દેશનો આર્થિંક વિકાસ રૂંધાયો, છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી ઓછો GDP ગ્રોથ રેટ જાહેર
Image: IANS |
GDP Growth Rate: ભારતનો આર્થિક વિકાસ રૂંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ છેલ્લા પાંચ ત્રિમાસિકના તળિયે નોંધાયો છે. તેમજ વાર્ષિક ધોરણે પણ 1.5 ટકા ઘટ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6.7 ટકા નોંધાયો છે. જે માર્ચ ત્રિમાસિકમાં 7.8 ટકા અને ગત નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 8.2 ટકા હતો. આરબીઆઈના પ્રથમ ત્રિમાસિક માટેના 7.2 ટકાના અંદાજ સામે પણ જીડીપી ઘટ્યો છે.
આ પણ વાંચોઃ રિલાયન્સ અને ડિઝનીના મર્જરને CCIની મંજૂરી, રૂ. 70350 કરોડમાં ડીલ થશે
ચૂંટણીના કારણે અર્થતંત્ર મંદ રહ્યું
અર્થશાસ્ત્રીઓએ અંદાજ આપ્યો હતો કે, પ્રથમ ત્રિમાસિકમાં ચૂંટણી અને રાજકીય ફેરફારોના કારણે અર્થતંત્ર મંદ રહેશે. તેમજ હીટવેવની અસર પણ જોવા મળી છે. મોંઘવારીમાં ઘટાડો થયો હોવા છતાં સ્થાનીય સ્તરે રિટેલ ભાવોમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી.
કોર સેક્ટરનો ગ્રોથ પણ ઘટ્યો
જીડીપી ગ્રોથમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ઔદ્યોગિક ઉત્પાદનો વધ્યા છે. કોર સેક્ટરનો ગ્રોથ માસિક ધોરણે જુલાઈમાં 6.1 ટકા વધ્યા છે. જે ગતમહિને જૂનમાં 5.1 ટકા હતા. આઠ કોર સેક્ટરમાંથી ચાર સેક્ટરમાં ગ્રોથ નોંધાયો છે. જો કે, વાર્ષિક ધોરણે કોર સેક્ટરનો ગ્રોથ 6.6 ટકા સામે ઘટ્યો છે. આઠ કોર સેક્ટરમાં સિમેન્ટ, કોલસો, ક્રૂડ ઓઈલ, વીજ, ખાતર, નેચરલ ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ્સ અને સ્ટીલ સમાવિષ્ટ છે. જે આઈઆઈપીમાં 40 ટકા વેઈટેજ ધરાવે છે. ઔદ્યોગિક ઉત્પાદનો જૂનમાં 4.2 ટકા સાથે પાંચ માસના તળિયે પહોંચ્યો છે.