મધ્યમવર્ગની ઘરેલું બચત ઘટી 50 વર્ષના તળિયે, મોંઘવારીના લીધે આર્થિક પડકારો વધ્યા
Middle class Shrinking due To Inflation: દેશમાં સતત વધતી મોંઘવારીના કારણે મધ્યમ વર્ગ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. જેના લીધે વપરાશની પદ્ધતિમાં પર પણ અસર થઈ છે. RBIના ડેટા અનુસાર, દેશના મધ્યમવર્ગ પરિવારજનોની ઘરેલું બચત 50 વર્ષના તળિયે પહોંચી છે. જો કે, ગ્રોસ બચત સ્થિર રહી છે. વધતાં ખર્ચને પહોંચી વળવા અનસિક્યોર્ડ લોનની માગ વધી છે. પરિણામે મધ્યમવર્ગની બચત હવે લોનના ઈએમઆઈમાં ખર્ચાઈ રહી છે.
કાયમી-રૂટિન નોકરીઓ ઘટી
માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના રિપોર્ટ અનુસાર, આજે પ્રત્યેક મધ્યમવર્ગ ટૅક્નોલૉજિકલ વિક્ષેપ, આર્થિક મંદી અને ઘરેલું બચતમાં ઘટાડો જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. રૂટિન અને કાયમી નોકરીઓ મધ્યમવર્ગની આવકના કરોડરજ્જુ સમાન છે. પરંતુ હવે મધ્યમવર્ગ ઓટોમેશન અને ટૅક્નોલૉજી તરફ ડાયવર્ટ થયો છે. જેમાં રૂટિન અને કાયમી નોકરીઓનું પ્રમાણ ખૂબ ઓછું છે. ઑફિસ અને ફેક્ટરીઓમાં ક્લાર્ક-સુપરવાઇઝરની ભરતી ઘટી છે.
ઘરેલું બચત 50 વર્ષના તળિયે
આરબીઆઇના ડેટા અનુસાર, જીડીપીની ટકાવારીની દૃષ્ટિએ દેશની ચોખ્ખી ઘરેલું બચત વર્ષના તળિયે પહોંચી છે. જ્યારે ગ્રોસ સેવિંગ્સ સ્થિર છે. અનસિક્યોર્ડ લોનના વધતાં પ્રમાણને કારણે લોકોની બચત ઈએમઆઈ પાછળ ખર્ચ થઈ રહી છે.
આ પણ વાંચોઃ અદાણી કંપનીઓના રેટિંગ આઉટલૂકને ફિચ,મૂડીઝે ડાઉનગ્રેડ કરતાં શેરો તૂટયા
‘PM ક્યારે મધ્યમવર્ગની કટોકટી પર ફોકસ કરશે?’
આર્થિક પડકારોના કારણે મધ્યમવર્ગની આવક અને બચત ઘટી રહી છે. આ મુદ્દાને ધ્યાનમાં લેતાં વિપક્ષના જનરલ સેક્રેટરી જયરામ રમેશે વડાપ્રધાનને સવાલ પૂછ્યો છે કે, પીએમ નરેન્દ્ર મોદી ક્યારે આ વાસ્તવિકતા પર ધ્યાન આપશે? છેલ્લા કેટલાક સપ્તાહથી રિપોર્ટ આવી રહ્યા છે કે, ઘરેલું બચતો ઘટતાં ભારતીય કંપનીઓમાં ખાસ કરીને એફએમસીજીમાં મંદીના વાદળો છવાયા છે. માર્સેલસે પણ રિપોર્ટ આપ્યો છે કે, મધ્યમવર્ગ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. શહેરનો મધ્યમવર્ગ આર્થિક ખેંચનો સામનો કરી રહ્યો છે, વડાપ્રધાન આ વાસ્તવિકતા તરફ ક્યારે ધ્યાન આપશે?
એફએમસીજીના વેચાણો ઘટ્યા
શહેરી મધ્યમવર્ગની બચતમાં ઘટાડો થતાં એફએમસીજીના વેચાણો ઘટ્યા છે. એફએમસીજીના કુલ વેચાણોમાં 2/3 યોગદાન મધ્યમવર્ગનું છે. પરંતુ મોંઘવારીમાં વધારો, ઊંચા વ્યાજના દરો અને આવકમાં ઘટાડો નોંધાતા વપરાશ ખર્ચ ઘટાડ્યો છે.
આઉટસોર્સિંગ અને ઓટોમેશનના કારણે કોસ્ટ કટિંગ વધ્યું
નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનના ચેરમેન પી.સી. મોહનને નોંધ્યું હતું કે, આઉટસોર્સિંગ અને ઓટોમેશનના કારણે કોસ્ટ-કટિંગ વધતાં ઘણી મેનેજરિયલ નોકરીઓ ગુમ થઈ છે. વિપ્રોના ચેરમેન પ્રેમજીએ પણ એઆઈની વિક્ષેપજનક ભૂમિકા પર ભાર મૂક્યો હતો કે, ઘણી નોકરીઓ ગુમ થશે. ભવિષ્યમાં વ્હાઈટ કોલર નોકરીઓનું પ્રમાણ વધશે, જ્યારે બ્લ્યૂ કોલર જોબ્સ ગુમ થશે.