મોંઘવારીમાં હવે થોડી રાહત, સસ્તા મળશે ચોખા, સરકારે જાહેર કર્યા રેટ
ગ્રાહકોને રાહત આપવા માટે સરકાર 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભારતીય ચોખાનું વેચાણ શરુ કરશે
સબસિડીવાળા ચોખા 5 કિલો અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ થશે
Rice Price: સામાન્ય માણસ માટે એક સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં લોકોને સસ્તા ચોખા મળશે. દેશમાં ખાદ્યપદાર્થોના ભાવમાં થઈ રહેલા વધારાને નિયંત્રિત કરવા માટે, ભારત બ્રાન્ડ હેઠળ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવાની યોજના બનાવવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ચોખાના છૂટક ભાવમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. સરકાર આ મહિનામાં જ એટલે કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ભારત ચોખાનું વેચાણ શરૂ કરી શકે છે.
ચોખાની વિશેષ જાતનું થશે વર્ગીકરણ
ગ્રાહકોને રાહત આપવા માટે સરકાર 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભારતીય ચોખા બજારમાં ઉતારશે. સબસિડીવાળા ચોખા 5 કિલો અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક સૂચના બહાર પડી છે કે સરકાર હવે બિન-બાસમતી સુગંધિત ચોખાનું ગ્રેડિંગ કરશે. ગોવિંદભોગ, તુલાઈપંજી, કટારીભોગ, રાધુનીપગલ, કલોનુનિયા, કાલા નમક સહિતની ઘણી જાતોના ચોખાનું વર્ગીકરણ કરવામાં આવશે. જેના કારણે ઉત્પાદકોને મોટો ફાયદો થશે. તેમજ ચોખાની વિશેષ જાત વિષે ઉત્પાદકોને માહિતી મળશે અને સારી કિંમતે વેચી પણ શકાશે.
સસ્તા ચોખા આપવાની યોજના
મોંઘવારીમાં રાહત આપવા માટે લોકોને ભારત ચોખાના રૂપમાં સસ્તા ચોખા આપવાની આ યોજના સરકારનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. દેશમાં ભારત ચોખાનું વેચાણ તમામ સહકારી સ્ટોર્સ અને મોટી રિટેલ ચેન દ્વારા ઉપલબ્ધ થશે. તેમજ રિટેલમાં તમામ પ્રકારના ચોખાના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થશે.
મોંઘવારીમાં થોડી રાહત મળશે
કેન્દ્ર સરકાર દ્વારા 6 નવેમ્બર 2023 ના રોજ ભારત આટા લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં લોટની કિંમત રૂ. 35 પ્રતિ કિલો છે. આ ઉપરાંત ભારત બ્રાન્ડ હેઠળ સરકારે ચોખા પહેલા સસ્તો લોટ, સસ્તા ડુંગળી-ટામેટાં અને દાળનું વેચાણ કર્યું છે. તેમજ હવે સસ્તા ચોખાથી લોકોને વધતી જતી મોંઘવારીમાં થોડી રાહત મળશે.