Good News: આગામી એક દાયકામાં 10 લાખ કરોડ ડોલરની ઈકોનોમી બનશે ભારત

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
Good News: આગામી એક દાયકામાં 10 લાખ કરોડ ડોલરની ઈકોનોમી બનશે ભારત 1 - image


- ભારતની ડિજિટલ ઈકોનોમી બાકીની દુનિયાથી બમણી ઝડપથી વધી રહી છે: બ્રેન્ડે

નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી 2024, મંગળવાર

મંદી, ભૌગોલિક-રાજકીય તણાવ અને નબળું પડતું વૈશ્વિક રોકાણ ચક્ર છતાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અધ્યક્ષ બોર્ગે બ્રેન્ડે ભારતની ભારતની વિકાસ યાત્રા પ્રત્યે આશ્વસ્ત નજર આવ્યા છે. સોમવારથી દાવોસમાં શરૂ થયેલા 54મા વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પાંચ દિવસીય આયોજનના પ્રથમ દિવસે મીડિયા સાથે વાતચીત કરતા બ્રેન્ડે કહ્યું કે તમામ પડકારો વચ્ચે વર્તમાન વર્ષમાં ભારતની ગ્રોથ રેટ 8% રહી શકે છે. બ્રેન્ડે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, હું ભારતને એક દાયકામાં અથવા આગામી બે દાયકામાં 10 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનતું જોઈ રહ્યો છું.

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને ખતમ કરાવવામાં ભારત કેન્દ્રીય ભૂમિકા ભજવી શકે

દાવોસમાં ભારતની મહત્વની હાજરીને રેખાંકિત કરતા બ્રેન્ડેએ કહ્યું કે, અહીં હાજર ભારતના ત્રણ કેન્દ્રીય મંત્રીઓની બેઠક સ્થળોની બહાર પણ મુલાકાત કરનારાઓની લાંબી કતારો જોવા મળી રહી છે જ્યારે અંદર પહેલાથી જ 100 લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખી અમે ભારતીય પ્રતિનિધિઓને ચર્ચા માટે એક મોટો રૂમ આપવા પર વિચાર કરી રહ્યા છીએ. બીજી તરફ દાવોસમાં એકઠા થયેલા 83 દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ પણ કહ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને ખતમ કરાવવામાં ભારત કેન્દ્રીય ભૂમિકા ભજવી શકે છે.

ભારતની ડિજિટલ ઈકોનોમી બમણી ઝડપથી વધી રહી છે

ભારતની અર્થવ્યવસ્થાની પ્રશંસા કરતા WEFના અધ્યક્ષ બ્રેન્ડે કહ્યું કે, ભારતની ડિજિટલ ઈકોનોમી બાકીની દુનિયાથી બમણી ઝડપથી વધી રહી છે. બ્રેન્ડે કહ્યું કે, ભારત પોતાની ડિજિટલ અર્થવ્યવસ્થા અને સેવાઓની નિકાસને કારણે વિશ્વમાં એક અગ્રણી અને મહત્વપૂર્ણ દેશ બની ગયો છે. પરંતુ ભારતે શિક્ષણ, લાલફીતાશાહી અને ફન્ડિંગ સાથે સંબંધિત સુધારા ચાલુ રાખવા પડશે. બ્રેન્ડેએ કહ્યું કે, જો ભારતનો વેપાર ફરીથી વધે છે અને 2025માં ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થામાંથી થોડી મદદ મળે તો ભારત મધ્યમથી લાંબા ગાળામાં 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે છે.


Google NewsGoogle News