ટ્રમ્પના ટેરિફ કહેરના કારણે ડૉલર કડડભૂસ, રૂપિયો ત્રણ માસની ટોચે પહોંચ્યો, ભારતને ફાયદો થશે!
Dollar Vs Rupee: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાગુ કરતાં ડૉલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઇલ કડડભૂસ થયા છે. જેનો સીધો લાભ ભારતીય રૂપિયાને થયો છે. આજે ડૉલર સામે રૂપિયો 40 પૈસા સુધરી 85ની સપાટી અંદર પહોંચ્યો હતો. આ સાથે ભારતીય રૂપિયો આજે ડૉલર સામે ત્રણ માસની ટોચે નોંધાયો છે.
ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો 85.04 પર ખૂલ્યા બાદ ઘટી 84.99 થયો હતો. જે પાછલા સેશનમાં 85.44ના લેવલની તુલનાએ 40 પૈસાનો સુધારો દર્શાવે છે. ડિસેમ્બર, 2024 બાદ ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય 85 અંદર નોંધાયું છે.
મંદીની ભીતિથી ડૉલરમાં ગાબડું
ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે મંદીના વાદળો ઘેરા બન્યા છે. જેના કારણે ડૉલર ઇન્ડેક્સ સપ્ટેમ્બર, 2024 બાદની સૌથી નીચી સપાટી 101.73 પર પહોંચ્યો છે. જે માર્ચમાં 2.39 ટકા ઉછળ્યા બાદ છેલ્લા પાંચ દિવસમાં 2.16 ટકા તૂટ્યો છે. ડૉલર ઇન્ડેક્સે હાલમાં જ 110.18ની રૅકોર્ડ ટોચ નોંધાવી હતી. ટ્રમ્પની ટેરિફની જાહેરાત બાદથી ડૉલર છેલ્લા 15 દિવસમાં સતત ગગડી રહ્યો છે. જેના કારણે હાલ તે વાર્ષિક ધોરણે 6.16 ટકા અને ત્રિમાસિક ધોરણે 6.57 ટકાનો કડાકો નોંધાવ્યો છે.
ક્રૂડમાં કડાકો
ક્રૂડ ઓઇલની કિંમતો પણ કડડભૂસ થઈ છે. ઓપેક+ના ઉત્પાદન વધારવાના નિર્ણય વચ્ચે ટ્રમ્પે ટેરિફ લાદતાં ક્રૂડ ઓઇલ છ ટકા સુધી તૂટ્યું છે. ગઈકાલે બ્રેન્ટ ફ્યુચર્સ ક્રૂડ 6.42 ટકા તૂટી 70.14 ડૉલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યું હતું. આજે વધુ 1.54 ટકાના કડાકા સાથે 69.15 ડૉલર પર ટ્રેડ થઈ રહ્યું છે. ભારત પોતાની જરૂરિયાતના 80 ટકાથી વધુ ક્રૂડ આયાત કરે છે. ક્રૂડના ભાવોમાં ઘટાડો અને ડૉલરમાં પણ ગાબડાંના કારણે ભારતની ફોરેક્સ બચતમાં વધારો થવાની શક્યતા છે.
એલકેપી સિક્યુરિટીના રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદીએ જણાવ્યું કે, ડૉલરની તુલનાએ રૂપિયામાં ઝડપી રિકવરી જોવા મળી છે. વૈશ્વિક સંકેતો અને એફઆઇઆઇના પ્રવાહના કારણે ડૉલર સામે રૂપિયો 85-85.90ની રેન્જમાં રહેશે.
ભારતને ફાયદો
ડૉલર સામે રૂપિયો મજબૂત બનતાં આયાતો સસ્તી થશે. જો કે, અમેરિકાથી આયાત કરવા પર લાગુ 26 ટકા રેસિપ્રોકલ ટેરિફનો બોજો ભારતીય આયાતકારો પર પડશે. ઓટોમોબાઇલ, ઈલેક્ટ્રોનિક્સ, એગ્રી, ક્રૂડ, મેટલ્સની આયાત સસ્તી થશે. ઉલ્લેખનીય છે, વૈશ્વિક વેપાર માટે ડૉલર મુખ્ય કરન્સી સ્વરૂપે કાર્ય કરે છે.