ભારતની US નિકાસમાં 5.76 અબજ ડોલરનો ઘટાડો જોવા મળશે
- પેટ્રોલિયમ, સોલાર પેનલ્સ અને ફાર્મા જેવી કેટલીક પ્રોડક્ટ કેટેગરીને ડયુટીમાંથી મુક્તિ, આ ક્ષેત્રોનો અમેરિકાની નિકાસમાં હિસ્સો ૨૨.૭% ટકા
અમદાવાદ : અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ૨૬ ટકા રેસિપ્રોકલ ટેરિફને કારણે ભારતની નિકાસમાં ૫.૭૬ અબજ ડોલરનો ઘટાડો થઈ શકે છે. આ આંકડો ૨૦૨૫માં અમેરિકામાં થતી કુલ નિકાસ કરતા ૬.૪૧ ટકા ઓછું હશે તેમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ)એ એક રિપોર્ટમાં જણાવ્યું હતુ.
રિપોર્ટ અનુસાર, સ્ટીલ અને લોખંડની નિકાસમાં ૧૮ ટકા, હીરા-સોના અને સંબંધિત પ્રોડક્ટોની નિકાસમાં ૧૫.૩ ટકા, વાહનો અને સ્પેરપાર્ટ્સની નિકાસમાં ૧૨.૧ ટકા અને ઇલેક્ટ્રિકલ, ટેલિકોમ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની નિકાસમાં ૧૨ ટકાનો ઘટાડો થઈ શકે છે. ૨૦૨૪માં ભારતે અમેરિકાને ૮૯.૮૧ અબજ ડોલરના માલસામાનની નિકાસ કરી હતી.
આ સિવાય નિકાસમાં સંભવિત ઘટાડો જોવા મળી શકે તેવા અન્ય ક્ષેત્રોમાં પ્લાસ્ટિક (૯.૪ ટકા), કાર્પેટ (૬.૩ ટકા), પેટ્રોલિયમ ઉત્પાદનો (૫.૨ ટકા), ઓર્ગેનિક કેમિકલ (૨.૨ ટકા) અને મશીનરી (૨ ટકા)નો સમાવેશ થાય છે.
જોકે ભારતના કાપડ, મેક-અપ્સ, એપેરલ, સિરામિક પ્રોડક્ટો, નોનકાર્બનિક કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં નિકાસ વધવાની શક્યતા છે. પેટ્રોલિયમ, સોલાર પેનલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવી કેટલીક પ્રોડક્ટ કેટેગરીને રેસિપ્રોકલ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. ભારતની અમેરિકામાં કુલ નિકાસમાં તેમનો હિસ્સો ૨૨.૭ ટકા અથવા ૨૦.૪ અબજ ડોલર છે.
તેવી જ રીતે, અમેરિકાએ સ્ટીલ, એલ્યુમિનિયમ, વાહનો અને તેમના પાર્ટ્સ પર ૨૫ ટકાનો વધારાનો કર લાદ્યો છે. આ માલની નિકાસ ૨.૨ અબજ ડોલરની હોય છે, જે અમેરિકામાં થતી કુલ નિકાસના માત્ર ૨.૫ ટકા છે.