મોંઘવારીએ 15 મહિનાનો રેકોર્ડ તોડ્યો, મે મહિનામાં પડ્યો બમણો માર
Image: Freepik
Inflation: જથ્થાબંધ બજારની કિંમતો પર આધારિત મોંઘવારીના નવા આંકડા સામે આવી ગયાં છે. એપ્રિલની સરખામણીએ મે ના મહિનામાં આ બમણાંથી વધુ વધ્યાં છે અને ઓવરઓલ 15 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયાં છે. આગામી સમયમાં શક્ય છે કે જથ્થાબંધ મોંઘવારીની અસર દેશના સામાન્ય લોકો અને રિટેલ બજારમાં જોવા મળે, ત્યારે જોવાનું એ રહેશે કે આ વિશે આરબીઆઈ શું નિર્ણય લે છે.
મે મહિનામાં દેશની અંદર જથ્થાબંધ મોંઘવારીનો દર 2.61 ટકા રહ્યો છે. આ એપ્રિલના 1.26 ટકાથી લગભગ બમણો વધું છે જ્યારે ગત વર્ષે મે માં દેશની જથ્થાબંધ મોંઘવારી દર શૂન્યથી પણ ઓછો એટલે કે નેગેટિવ હતો. આ -3.61% રહ્યો હતો.
મોંઘી શાકભાજીઓની ખિસ્સા પર અસર પડી
સામાન્ય માણસના ખિસ્સા પર સૌથી વધું મોંઘી શાકભાજીની કિંમતોએ અસર નાખી છે. બટાકા અને ડુંગળી સહિત અન્ય શાકભાજીઓની જથ્થાબંધ કિંમતમાં વધારો જોવા મળ્યો. શાકભાજીઓનો મોંઘવારી દર મે મહિનામાં 32.42% રહ્યો છે. એપ્રિલમાં આ આંકડો 23.60 ટકા હતો. ડુંગળીનો મોંઘવારી દર મે માં 58.05 ટકા અને બટાકાનો મોંઘવારી દર 64.05 ટકા રહ્યો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે ડબ્લ્યૂપીઆઈ ઈન્ફ્લેશનના મે ના આંકડા જારી કર્યાં છે. જેમાં ફૂડ ઈન્ફલેશનના આંકડા પણ સામે આવ્યા છે. આંકડા અનુસાર મે માં ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર 9.82 % રહ્યો છે, જ્યારે એપ્રિલમાં આ 7.74 ટકા હતો. સૌથી વધુ મોંઘવારી દાળની કિંમતોમાં જોવામાં આવી છે. દાળનો મોંઘવારી દર મે માં 21.95 ટકા રહ્યો છે.
ઈંધણથી લઈને વિજળી સુધી મોંઘું
મે મહિનામાં ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલથી લઈને મોંઘી વિજળી સુધીએ સામાન્ય માણસના ખિસ્સા પર અસર નાખી છે. મે મહિનામાં ઈંધણ અને વિજળી સેક્ટરનો મોંઘવારી દર 1.35% રહ્યો છે. આ સિવાય મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સની કેટેગરીમાં મોંઘવારી દર 0.78 ટકા રહ્યો છે.