ટ્રમ્પના ટેરિફ વૉર બાદ એક્શનમાં મોદી સરકાર, તમામ બેઠકો રદ કરી અચાનક અમેરિકા રવાના થયા કેન્દ્રીય મંત્રી
India-US Trade Relations : અમેરિકાએ તાજેતરમાં જ ભારત સાથે ટેરિફ વિવાદ છંછેડ્યા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. બે સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારે અમેરિકા સાથે વેપાર વાતચીત આગળ વધારવા માટે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને તાત્કાલિક અમેરિકા મોકલ્યા છે. અમેરિકાએ ટેરિફનો મુદ્દો ઉછાળ્યા બાદ ગોયલનો યુએસ પ્રવાસ નિર્ધારિત કરાયો છે. અધિકારીઓએ કહ્યું કે, ઉદ્યોગ મંત્રી ગોયલની યાત્રાનું તાત્કાલિક આયોજન કરવામાં આવ્યું છે. આઠ માર્ચ પહેલા ગોયલની દેશમાં અનેક બેઠકો યોજાવાની હતી, જોકે તેઓ તમામ બેઠકો રદ કરીને અમેરિકા રવાના થયા છે.
યુએસ રવાના થયેલા ગોયલ આ મુદ્દે કરી શકે છે ચર્ચા
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ (Piyush Goyal) ટેરિફના કારણે ભારત પર પડનારા પ્રભાવનું આકલન કરવા માટે અમેરિકાની પારસ્પરિક ટેરિફ વ્યૂહનીતિ પર સ્પષ્ટતા માંગશે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ગોયલ ટેરિફ ઘટાડવાના તેમજ દ્વિપક્ષીય વેપાર આગળ વધારવાના પ્રયાસોની સાથે સંભવિત ભારતીય છૂટછાટ અને વેપાર ડીલ અંગે ચર્ચા કરી શકે છે.
અમેરિકા ભારતનો સૌથી મોટો ભાગીદાર દેશ
ઉલ્લેખનીય છે કે, અમેરિકા ભારતનો સૌથી મોટો ભાગીદાર દેશ છે. બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર જાન્યુઆરી સુધીના 10 મહિનામાં દર વર્ષે લગભગ 8 ટકા વધી 108 બિલિયન ડૉલર પર પહોંચી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો અમેરિકા ટેરિફ વધારશે તો ભારતના કેમિકલ્સ, મેટલ પ્રોડક્ટ્સ, જ્વેલરી, ઓટોમોબાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ફૂડ પ્રોડક્ટ્સ પર ખરાબ અસર પડી શકે છે.
આ પણ વાંચો : ઔરંગઝેબના કારણે I.N.D.I.A. ગઠબંધનમાં તિરાડ! આદિત્ય ઠાકરેની માંગ- સપા નેતાની કરો ધરપકડ
PM મોદીએ ગત મહિને ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી
વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ગત મહિને અમેરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે દ્વિપક્ષીય બેઠક યોજાયા બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ભારત અને અમેરિકાનો વેપાર 2030 સુધીમાં બમણો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત આવવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
ટેરિફ વૉરથી ભારતને 7 બિલિયન ડૉલરનું નુકસાન થવાનું અનુમાન
ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલથી ભારત સહિત વેપારી ભાગીદારો પર પાસ્પરિક ટેરિફ લાદવાનો પ્રસ્તાવ કર્યો છે, જેના કારણે ભારતીય નિકાસકારો ખાસ કરીને ઑટો સેક્ટરથી લઈને ખેડૂતો ચિંતિત થયા છે. સિટી રિસર્ચના વિશ્લેષકોએ અંદાજ લગાવ્યો છે કે, આ ટેરિફ વૉરના કારણે વાર્ષિક લગભગ સાત બિલિયન ડૉલરનું નુકસાન થઈ શકે છે.