નવા શિખરો સર કરતું ભારતીય શેરબજાર

- સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૮૨૦૦૦ ક્રોસ, અંતે ૧૨૬ પોઈન્ટ વધીને ૮૧૮૬૭

- નિફટી ૨૫૦૦૦નો પડાવ પાર કરી અંતે ૬૦ પોઈન્ટ વધીને ૨૫૦૧૧ની નવી ટોચે

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
નવા શિખરો સર કરતું ભારતીય શેરબજાર 1 - image


ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્વના ભણકારા વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત તેજી

મુંબઈ : ઈઝરાયેલ દ્વારા હમાસના ટોચના કમાન્ડરોના ઢીમ ઢાળી દેવાયાના પરિણામે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ગમે તે ઘડીએ યુદ્વના ભણકારાંએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં સાવચેતીમાં નરમાઈથી વિપરીત ભારતીય શેર બજારોમાં વિક્રમોની હારમાળા સર્જાવાનું ચાલુ રહી આજે નિફટીએ ૨૫,૦૦૦નો પડાવ પાર કર્યા સાથે સેન્સેક્સે ઈન્ટ્રા-ડે ૮૨૦૦૦ની સપાટી કુદાવી નવો ઈતિહાસ રચ્યો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો  (એફપીઆઈઝ)ની શેરોમાં સતત ઉછાળે વેચવાલી અટકી આજે ખરીદી નીકળ્યા સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી નીકળ્યા હતી. ચોમાસાની સારી પ્રગતિ સાથે કોર્પોરેટ પરિણામોના આકર્ષણ અને એનડીએ સરકાર દ્વારા વધુ આર્થિક સુધારાની અપેક્ષાએ ફોરેન ફંડોની ખરીદીએ આજે ઈન્ડેક્સ બેઝડ ઐતિહાસિક તેજીની આગેકૂચ રહી હતી.

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૮૨૧૨૯ નવી ટોચ બનાવી 

સેન્સેક્સે ઈન્ટ્રા-ડે ૩૮૮.૧૫ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૮૨૧૨૯.૪૯ની નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યા બાદ અંતે ૧૨૬.૨૧ પોઈન્ટ વધીને ૮૧૮૬૭.૫૫ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ પણ આજે ૨૫,૦૦૦ની સપાટી કુદાવી ઈન્ટ્રા-ડે ૨૫,૦૭૮.૩૦ની નવી ટોચ બનાવી અંતે ૫૯.૭૫ પોઈન્ટ વધીને ૨૫૦૧૦.૯૦ની ઐતિહાસિક નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો.  ઓઈલ-ગેસ, હેલ્થકેર, મેટલ શેરોમાં તેજી સામે કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી વધતી જોવાઈ હતી.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૮૮ તૂટયો 

કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૮૮.૯૭ પોઈન્ટ તૂટીને ૭૪૭૫૧.૧૫ બંધ રહ્યો હતો. ટીટાગ્રહ વેગન રૂ.૫૮.૦૫ તૂટીને રૂ.૧૫૭૧.૬૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૪૬૭.૭૫ તૂટીને રૂ.૧૫,૧૬૬.૦૫, મઝગાંવ ડોક રૂ.૧૩૬.૫૦ ઘટીને રૂ.૫૧૦૭.૩૫, શેફલર રૂ.૧૦૬.૧૦ ઘટીને રૂ.૪૧૬૧.૬૫,  એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૧૧.૫૦ ઘટીને રૂ.૪૫૧૫.૧૦, ભેલ રૂ.૭.૧૫ ઘટીને રૂ.૩૦૮.૩૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૧૦.૫૦ ઘટીને રૂ.૪૮૧૧.૯૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોનું આજે પ્રોફિટ બુકિંગ કરતાં મોટું ધોવાણ થતું જોવાયું હતું. અશોક લેલેન્ડ રૂ.૭.૧૫ ઘટીને રૂ.૨૪૯.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૮ ઘટીને રૂ.૨૮૨૯.૨૦, હીરો મોટોકોર્પ રૂ.૧૨૩.૬૦ તૂટીને રૂ.૫૩૬૯.૮૫, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૫૧૨.૭૫, બોશ રૂ.૬૦૯.૮૦ ઘટીને રૂ.૩૪,૩૬૦.૩૦, એમઆરએફ રૂ.૨૦૯૩.૦૫ ઘટીને રૂ.૧,૪૦,૨૧૯.૯૫, ટાટા મોટર્સ રૂ.૧૧.૭૫ ઘટીને રૂ.૧૧૪૪.૬૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૩૯.૦૫ ઘટીને રૂ.૩૮૧૩.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૭૦.૭૩ પોઈન્ટ ઘટીને ૫૯૭૧૪.૭૧ બંધ રહ્યો હતો.

ઓઇલ શેરોમાં તેજી

ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ટેન્શન વધતાં મજબૂતીએ વધી આવ્યાની નેગેટીવ અસરે ઓઈલ માર્કેટીંગ પીએસયુ શેરોમાં વેચવાલી રહી હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૨૧.૭૦ વધીને રૂ.૫૯૯.૦૫, ઓએનજીસી રૂ.૭.૪૫ વધીને રૂ.૩૪૧.૭૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧.૪૫ વધીને રૂ.૩૦૩૧.૭૦ રહ્યા હતા. ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૧.૮૫ ઘટીને રૂ.૧૭૯.૭૫, એચપીસીએલ રૂ.૧.૨૫ ઘટીને રૂ.૩૯૧.૩૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગે 

સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં આજે ઉછાળે સાવચેતીમાં ફંડો, ખેલંદાઓનું પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૩૬ અને વધનારની સંખ્યા ૧૫૨૪ રહી હતી.

રોકાણકારોની સંપતિ ઘટી

શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સામે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં વેચવાલી નીકળતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૭૬ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૧.૬૨ લાખ કરોડ રહી ગયું હતું.

FIIની રૂ.૨૦૮૯ કરોડની  ખરીદી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  બુધવારે કેશમાં શેરોમાં રૂ.૨૦૮૯.૨૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૧૭,૮૬૦.૨૨  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૭૭૦.૯૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૩૭.૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી  થઈ હતી. કુલ રૂ.૧૩,૯૫૬.૪૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૨૯૩.૪૩ કરોડની વેચવાલી થઈ હતી.


sensex

Google NewsGoogle News