અર્થવ્યવસ્થાના મોરચે ભારતની વૃદ્ધિ ચાલુ રહેશે, NSOએ જાહેર કર્યા આંકડા
સરકારનું અનુમાન નાણાકીય વર્ષ 2023-24માં દેશની અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે વૃદ્ધિ પામશે
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે વાર્ષિક GDP વૃદ્ધિના આગોતરા અંદાજો જાહેર કર્યા છે
Indian Economy: સરકારે GDP બાબતે આગોતરા અંદાજ જાહેર કર્યા છે. જેમાં અનુમાન લગાવ્યા છે કે દેશ અર્થવ્યવસ્થામાં ભવિષ્યમાં પણ વૃદ્ધિ કરતો રહેશે જ. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (CSO) એ શુક્રવારે વાર્ષિક GDP વૃદ્ધિનો પ્રથમ એડવાન્સ અંદાજ જાહેર કર્યો હતો. આ મુજબ નાણાકીય વર્ષ 2023-24માં દેશની અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે વૃદ્ધિ કરશે. જીડીપીનો એડવાન્સ અંદાજ ડેટા જાહેર કરતા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે જણાવ્યું હતું કે દેશની જીડીપી 2023-24માં રૂ. 171.79 લાખ કરોડ રહી શકે છે, જે 2022-23માં રૂ. 160.66 લાખ કરોડ રૂ હતી. આનો અર્થ એ થયો કે વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીમાં 7.3 ટકાનો વૃદ્ધિ દર જોવા મળશે, જે 2022-23માં 7.2 ટકા જોવા મળ્યો હતો.
આ વર્ષે વધુ વૃદ્ધિનો અંદાજ
નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપીનો પ્રોવિઝનલ અંદાજ 31 મે, 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ગત નાણાકીય વર્ષમાં તે 7.2 ટકા હતો. નાણાકીય વર્ષ 2023-24માં વર્તમાન કિંમતો પર જીડીપી રૂ. 296.58 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જ્યારે 31 મે, 2023ના રોજ જાહેર કરાયેલા વર્ષ 2022-23 માટેના કામચલાઉ અંદાજ મુજબ, જીડીપી રૂ. 272.41 લાખ કરોડ હતી.
કેટલી થશે GDP?
તાજેતરની નાણાકીય નીતિ સમીક્ષામાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2023-24 માટે જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકાથી વધારીને 7 ટકા કર્યો હતો. હવે સરકારે દેશના જીડીપી ગ્રોથનો અંદાજ રિઝર્વ બેંક કરતા વધારે મુક્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માટે રાષ્ટ્રીય આવકનો પ્રથમ આગોતરો અંદાજ બહાર પાડતા, NSOએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં, 2011-12ના સ્થિર ભાવે વાસ્તવિક GDP રૂ. 171.79 લાખ કરોડના સ્તરે પહોંચવાનો અંદાજ છે.