ભારતીય બેંકોમાં ક્રેડિટ સુઈસ, સિલિકોન વેલી બેંક જેવું જોખમ નથી
- તમામ બેંકોએ વ્યાજ દરોના જોખમની પરીક્ષા પાસ કરી
- RBIના બેંકિંગ સ્ટ્રેસ ટેસ્ટમાં ખુલાસો
અમદાવાદ : અમેરિકાની નાના કદની બેંકોના ફિયાસ્કા બાદ યુરોપના બેંકિંગ સેક્ટર પર તેના કારણે આવેલી આફતથી ભારતીય અર્થતંત્ર અને બેંકિંગ સેક્ટર પર ચોંકી ઉઠયાં હતા પરંતુ સફાળે જાગેલી આરબીઆઈ અને સરકારે બેંકોના આર્થિક સ્ટેટસ રિપોર્ટ મંગાવીને જોખમ ચકાસ્યા હતા.
નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થતંત્રની સમીક્ષા કરવા માટે એફએસડીસીની એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિત અન્ય નાણાકીય નિયમનકારોના વડાઓએ પણ ભાગ લીધો હતો. આ મીટિંગમાં આરબીઆઈએ કહ્યું કે ભારતીય બેંકોનો સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવ્યો છે. સ્ટ્રેસ ટેસ્ટ મુજબ બેંકોમાં કોઈ જોખમ નથી. આરબીઆઈના જણાવ્યા અનુસાર તમામ બેંકોએ વ્યાજ દરોના જોખમની પરીક્ષા પાસ કરી છે.
આરબીઆઈએ જણાવ્યું કે યિલ્ડમાં ૩૦૦ બીપીએસ સુધીનો ફેરફાર કરીને ટેસ્ટ કરવામાં આવ્યો હતો છતા તમામ બેંકોએ વ્યાજ દરોની જોખમની કસોટી પાર કરી છે. આરબીઆઈએ કહ્યું કે ન્યૂનતમ મૂડીની જરૂરિયાતથી ઓછી કોઈ બેંક પાસે નથી. આરબીઆઈએ માહિતી આપી કે સ્ટ્રેસ ટેસ્ટ હેલ્ડ ટુ મેચ્યોરિટીના આધારે કરવામાં આવ્યો હતો.
ક્રેડિટ સુઈસ, એસવીબી કટોકટી પછી આરબીઆઈએ ભારતીય બેંકોની ચકાસણી કરી છે. તેમાં આરબીઆઈએ નોંધ્યું કે ભારતીય બેંકોમાં ક્રેડિટ સુઈસ, એસવીબી જેવા કોઈ જોખમ નથી. આ સિવાય હાલમાં પણ રેગ્યુલેટર તમામ બેંકો અને ટોચની ૧૦૦ એનબીએફસી પર ચાંપતી નજર રાખી રહી છે.