એક લાખ ટન ફ્રેંચ ફ્રાઈઝ ઝાપટી જાય છે ભારતીયો, એક દાયકા પહેલા આયાત થતી હતી હવે હજારો ટન નિકાસ
French Fries: ભારતના લોકોને ફ્રેન્ચ ફ્રાઇઝ એવી દાઢે વળગી છે કે તેનો વાર્ષિક વપરાશ એક લાખ ટન પર પહોંચ્યો છે. એટલે કે વર્ષે દહાડે ભારતના લોકો 1400 કરોડ રૂપિયાની કિંમતની ફ્રેન્ચ ફ્રાઇઝ ઝાપટી જાય છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે એક સમયે ભારત ફ્રેન્ચ ફ્રાઇઝ ઇમ્પોર્ટ કરતું હતું તે આજે તેને એક્સપોર્ટ કરે છે. વર્ષ 2023-24માં ભારતે 1478.73 કરોડની 1,35,877 ટન ફ્રેન્ચ ફ્રાઇઝ એક્સપોર્ટ કરી છે. એપ્રિલથી ઓક્ટોબર 2024માં 1000 કરોડથી વઘુ રકમની ફ્રેન્ચ ફ્રાઇઝની નિકાસ કરાઇ હતી.
ભારતની ફ્રેન્ચ ફ્રાઇઝની વિદેશમાં ડિમાન્ડ
આજે ફ્રેન્ચફ્રાઇઝ દેશમાં મેઇન એક્સપોર્ટ કોમોડીટીની યાદીમાં આવે છે. ભારતની ફ્રેન્ચ ફ્રાઇઝ એટલી ચટાકેદાર બને છે કે વિદેશમાં તેની ડિમાન્ડ ઉભી થઇ છે. મેકડોનાલ્ડ, કેએફસી, બર્ગર કીંગ જેવી ફાસ્ટફૂડ ચેઇન તેમજ નાની કંપનીઓ સ્થાનિક સ્તરે વેચાણ કરતાં વઘુ ઘ્યાન એક્સપોર્ટ પર આપી રહ્યા છે. જેના કારણે વિશ્વના ફ્રેન્ચ ફ્રાઇઝ માર્કેટમાં ભારત તેનો પ્રભાવ ઉભો કરી શક્યું છે.
ભારત 1992માં ફ્રેન્ચ ફ્રાઇઝ આયાત કરતું
1990ના દાયકા પર નજર કરીયે તો ભારતમાં વેચાતી તમામ ફ્રેન્ચ ફ્રાઇઝ વિદેશથી આવતી હતી. 1992માં ફ્રેન્ચ ફ્રાઇઝ આયાત કરવાની શરૂ કરાઇ હતી અને તેને સ્ટાર હોટલ તેમજ ફૂડ ચેઇન સ્ટોરને મોકલાતી હતી. 2000ના અંત સુધીમાં તો ફ્રેન્ચ ફ્રાઇઝની આયાત વધીને 5000 ટન પર પહોંચી ગઇ હતી. 2010-11માં આયાત 7683 ટન પર પહોંચી હતી.
પરંતુ છેલ્લા એક દાયકામાં ભારતે ફ્રેન્ચ ફ્રાઇઝની માત્ર આયાત બંધ નથી કરી પણ દક્ષિણ એેશિયાઇ તેમજ મઘ્યપૂપર્વના દેશો, જાપાન, તાઇવાનમાં ભારત ફ્રેન્ચ ફ્રાઇઝ એક્સપોર્ટ કરતું થઇ ગયું હતું.
વિદેશમાં ભારતની ફ્રેન્ચ ફ્રાઇઝની માંગ
કહે છે કે ભારતની કંપનીઓેએ શરૂઆતમાં ફિલીપીન્સ, થાઇલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ જેવા દેશોમાં ફ્રેન્ચ ફ્રાઇઝ મોકલવાનું શરૂ કર્યું હતું. મઘ્ય પૂર્વના દેશામાં પણ ત્યારે ફ્રેન્ચ ફ્રાઇઝનું માર્કેટ ઉભું થયું હતું. ત્યારબાદ જાપાન અને તાઇવાન જેવા દેશોમાં પણ ભારતની ફ્રેન્ચ ફ્રાઇઝની માંગ શરૂ થઇ હતી.
બટાકાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે
ગુજરાતની અનેક કંપનીઓ પણ ફ્રેન્ચ ફ્રાઇઝના એક્સપોર્ટમાં જોડાયેલી છે. જ્યારે ફ્રેન્ચ ફ્રાઇઝની વાત આવે એટલે બટાકાના ઉત્પાદનની વાત પણ કરવી પડે. બટાકાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. પહેલા નંબરે ચીન આવે છે. ચીનમાં બટાકાનું ઉત્પાદન દર વર્ષે 95 ટન જેટલું છે, તો ભારત વર્ષે 60 ટનના ઉત્પાદન સાથે બીજા ક્રમે આવે છે.
ફ્રાય કર્યા પછી પણ કાળા ના પડે તેવા બટાકા ઉપયોગી
અહીં મહત્ત્વનું એ છે કે આપણે રોજબરોજ જે બટાકાનો ખોરાક તરીકે ઉપયોગ કરીયે છીયે તે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવામાં ઉપયોગમાં આવી શકે તેમ નથી હોતા. ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવા એવા બટાકા ઉપયોગમાં લેવાય છે જે ફ્રાય કર્યા પછી પણ કાળા ના પડે અથવા તો બટાકાનો સફેદ કલર જાળવી રાખે. આ પ્રકારની બટાકાની જાતમાં કેનાબેક, કૂર્ફી ફ્રાઇઝસોના ઇનોવેટર, સંતાનાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ચીનનું સસ્તું AI એન્જિન ડીપસીક લોન્ચ: વિશ્વભરની ટેક કંપનીઓને 1 લાખ કરોડ ડોલરનું નુકસાન
બટાકા પ્રોસેસ કરાયા પછી 1 કિલો ફ્રેન્ચ ફ્રાઇઝ માટે 1.5 કિલો બટાકા જોઈએ
1.8 કિલો જેટલા બટકામાંથી એક કિલો ફ્રેન્ચ ફ્રાઇઝ બની શકે છે. બટાકા પ્રોસેસ કરાયા પછી એક કિલો ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવા દોઢ કિલો બટાકાની જરૂર પડે. જ્યારે બટાકામાંથી બનાવાતી અન્ય આઇટમો જેવીકે ભૂજીયા, વેફર્સ વગેરે બનાવવા એક કિલોએ છ કિલો બટાકા જોઇએ.
ફ્રેન્ચ ફ્રાઇઝના ઉત્પાદન માટે સ્પેશ્યલ પ્રકારની વેરાઇટીના બટાકાના ઉત્પાદનની જરૂર પડે છે. પેપ્સીકોએ મુકેલી જાત FL 2027 અન્ય કોઇ વાપરી શકે નહીં એમ કહીને કંપનીએ કેટલાક કિસાનો સામે 500 કરોડના વળતરના કેસ પણ કર્યા હતા. કંપની સામે ઉહાપોહ થતાં કેસ પાછા ખેંચી લેવાયા હતા. જોકે 2024માં દિલ્હી હાઇકોર્ટે પ્રોટેક્શન ઓફ પ્લાંટ વેરાઇટી એક્ટ હેઠળ ફરી વપરાશ કરવા મંજૂરી આપી હતી.