મોંઘવારીએ માજા મૂકી, રિટેલ ફુગાવો 5.49 ટકા સાથે નવ માસની ટોચે, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Retail Inflation: ખાદ્ય ચીજોના ભાવમાં ખાસ કરીને શાકભાજીની કિંમતો આસમાને પહોંચતા મોંઘવારીમાં વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં રિટેલ મોંઘવારી ઘટ્યા બાદ સપ્ટેમ્બરમાં 5.49 ટકા નોંધાવાની સાથે નવ માસની ટોચે પહોંચી છે. જે ડિસેમ્બરમાં 5.69 ટકા બાદથી સૌથી વધુ છે.
આરબીઆઈનો ભય સાચો ઠર્યો
દેશમાં રિટેલ મોંઘવારી જુનમાં 5.08 ટકા નોંધાયા બાદ જુલાઈ અને ઓગસ્ટમાં આરબીઆઈના લક્ષિત દર 4 ટકા કરતાં ઘટી (3.6 ટકા, 3.65 ટકા) હતી. જો કે, ખાદ્ય ચીજોના ભાવમાં મોંઘવારી દર 9.24 ટકા નોંધાતા સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો આસમાને પહોંચ્યો છે. આરબીઆઈનો લક્ષિત દર 4-6 ટકા છે. આરબીઆઈએ ગત સપ્તાહે મોનેટરી પોલિસી બેઠકમાં જ મોંઘવારી ફરીથી વધવાની ભીતિ વ્યક્ત કરી હતી. અને વ્યાજના દર જાળવી રાખવા નિર્ણય લીધો હતો.
આ પણ વાંચોઃ ખાદ્ય ચીજોના ભાવ વધતાં જથ્થાબંધ મોંઘવારી સપ્ટેમ્બરમાં વધી, શાકભાજીના ભાવ આસમાને
શાકભાજીના ભાવ 36 ટકા વધ્યા
આ વર્ષે સપ્ટેમ્બરમાં શાકભાજીના ભાવ છેલ્લા એક વર્ષની તુલનામાં 36 ટકા વધ્યા છે. કઠોળ-દાળના ભાવ પણ 9.81 ટકા વધ્યા છે. ફળોની કિંમત 7.65 ટકા, અનાજ 6.84 ટકા મોંઘા થયા છે. જો કે, તેજાનાના ભાવમાં 6.13 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આરોગ્ય સેવાઓ પણ મોંઘી થઈ
સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, સ્વાસ્થ્ય સેવાઓ પણ 4.09 ટકા મોંઘી થઈ છે. સૌંદર્ય પ્રસાધનો 9 ટકા અને ઈંધણ-વીજના ભાવ 1.39 ટકા વધ્યા છે.