ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારતને થશે અસર, જાણો બંને દેશો સાથે કેવા વેપાર સંબંધો?
Iran-Israel War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની વણસી રહેલી સ્થિતિથી વિશ્વ ચિંતામાં મુકાયું છે. વૈશ્વિક સ્તરે પડકારો વધ્યા છે. જેની ભારત પર પણ અસર થવાની ભીતિ વર્તાઈ રહી છે. બંને દેશો સાથે ભારત મોટાપાયે વેપાર સંબંધો ધરાવે છે. જો કે, ઈરાન સાથે દ્વિપક્ષીય વેપાર છેલ્લા થોડા વર્ષથી ઘટ્યો છે.
પેટ્રોલમાં મોટો વધારો નહિં
થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (GTRI) અનુસાર, મધ્ય પૂર્વના તણાવને કારણે ભારતમાં પેટ્રોલના ભાવમાં કોઈ મોટો વધારો થવાની કોઈ શક્યતા નથી. જોકે, રેડ સી વોરના કારણે થોડી અસર થઈ શકે છે. રેડ સી યુરોપ અને એશિયાને જોડતા મહત્વપૂર્ણ વેપાર માર્ગ પર સ્થિત છે. લગભગ 12 ટકા વૈશ્વિક વેપાર આ માર્ગ પર નિર્ભર છે. જેથી આયાતો પર અસર થશે.
નવેમ્બર 2023થી, યમનના હુથી બળવાખોરોએ આ પ્રદેશમાંથી પસાર થતા કેટલાક જહાજો પર ગોળીબાર કર્યો છે. તે ગાઝામાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીના વિરોધમાં છે. ઈઝરાયેલે ઈરાન પર હુથીઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે.
સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ઉત્પાદનમાં મોટા વિક્ષેપની અપેક્ષા નથી કારણ કે યુએસ, રશિયા અને નોર્થ સી ઓપરેટર્સ જેવા મોટા ઉત્પાદકો સંઘર્ષના ક્ષેત્રમાં નથી. સાઉદી અરેબિયા પણ સીધી રીતે સામેલ છે.
ઈઝરાયલ સાથે વેપાર બમણો થયો
ભારત અને ઈઝરાયલ વચ્ચે વેપાર છેલ્લા પાંચ વર્ષમાં બમણો થયો છે. ભારતે 1992માં ઈઝરાયલ સાથે રાજકીય સંબંધ સ્થાપિત કર્યા ત્યારથી અત્યારસુધીમાં વેપાર 20 કરોડ ડોલરથી વધી 2022-23માં 10.7 અબજ ડોલરે પહોંચ્યો છે. જે છેલ્લા 4 વર્ષમાં 5.56 અબજ ડોલરની તુલનાએ બમણો થયો છે. વિદેશ મંત્રાલય અનુસાર, ભારત એશિયામાં ઈઝરાયલનો બીજો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે.
ઈઝરાયલમાં આ વસ્તુઓની આયાત-નિકાસ
ઈઝરાયલમાં ભારતમાંથી ડિઝલ, હિરા, વિમાન ટર્બાઈન ફ્યુલ, રડાર ઉપકરણ, બાસમતી ચોખા, ટી-શર્ટ અને ઘઉંની નિકાસ થાય છે. કુલ નિકાસમાં ડિઝલ અને હીરાનો હિસ્સો 78 ટકા છે. ભારત ઈઝરાયલમાંથી અંતરિક્ષ ઉપકરણ, પોટેશિયમ ક્લોરાઈડ, મિકેનિકલ એપ્લાયન્સિંસ, થ્રસ્ટનો ટર્બો જેટ અને પ્રિન્ટેડ સર્કિટ જેવી વસ્તુઓની આયાત કરે છે.
ઈરાન સાથે ભારતનો વેપાર ઘટ્યો
છેલ્લા પાંચ વર્ષમાં ઈરાન સાથે ભારતનો વેપાર ઘટ્યો છે. જો કે, 2022-23માં દ્વિપક્ષીય વેપાર વધી 2.33 અબજ ડોલરનો વેપાર થયો હતો. જે 2021-22ની તુલનાએ 21.77 ટકા વધ્યો છે. અમેરિકાએ ઈરાન પર વિવિધ પ્રતિબંધો લાદી લેતાં ઈરાન સાથેનો વેપાર 9.10 ટકાથી 72 ટકા સુધી ઘટ્યો છે. 2018-19માં 17 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર કરતો હતો.
ઈરાન અને ભારત વચ્ચે જારી વેપાર
ભારત ઈરાનમાં કૃષિ અને તે સંબંધિત ચીજોની નિકાસ કરે છે. જેમાં માંસ, સ્કિમ્ડ મિલ્ક, છાશ, ઘી, ડુંગરી, લસણ, શાકભાજી સામેલ છે, જ્યારે ઈરાનમાંથી મિથાઈલ આલ્કોહોલ, પેટ્રોલિયમ બિટુમેન, લિક્વિફાઈડ બ્યૂટેન, લિક્વિફાઈડ પ્રોપેન, ખજૂર અને બદામની આયાત કરે છે.