Get The App

ફેબ્રુઆરીમાં દેશની સોનાની આયાત 20 વર્ષના તળિયે

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
ફેબ્રુઆરીમાં દેશની સોનાની આયાત 20 વર્ષના તળિયે 1 - image


- વિક્રમી ભાવથી ખરીદીમાં ઓટ

- ફેબ્રુઆરી 2024ના 103 ટનની સામે ચાલુ વર્ષે આયાત 85 ટકા ઘટી 15 ટન 

મુંબઈ : વૈશ્વિક સ્તરે ગોલ્ડના ઊંચા ભાવને પરિણામે વર્તમાન મહિનાની ભારતની સોનાની આયાત  વાર્ષિક ધોરણે ૮૫ ટકા જેટલી નીચી રહ્યાનું પ્રાપ્ત પ્રારંભિક ડેટા પરથી જણાય છે. ફેબ્રુઆરીની આયાત વીસ વર્ષના તળિયે જોવા મળી રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૪માં ૧૦૩ ટનની સામે વર્તમાન વર્ષના આ મહિનામાં સોનાની આયાત ૧૫ ટન જેટલી રહ્યાનો અંદાજ છે, જે છેલ્લા બે દાયકામાં કોઈ એક મહિનાની સૌથી નીચી આયાત છે.

જાન્યુઆરીની ગોલ્ડ  આયાત  વોલ્યુમની દ્રષ્ટિએ  ૩૫ ટનથી ઓછી રહી છે  જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ ૨.૬૮ અબજ ડોલર સાથે ડિસેમ્બરની સરખામણીએ ૪૩ ટકા નીચી રહી હતી.   

વિશ્વમાં સોનાના બીજા મોટા આયાતકાર દેશ ભારતમાં ગોલ્ડની નીચી આયાતથી વેપાર ખાધ અંકૂશમાં રાખવામાં મદદ મળશે એટલું જ નહીં ડોલર સામે રૂપિયાને વધુ નબળો પડતો અટકી શકશે એવો પણ મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.

ભૌગોલિકરાજકીય અશાંતિને કારણે ૨૦૨૪માં મોટાભાગની વૈશ્વિક કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની નોંધપાત્ર ખરીદી રહી હતી જેને કારણે સોનાના ભાવમાં વિક્રમી ઉછાળો જોવા મળ્યો હતો. વર્તમાન સપ્તાહમાં સોનાના ઔંસ દીઠ ભાવ ઉછળી ૨૯૫૬ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. ઊંચા ભાવને કારણે ભારતના ટ્રેડરો તથા જ્વેલર્સ દ્વારા ખરીદી ધીમી પડી છે. 

ભાવ ઊંચા જળવાઈ રહેશે તો ભારત દ્વારા ખરીદીમાં વધુ ઘટાડો જોવા મળવા સંભવ હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું. 

વૈશ્વિક ઊંચા ભાવને પરિણામે ઘરઆંગણે પણ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૮૬૫૯૦ સાથે વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા. 

૨૦૨૪માં દેશની ગોલ્ડ માગ ઊંચી રહ્યા બાદ વર્તમાન વર્ષમાં તેમાં ઘટાડો જોવા મળવાની સંભાવના છે. સોનાના ભાવમાં સતત વધારાને કારણે વર્તમાન વર્ષમાં જ્વેલરીની માગ નીચી રહેવા સંભવ છે, એમ  વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. ૨૦૨૪માં દેશની ગોલ્ડ માગ  વાર્ષિક  ધોરણે પાંચ ટકા વધી ૮૦૨.૮૦ ટન રહી હતી તે ૨૦૨૫માં ઘટી ૭૦૦થી ૮૦૦ ટનની વચ્ચે રહેવા વકી છે. 

દેશમાં ગોલ્ડની એકંદર માગમાં જ્વેલરી માટેની માગનો હિસ્સો ૭૦ ટકા જેટલો રહે છે. ગોલ્ડના વધી રહેલા ભાવને પરિણામે જ્વેલરી માગ પર અસર પડી રહ્યાનું જોવા મળી રહ્યું છે, પરંતુ ઈન્વેસ્ટમેન્ટ માગ હજુપણ જળવાઈ રહી છે, એમ   કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 

૨૦૨૪માં દેશની ગોલ્ડ માગ નવ વર્ષની ટોચે રહી હતી પરંતુ વર્તમાન વર્ષમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગોલ્ડના ઊંચા ભાવની સ્થિતિમાં સૌથી વધુ અસર જ્વેલરી માગ પર જોવા મળે છે. 


Google NewsGoogle News