અમેરિકાને ખૂશ કરવા ભારત ત્યાંથી સફરજનની આયાત કરશે
- ઊંચી વેપાર પુરાંતથી અમેરિકા ભારત પ્રત્યે નારાજ
મુંબઈ : અમેરિકા સાથેની વેપાર પુરાંત ઘટાડી તેને ખૂશ કરવાના પ્રયાસમાં ભારત હવે અમેરિકા ખાતેથી સફરજનની આયાતમાં વધારો કરવા વિચારી રહ્યું હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
જે દેશો સાથે ભારતના મોટા વેપાર વ્યવહાર નથી તે દેશો ખાતેથી આયાત ઘટાડી તે પ્રોેડકટસની આયાત અમેરિકા ખાતેથી વધારવા ભારત વિચારણા કરી રહ્યું છે જેથી વેપાર પુરાંતમાં ઘટાડો કરી શકાય. નાણાં વર્ષ ૨૦૨૪માં ભારતની અમેરિકા સાથેની વેપાર પુરાંત ૩૫.૩૩ અબજ ડોલર રહી હતી.
વેપાર વ્યવહાર સમતુલિત રહે તેવા અમેરિકાના આગ્રહને ધ્યાનમાં રાખી ભારત તેની વિદેશ વેપાર નીતિમાં બદલાવ લાવવા અભ્યાસ કરી રહ્યું હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.
દેશની સફરજનની માગ ઘરઆંગણેથી ઉપરાંત આયાત દ્વારા ભારત પૂરી કરે છે. સફરજનની આયાત ભારત મુખ્યત્વે તુર્કી તથા ન્યુઝીલેન્ડ ખાતેથી કરે છે.
વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં ભારતે ૩૦.૦૭ કરોડ ડોલરના સફરજનની આયાત કરી છે જેમાંથી ૬.૫૨ કરોડ ડોલરના સફરજન તુર્કી ખાતેથી આયાત કરાયા છે.