ભારતની આર્થિક વૃદ્ધિ 2024માં 6.2 ટકાના દરે થશે, સંયુક્ત રાષ્ટ્રમાં મોટો દાવો
દક્ષિણ એશિયામાં 2024માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 5.2 ટકા વધવાનો અંદાજ
UN Report on Indian economy : ભારતીય અર્થવ્યવસ્થાએ છેલ્લા કેટલાક વર્ષોમાં સારુ પ્રદર્શન કરતા દેશની આર્થીક વૃદ્ધિ (economic Growth) સતત 6 ટકાથી ઉપર રહી છે ત્યારે યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ (WESP)ના એક રિપોર્ટમાં જાહેર કર્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે.
આર્થિક વૃદ્ધિ દર 6.2 ટકા રહેવાની સંભાવના : રિપોર્ટ
આ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં મજબૂત સ્થાનિક માંગ અને ઉત્પાદન તેમજ સેવા ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિને કારણે 2024માં આર્થિક વૃદ્ધિ દર 6.2 ટકા રહેવાની સંભાવના છે જ્યારે દક્ષિણ એશિયામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 5.2 ટકા વધવાનો અંદાજ છે. આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર અર્થતંત્રને મજબૂતી આપવાનું ચાલુ રાખશે, જો કે અનિયમિત વરસાદની પેટર્નથી કૃષિ ઉત્પાદનને અસર થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.
ભારતમાં 2023માં રોકાણ મજબૂત રહ્યું
આ રિપોર્ટ અનુસાર વિકસિત અર્થવ્યવસ્થાઓની તુલનામાં વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં રોકાણ વધુ મજબૂત રહ્યું છે જો વર્ષ 2023ની વાત કરવામાં આવે તો દક્ષિણ એશિયામાં ખાસ કરીને ભારતમાં રોકાણ મજબૂત રહ્યું હતું. આ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જળવાયું પરિવર્તન સંબંધિત ઘટનાઓથી 2023માં દક્ષિણ એશિયાના ક્ષેત્રને ઘણુ નુકસાન પહોંચાડ્યું છે.