Indigo Airline: ઈન્ડિગોએ રચ્યો ઈતિહાસ, આવો રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય એરલાઈન બની
Image Source: Twitter
- ઈન્ડિગો વિશ્વની દિગ્ગજ એરલાઈન્સમાં સામેલ થઈ ગઈ
નવી દિલ્હી, તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર
Indigo Creates History: દેશની સૌથી મોટી પ્રાઈવેટ ઉડ્ડયન કંપની ઈન્ડિગો એરલાઈન (Indigo Airline)એ ઈતિહાસ રચી દીધો છે. તેણે 1 વર્ષમાં 10 કરોડ યાત્રીઓનો આંકડો પાર કરી લીધો છે. આવો રેકોર્ડ બનાવનારી તે પ્રથમ ભારતીય એરલાઈન બની ગઈ છે. આ સાથે જ વિશ્વની દિગ્ગજ એરલાઈન્સમાં સામેલ થઈ ગઈ છે.
આ અવસર પર કંપનીએ કહ્યું કે, આજ સુધીમાં કોઈ પણ ઈન્ડિયન એરલાઈન્સ કંપનીને આ સિદ્ધિ પ્રાપ્ત નથી કરી. અમને 1 વર્ષમાં 10 કરોડ લોકોની સેવા કરવાની તક મળી. આજ સુધી કોઈ ભારતીય એરલાઈન આ મુકામ સુધી નથી પહોંચી શકી. હવે અમે વિશ્વની ટોપ-10 એરલાઈન્સમાં સામેલ થઈ ગયા છીએ. આ દરમિયાન ઈન્ડિગોએ સૌથી વધુ ઉડાન ભરવા મામલે વિશ્વની 10 સૌથી પ્રમુખ એરલાઈન્સ વચ્ચે સફળતાપૂર્વક પોતાનું સ્થાન બનાવ્યું છે.
કર્મચારીઓનો આભાર માન્યો
ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સે કહ્યું કે, અમે આ સિદ્ધિ હાંસલ કરીને ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છીએ. તે ઈન્ડિગો માટે લોકોનો પ્રેમ અને વિશ્વાસ દર્શાવે છે. આ આંકડા સુધી પહોંચવા માટે અમારા કર્મચારીઓએ જ સખત મહેનત કરી તેના માટે અમે તેમનો આભાર માનીએ છીએ. આગળ પણ ઈન્ડિગો લોકોની સેવા માટે સમર્પિત રહેશે.
6 મહિનામાં 20 ઈન્ટરનેશનલ રૂટ જોડ્યા
ઇન્ડિગોએ છેલ્લા છ મહિનામાં 20 નવા આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની ફ્લાઈટ્સ શરૂ કરી છે. આ સાથે કંપનીએ ડોમેસ્ટિક રૂટ પર પણ તેની પહોંચ વધારી છે. ઈન્ડિગો ટૂંક સમયમાં જ ઈન્ડોનેશિયાના બાલી અને સાઉદી અરેબિયાના મદીના માટે તેની ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે.
આંકડા પ્રમાણે નવેમ્બર સુધી ડોમેસ્ટિક બજારમાં ઈન્ડિગોની હિસ્સેદારી 61.8 ટકા હતી. તેની પાછળ એર ઈન્ડિયા છે જેની બજાર હિસ્સેદારી ઈન્ડિગો કરતા છ ગણી પાછળ છે. ભારતીય બજારમાં કોઈપણ કંપની ઈન્ડિગોને ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં નથી. તાજેતરમાં કંપનીએ 500 એરબસ A320 ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો.