ભારતની ગોલ્ડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી 25 હજાર રોજગારની નવી તકો સર્જશેઃ રિપોર્ટ
Gold Processing Industry Creates 25000 Jobs: ભારતની ગોલ્ડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી 2030 સુધી 25000 રોજગારની નવી તકોનું સર્જન કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આગામી છ વર્ષમાં આ ઈન્ડસ્ટ્રીમાં રૂ. 15 હજાર કરોડનું રોકાણ થવાની શક્યતા છે.
સોનાનું ઉત્પાદન 100 ટને પહોંચશે
ઉદ્યોગ સંગઠન પીએચડીસીસીઆઈ (પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી) તરફથી જણાવવામાં આવ્યું હતું કે, સ્થાનિક સ્તરે સોનાનું ઉત્પાદન 2030 સુધી વધી 100 ટન સુધી પહોંચશે. ફોરેક્સ રિઝર્વમાં પણ વધારો થશે. તેની સાથે વેપાર સંતુલનમાં પણ સુધારો થશે, અને જીડીપીમાં યોગદાન વધશે. પીએચડીસીસીઆઈના અધ્યક્ષ સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારતીય ગોલ્ડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી ઝડપી ગ્રોથ અને ફેરફાર માટે તૈયાર છે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થાને લાભ થશે અને 2047 સુધી અમે વિકસિત ભારતનું લક્ષ્ય પૂર્ણ કરી શકીશું.
15 હજાર કરોડનું રોકાણ થવાનો આશાવાદ
ભારતની ગોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં 2030 સુધી 15 હજાર કરોડનું રોકાણ કરી શકે છે. 2023માં આ આંકડો રૂ. 1 હજાર કરોડ હતો. વિશ્વમાં સોનાની કુલ માગના 17 ટકા માગ ભારતમાંથી હોય છે. જે આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. ભારતમાં હાલ 16 ટકન સોનાનું ઉત્પાદન થાય છે. જે 2030માં વધી 100 ટન કરવાનો લક્ષ્યાંક છે. જેનાથી આયાત પર નિર્ભરતા ઘટશે.
જીડીપીમાં સોનાનો હિસ્સો વધશે
સોનાનો પુરવઠો વાર્ષિક ધોરણે 2.4 ટકાના દરે વધી 2030 સુધી 1000 ટન થવાનો આશાવાદ છે. જે હાલ 857 ટન છે. સોનાનું ઉત્પાદન વધતાં તેનો જીડીપીમાં હિસ્સો આગામી છ વર્ષમાં 0.10 ટકા સુધી વધી શકે છે. જે હાલ 0.04 ટકા છે. સરકારને સોના પર મળતી જીએસટી આવક 2030 સુધી 2250 કરોડ સુધી પહોંચી શકે છે. જે હાલ રૂ. 300 કરોડ છે.