જ ઓછી થતાં ખપ પૂરતું જ લસણ મંગાવવામાં આવે છે.