અમેરિકા ખાતેથી આયાત વધારવા તથા વેપાર કરાર કરવા ભારતની તૈયારી
- આગામી બજેટમાં કસ્ટમ ડયૂટીના દરને વ્યવહારુ બનાવી તેની સંખ્યા ઘટાડવા પણ વિચારણા
મુંબઈ : અમેરિકાના નવા નિયુકત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત તરફ કૂણું વલણ દર્શાવવા રાજી કરવા માટે ભારત સરકાર તેની સાથે વેપાર કરાર, વધુ માલસામાનની આયાત તથા ટેરિફમાં ઘટાડો કરવા જેવા પગલાં લેવા વિચારી રહી છે. આગામી બજેટમાં કસ્ટમ ડયૂટીના દરની સંખ્યા ઘટાડવા ઉપરાંત તેમાં વ્યવહારિકતા લાવવા પણ વિચારાઈ રહ્યું છે.
ગયા નાણાં વર્ષમાં અમેરિકા સાથે ભારતને ૩૫.૩૦ અબજ ડોલરની વેપાર પુરાંત રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોઈપણ સખતાઈભર્યા પગલાં આ પુરાંતમાં ઘટાડો કરાવી શકે છે. વેપાર પુરાંતને ટકાવી રાખવા ભારત અમેરિકાના પગલાં સામે વળતા પગલાં અંગે પણ વિચારી રહ્યું હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ગયા નાણાં વર્ષમાં અમેરિકા ભારતનું એક મોટુ વેપાર ભાગીદાર દેશ રહ્યું હતું.
અમેરિકા ખાતેથી સ્ટીલ, વ્હીસ્કી તથા ક્રુડ તેલની આયાતમાં ભારત વધારો કરી શકે છે, એટલું જ નહીં કેટલાક પ્રોડકટસ પરના ટેરિફમાં ઘટાડો કરવા પણ વિચારાઈ રહ્યું છે.
ટ્રમ્પ સાથે કોઈપણ સંઘર્ષને ટાળવાના ભાગરૂપ આ વિચારણા થઈ રહી છે. આ ઉપરાંત અમેરિકા-ચીનના વચ્ચે કોઈપણ શકય ટ્રેડ વોરનો ભારત લાભ લેવા માગે છે.
ટ્રમ્પ સાથે કોઈપણ સંઘર્ષ ઈચ્છતું નહીં હોવાના સંકેત આપવા ભારતે અમેરિકામાં ગેરકાયદે વસતા ૧૮૦૦૦ ભારતીયોને પાછા લઈ લેવાની તૈયારી બતાવી હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.
કેનેડા તથા મેક્સિકો પર ૨૫ ટકા જ્યારે ચીન પર ૧૦ ટકા ટેરિફ લાગુ કરવા અમેરિકાએ જાહેર કર્યું છે. બ્રિકસ દેશો જો પોતાના ખાસ ચલણને બહાર પાડશે તો આ દેશો સામે પણ સખત વલણની ટ્રમ્પે ચીમકી ઉચ્ચારી છે.
દરમિયાન ૧લી ફેબુ્રઆરીના રજૂ થનારા આગામી નાણાં વર્ષ માટેના બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન કસ્ટમ ડયૂટીના સ્તરમાં ઘટાડો કરી તેને વ્યવહારીક બનાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. હાલમાં વિવિધ આયાતી ચીજવસ્તુઓ પર કસ્ટમ્સ ડયૂટીના ૪૦થી વધુ સ્તર છે.
કસ્ટમ્સ ડયૂટીના સ્તર ઘટાડી સરકાર તેને વ્યવહારુ બનાવવા માગે છે, પરંતુ વિવિધ દેશો સાથે થયેલા મુકત વેપાર કરાર (એફટીએ)ની જોગવાઈઓને કારણે સરકાર વધુ છૂટ લેવાની સ્થિતિમાં નહીં હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
એફટીએ હેઠળ નિશ્ચિત થયેલા ડયૂટીના દરમાં ફેરફાર શકય નહીં બને. આમછતાં કસ્ટમ્સ દર માળખાની સમીક્ષા ચાલી રહી છે. વેરા સ્તરમાં સાધારણ ઘટાડો શકય છે, પરંતુ આ ઘટાડો જેતે પ્રોડકટની આયાત માત્રા પર વધુ નિર્ભર રહેશે.