કોણ છે ડિલિવરી ગીગ વર્કર્સ, જાણો આર્થિક સંકડામણ અનુભવતા આ કામદારો કેટલું કમાય છે...
Gig Workers Salary In India: નવા જમાનાની દેણ એવા ‘ડિલિવરી ગીગ વર્કર’ શબ્દો તમને અપરિચિત લાગશે, પણ એનો અર્થ જાણશો ત્યારે એ અપરિચિત નહીં રહે. રોજિંદા જીવનમાં આપણે અનેકવાર ગીગ વર્કર્સના સંપર્કમાં આવતા હોઈએ છીએ.
ડિલિવરી ગીગ વર્કર એટલે શું?
ડિલિવરી ગીગ વર્કર એટલે એવી વ્યક્તિ જે ટૂંકા ગાળાનું અને પ્રોજેક્ટ-આધારિત કામ કરતી હોય. આવા વર્કર એક જ કંપની માટે પણ કામ કરતા હોઈ શકે અથવા એકથી વધારે માધ્યમો માટે પણ કામ કરતા હોઈ શકે.
કોનો સમાવેશ થાય છે ગીગ વર્કર્સમાં?
કેટરિંગમાં પીસરવા અને રાંધવા જનાર, બારટેન્ડર, વિશેષ કળા શીખવનારા, વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ, પાલતુ પ્રાણીઓની દેખભાળ રાખનારા, વડીલોની સારવાર માટે ઘરે આવનાર સહાયકો તથા સફાઈ, કલરકામ, ફર્નિચર, પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકલ કામ કરનાર વ્યક્તિને ગીગ વર્કર કહેવાય છે. ટૂંકમાં નવથી પાંચની નોકરીની જેમ ફિક્સ સમયમાં કામ ન કરતા હોય અને કાયમી ન હોય એવા કામદારોનો સમાવેશ ગીગ વર્કર્સમાં થાય છે. ઓનલાઇન શોપિંગ સાઇટ્સના ઓર્ડર ઘરેઘરે પહોંચાડનાર ગૂડ્ઝ ડિલિવરી બોય અને હોટલો-રેસ્ટોરન્ટના ફૂડ ડિલિવરી બોયનો સમાવેશ ‘ડિલિવરી ગીગ વર્કર્સ’માં થાય છે.
‘ડિલિવરી ગીગ વર્કર્સ’ વિશે સર્વે
તાજેતરમાં જાણીતા અખબાર ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ દ્વારા ભારતના ‘ડિલિવરી ગીગ વર્કર્સ’ની આવક વિશે એક સર્વે થયો હતો, જેના આંકડા જાણવા જેવા છે. ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ દ્વારા ફક્ત ‘ડિલિવરી ગીગ વર્કર્સ’ બાબતે આ સર્વે થયો છે, જેમાં દેશના 40 શહેરોમાં ઝોમેટો, સ્વિગી, ઉબર અને એમેઝોન જેવા માધ્યમો માટે કામ કરતા 2,000 થી વધુ કામદારોને આવરી લેવામાં આવ્યા હતા અને તેમની નાણાકીય પરિસ્થિતિના બહુવિધ પાસાંનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આટલી કમાણી કરી લે છે ‘ડિલિવરી ગીગ વર્કર્સ’
‘અંડરસ્ટેન્ડિંગ ધ ફાઈનાન્સિયલ લિટરસી ઓફ ગીગ ડિલિવરી પાર્ટનર્સ’ શીર્ષક હેઠળના સર્વે રિપોર્ટમાં જાહેર કરાયું છે કે ભારતમાં 77.6% ‘ડિલિવરી ગીગ વર્કર્સ’ વાર્ષિક અઢી લાખ કરતાં ઓછી કમાણી કરે છે.
કમાણી ઉપરાંતના આંકડા
એ ઉપરાંત ‘ડિલિવરી ગીગ વર્કર્સ’ બાબતે નીચે મુજબના આંકડાકીય તારણો નીકળ્યા છે.
• 61% ‘ડિલિવરી ગીગ વર્કર્સ’ને ખબર નથી કે તેમનો સમાવેશ આવકવેરાના કયા બ્રેકેટમાં થાય છે. માત્ર 33.5 % વર્કર્સે આવકવેરા રિટર્ન (ITRs) ફાઇલ કર્યા છે. ITR ફાઈલ કરનારામાંના 66% લોકોએ ઝીરો રિટર્ન ફાઈલ કર્યું હતું. ITR ફાઇલ ન કરતા માત્ર 42% વર્કર્સે જો તેમણે ટેક્સ ભરવાનો થતો હોય તો ટેક્સ ભરવાની તૈયારી દર્શાવી હતી, 58 % લોકો ટેક્સ ભરવા માટે તૈયાર નથી.
• માત્ર 24% ડિલિવરી ગીગ વર્કર્સે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કર્યું છે. એવરેજ રોકાણ છે દર મહિને 1,000 થી 3,000 રૂપિયા.
• માત્ર 23% ડિલિવરી ગીગ વર્કર્સ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. રોકાણ કરનારા પૈકીના 71% વર્કર્સ માસિક 500 થી 1,000 રૂપિયાનું રોકાણ કરે છે.
• 26% ડિલિવરી ગીગ વર્કર્સ શેરબજારમાં સીધું રોકાણ કરે છે. એમાંના લગભગ અડધા બ્લુ-ચિપ શેરોને પસંદ કરે છે. બાકીના IPO અથવા પેની સ્ટોક્સ પર પસંદગી ઉતારે છે.
• સર્વેમાં સમાવેશ પામેલા ડિલિવરી ગીગ વર્કર્સ પૈકીના 62% પાસે જીવન વીમો નથી.
ફ્રીલાન્સર અને ગીગ વર્કર વચ્ચે શું તફાવત છે?
ફ્રીલાન્સર્સ અને ગીગ વર્કર્સ વચ્ચેનો મુખ્ય તફાવત છે તેમની કામ કરવાની પદ્ધતિ અને એ બાબતની સ્વતંત્રતામાં. ફ્રીલાન્સર્સ પોતાની રીતે પોતાના કામના કલાકો નક્કી કરે છે, મહેનતાણા માટે ક્લાયન્ટ સાથે પોતે જ વાટાઘાટ કરે છે અને પોતાનો રોજગાર/વ્યવસાય એકલે હાથે વિકસાવે છે. જ્યારે કે ગીગ વર્કર્સે જે-તે કંપની કે પ્લેટફોર્મ દ્વારા સેટ કરાયેલા ‘ફ્રેમ વર્ક’(માળખા)માં કામ કરવાનું હોય છે. એટલે એમ કહી શકાય કે ફ્રીલાન્સર તેમનું કામ જેટલા ‘ફ્રી’ રહીને, સ્વતંત્રતાથી કરી શકે છે, એટલી સ્વતંત્રતા ગીગ વર્કર્સને નથી હોતી.