શાકભાજી-કઠોળના ભાવ આસમાને પહોંચતાં રિટેલ મોંઘવારી જૂનમાં ચાર માસની ટોચે પહોંચી
India’s retail inflation rose in June: ભારતમાં રિટેલ મોંઘવારીનો દર જૂનમાં ચાર માસની ટોચે પહોંચ્યો છે. જૂનમાં ખાદ્ય ચીજોના ભાવ આસમાને પહોંચતાં રિટેલ ફુગાવો 5.08 ટકા નોંધાયો છે. જે મેમાં 4.75 ટકા હતો. ઉલ્લેખનીય છે, ગત મહિને રિટેલ મોંઘવારી 12 માસના તળિયે હતી. જે જૂનમાં અચાનક વધી છે.
શાકભાજી અને કઠોળના ભાવમાં 70 ટકા સુધી ઉછાળાના કારણે ખાદ્ય ચીજોનો ફુગાવો જૂનમાં વધી 9.4 ટકા નોંધાયો છે. જે મેમાં 8.7 ટકા હતો. ખાદ્ય ચીજોનો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ મેમાં 1.33 ટકા સામે વધી જૂનમાં 3.17 ટકા થયો છે.
શાકભાજીમાં મોંઘવારી દર 29.3 ટકા
ઉનાળામાં આકરી ગરમી તેમજ વાવાઝોડાની સ્થિતિમાં કમોસમી વરસાદની સ્થિતિમાં પાક ઉત્પાદન ઘટ્યા હતા. પરિણામે જૂનમાં શાકભાજી અને કઠોળ સહિત ખાદ્ય ચીજોના ભાવ અનેકગણા વધ્યા હતા. શાકભાજીનો મોંઘવારી દર 29.3 ટકા અને કઠોળમાં ફુગાવો 16.1 ટકા નોંધાયો હતો. કઠોળમાં મોંઘવારી સતત 13 મહિનાથી ડબલ ડિજિટમાં નોંધાઈ રહી છે, જ્યારે શાકભાજીમાં ફુગાવો છેલ્લા આઠ મહિનાથી ડબલ ડિજિટમાં જોવા મળ્યો છે.
ફુગાવાના ઉંચા દર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખે તેવો સંકેત આપી રહ્યા છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે થોડા દિવસ પહેલાં જ વ્યાજદરો જાળવી રાખવાનો સંકેત આપ્યો હતો. આરબીઆઈએ જૂનમાં સતત આઠમી વખત રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો હતો. આગામી મોનેટરી પોલિસીની બેઠક 6 અને 8 ઓગસ્ટે યોજાશે.