ભારતનું અર્થતંત્ર વૃદ્ધિના માર્ગે, જીડીપી ગ્રોથ અપેક્ષા કરતાં વધી 7.8 ટકા નોંધાયો
India GDP Growth: લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા અર્થતંત્રના મોરચે સારા સમાચાર આવ્યા છે. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 7.8 ટકા નોંધાયો છે. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા નોંધાયો હતો.
ત્રિમાસિક ધોરણે ઘટાડો
નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ઝડપી ગતિએ વધ્યો છે. જો કે, ડિસેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ 8.4 ટકા સામે ઘટ્યો છે. FY24 માટે એકંદર ગ્રોથ 8.2 ટકા નોંધાયો છે. માગ અને વપરાશમાં વૃદ્ધિ નોંધાવાની સાથે આયાત-નિકાસમાં પણ બેલેન્સ જાળવતાં રાજકોષિય ખાધમાં ઘટાડો કરવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.
આરબીઆઈના અંદાજ કરતાં વધ્યો
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)ના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા શુક્રવારે જારી કરાયેલા ડેટા અનુસાર, 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર રિઝર્વ બેન્કના અંદાજ કરતા વધ્યો છે. આરબીઆઈએ જીડીપી ગ્રોથ 6.9 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7.8 ટકા હતો, જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં જીડીપી ગ્રોથ 8.2 ટકા હતો. જે ભારતીય અર્થતંત્રની તાકાત દર્શાવે છે. ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર તમામ અંદાજો કરતાં સારો હતો. નાણાકીય વર્ષ 2023-24માં નોમિનલ જીડીપી 9.6 ટકા નોંધાયો છે. જે બજેટના 10.5 ટકાના અંદાજ કરતાં ઘટ્યો છે.