સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, બેન્કિંગ શેરોમાં આકર્ષક ખરીદી, જાણો તેજી પાછળના કારણો
Stock Market Today: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વૉર હાલ પૂરતો સ્થગિત કરતાં શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 765.07 પોઈન્ટ ઉછળ્યો હતો. બેન્કિંગ શેરોમાં પણ મોટાપાયે ખરીદી જોવા મળી છે.
રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી
નિફ્ટી50માં 23500નો મજબૂત સપોર્ટ જોવા મળ્યો હતો. જે 10.37 વાગ્યે 116.40 પોઈન્ટના ઉછાળે 23477.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા બે-ત્રણ ટ્રેડિંગ સેશનમાં ઓઈલ-ગેસ, પાવર, અને એનર્જી શેરોમાં મોટા કડાકા બાદ આજે સુધારા તરફી વલણ જોવા મળ્યું છે. BSE ખાતે રોકાણકારોની મૂડી રૂ.3 લાખ કરોડ વધી છે.
તેજી પાછળના કારણો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાનો નિર્ણય સ્થગિત કર્યો હોવાની જાહેરાત કરી છે. વધુમાં ચીન સાથે પણ વેપાર મુદ્દે વાતચીત કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. કેનેડા અને મેક્સિકો સાથે પણ ટેરિફના બદલે વાતચીતના માધ્યમથી ઉકેલ લાવવાની સંભાવના વ્યક્ત કરી છે. જેથી વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી છે. સ્થાનિક સ્તરે બજેટમાં સકારાત્મક સુધારાઓ અને જીડીપી ગ્રોથમાં મુખ્ય ભૂમિકા ભજવતાં એમએસએમઈ-કૃષિ ક્ષેત્રલક્ષી જાહેરાતોની અસર જોવા મળી છે. આરબીઆઈ મોનેટરી પોલિસીમાં વ્યાજદરોમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી સંભાવના વ્યક્ત થઈ છે.
રૂપિયો ઉછળ્યો
ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં રૂપિયામાં તેજી આવી છે. ગઈકાલે રૂપિયો ઓલટાઈમ લો 87.18ના તળિયે પહોંચ્યા બાદ આજે ઉછળ્યો છે. આજે ડોલર સામે રૂપિયો 87ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ મુદ્દે જાહેરાતના પગલે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે.
આ સેક્ટર્સમાં તેજી
શેરબજારના મોર્નિંગ સેશનમાં એનર્જી, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર્સમાં વોલ્યૂમ વધતાં ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછળ્યા છે. બેન્કિંગ ઈન્ડેક્સ પણ 0.98 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી50માં ટાટા મોટર્સ 2.51 ટકા, લાર્સન એન્ડ ટ્રુબો 2.47 ટકા, હિન્દાલ્કો 2.38 ટકા, ઓએનજીસી 1.85 ટકા, ભારત ઈલેક્ટ્રોનિક્સ 1.84 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ટ્રેન્ટ 5.59 ટકા, પાવરગ્રીડ 1.73 ટકા, આઈટીસી હોટલ્સ 1.69 ટકા, આઈટીસી 1.22 ટકા, અને એપોલો હોસ્પિટલ 1.20 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે.