હવે ફ્રાન્સ, રશિયા, યુએઈમાં પણ ચાલશે ભારતનો સિક્કો, કુલ દસ દેશમાં UPI પેમેન્ટ કરી શકાશે
UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એક ભારતીય પેમેન્ટ સિસ્ટમ છે
નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2024, મંગળવાર
ભારતીય પેમેન્ટ સિસ્ટમ UPIને ઘરેલુ સ્તરની સાથે-સાથે વૈશ્વિક સ્તર પર પણ મોટી સફળતા મળી રહી છે. તાજેતરમાં જ મોરેશિયસ અને શ્રીલંકામાં UPIને લોન્ચ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ હવે આવા દેશોની સંખ્યા 10ને પાર થઈ ગઈ છે. જ્યાં UPIનો ઉપયોગ કરી શકાય છે. આ પહેલા જાન્યુઆરીમાં ફ્રાન્સમાં UPI શરૂ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ તમે પેરિસના એફિલ ટાવરની ટિકીટ સરળતાથી ખરીદી શકો છો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકા અને મોરેશિયસમાં UPI સર્વિસ શરૂ થવાના અવસર પર કહ્યું કે, આજે હિન્દ મહાસાગર ક્ષેત્રના ત્રણ મિત્ર દેશો માટે એક વિશેષ દિવસ છે. મારું માનવું છે કે, શ્રીલંકા અને મોરેશિયસને UPI પ્રણાલીથી લાભ થશે. તેમણે કહ્યું કે, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં ક્રાંતિકારી બદલાવ લાવ્યુ છે. UPI ભારત સાથે ભાગીદારીને એકજૂઠ કરવાની નવી જવાબદારી નિભાવી રહ્યુ છે.
ટ્રાન્જેક્શન કરવું થશે સરળ
UPIથી વિદેશોમાં લેવડ-દેવડ થવાનો સીધો ફાયદો ભારતીય લોકોને થશે. સરળતાથી કોઈ પણ મુશ્કેલી વિના વિદેશોમાં ટ્રાન્જેક્શન કરી શકાય છે. તેનાથી ફોરેક્સ ચાર્જ પણ ઓછો લાગશે અને તેના પરિણામ સ્વરૂપે તમારે વિદેશોમાં ટ્રાન્જેક્શન કરવું સસ્તુ પડશે.
શું છે UPI?
UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એક ભારતીય પેમેન્ટ સિસ્ટમ છે. તેને સરકારી કંપની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવી છે. તેની ખાસ વાત એ છે કે, તેને પેમેન્ટ કરવા માટે OTPની જરૂર નથી પડતી. માત્ર એક પિન નંબર નાખીને સરળતાથી ટ્રાન્જેક્શન કરી શકો છો.
કયા દેશોમાં ચાલે છે UPI?
- ભુતાન
- મલેશિયા
- યુએઈ
- સિંગાપુર
- ઓમાન
- કતાર
- રશિયા
- ફ્રાન્સ
- શ્રીલંકા
- મોરેશિયસ
બીજા કયા દેશોમાં થશે UPI?
એક અહેવાલ પ્રમાણે ભારત સરકાર UPIને અન્ય દેશોમાં પણ શરૂ કરવા અંગે વાતચીત કરી રહી છે. તેમાં બ્રિટન, નેપાલ, થાઈલેન્ડ, સાઉદી આરબ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બહરીન, જાપાન અને ફિલિપાઈન્સ જેવા દેશોનું નામ સામેલ છે.