Get The App

કટ અને પોલીશ્ડ હીરાની ભારતની નિકાસ તીવ્ર ઘટીને બે દાયકાના તળિયે

- ટેરિફ લાગુ થતાં પૂર્વે અમેરિકી ખરીદદારોએ માર્ચમાં ખરીદી વધારતાં નિકાસમાં એક ટકા વધારો થયો

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
કટ અને પોલીશ્ડ હીરાની ભારતની નિકાસ તીવ્ર ઘટીને બે દાયકાના તળિયે 1 - image


મુંબઈ : અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત ટેરિફ નીતિના ઘમાસાન અને એના પરિણામે અમેરિકા સાથે ચીનની માંગ નબળી રહેતાં માર્ચમાં પૂરા થયેલા નાણા વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની કટ અને પોલીશ્ડ હીરાની નિકાસો ઘટીને બે દાયકાના તળીયે આવી ગઈ છે. વિશ્વમાં કટ અને પોલીશિંગ માટે હબ ગણાતાં ભારતમાં વૈશ્વિક દરેક ૧૦ હીરામાંથી ૯ હીરા કટીંગ અને પોલીશિંગ થાય છે.

વિશ્વમાં હીરા માટેના સૌથી મોટા બજાર અમેરિકામાં અનિશ્ચિતતાના કારણે માંગમાં મોટો ઘટાડો થયો છે. જેથી કટ અને પોલીશ્ડ ડાયમંડની નિકાસો ઘટી છે. જેમ્સ એન્ડ જવેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે જેમ એન્ડ જવેલરીના શિપમેન્ટોમાં અડધો હિસ્સો રહેતા કટ અને પોલીશ્ડ હીરાની નિકાસો ૧૬.૮ ટકા ઘટીને ૧૩.૩ અબજ ડોલર રહ્યો છે. આ ઘટાડાના કારણે જેમ એન્ડ જવેલરીની નિકાસો ૧૧.૭ ટકા ઘટીને ૨૮.૫ અબજ ડોલરની સપાટીએ રહી છે. જે પાછલા વર્ષના ૩૨.૨૮ અબજ ડોલરથી ઘટીને ચાર વર્ષની નીચી સપાટીએ આવી ગઈ છે.

પોલીશ્ડ ડાયમંડ માટેની નબળી માંગથી ભારતીય પ્રોસેસરોએ પણ રફ હીરાની આયાત ૨૪.૩ ટકા ઘટાડીને ૧૦.૮ અબજ ડોલરની કરી છે. જેમ્સ એન્ડ જવેલરી નિકાસ માર્ચમાં એક ટકા વધી છે. 

જો કે એ માર્ચમાં ૨.૫૬ અબજ ડોલરની થઈ છે, કેમ ેકે યુ.એસ. ટેરિફ જાહેર થતાં પૂર્વે નિકાસકારોએ શિપમેન્ટમાં વધારો કર્યો હોવાનું જીજેઈપીસીનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં ૯, એપ્રિલથી ભારતની આયાતો પર ૨૭ ટકા ટેરિફ લાદવાનું જાહેર કર્યું હતું, પરંતુ બાદમાં આ ટેરિફને ૯૦ દિવસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. 

જીજેઈપીસીના વાઈસ-ચેરમેન શૌનક પરિખે જણાવ્યું હતું કે, ટેરિફ લાગુ થતાં પૂર્વે માર્ચમાં અમેરિકી બાયરોએ પણ ખરીદી વધારી હતી. ભારતીય નિકાસકારો અમેરિકાના ઓર્ડરો પ્રથમ પૂરા કરવા ધસારો કર્યો હતો. જેથી ટેરિફ રૂપી વધારાનો ખર્ચ બોજ આવે નહીં. અમેરિકી ટેરિફની અનિશ્ચિતતાના કારણે ભારતની જેમ્સ એન્ડ જવેલરી નિકાસો ચાલુ વર્ષમાં રિકવર થવાની શકયતા નહીં હોવાનું નિકાસકારનું કહેવું છે.


Tags :