અમેરિકા બાદ ભારત પણ ચીનને આપશે ઝટકો, ડ્રેગનના આ ઉદ્યોગને પડશે મોટો ફટકો
India Temporary Tariff On China: અમેરિકા બાદ ભારત પણ ચીન પર કામચલાઉ ધોરણે ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યું હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ચીન અને અન્ય દેશોમાંથી થઈ રહેલી સ્ટીલની સસ્તી આયાત પર કાબુ મેળવવા કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં ચીનમાંથી સ્ટીલની આયાત પર 12 ટકા ટેમ્પરરી ટેરિફ લાદવાની જાહેરાત કરશે. આ ટેરિફ લાગુ કરવાનો ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જેને સેફગાર્ડ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે છે.
ભારત વિશ્વનો બીજો ક્રૂડ સ્ટીલ ઉત્પાદક છે. તેમ છતાં ચીન અને અન્ય દેશોમાંથી સ્ટીલ સસ્તુ મળતું હોવાથી ભારતે 2024-25માં 95 લાખ મેટ્રિક ટન ફિનિશ્ડ સ્ટીલની ચોખ્ખી આયાત નોંધાવી હતી. જે નવ વર્ષની ટોચે છે. દેશની કુલ સ્ટીલ આયાતમાં ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનનું યોગદાન 78 ટકા રહ્યું છે. આયાતમાં વૃદ્ધિના કારણે દેશની નાની અને મધ્યમ સ્ટીલ કંપનીઓ ઉત્પાદન ઘટાડવા તેમજ રોજગારીમાં કાપ મૂકવા મજબૂર બની છે. જેથી કેન્દ્ર સરકારે ચીન પર 200 દિવસ માટે સ્ટીલની આયાત પર 12 ટકા ડ્યુટી લાગુ કરવા નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક
DGTRએ કરી ભલામણ
ગયા વર્ષે ડિસેમ્બરમાં, DGTR એ તપાસ શરૂ કરી હતી કે શું સસ્તા સ્ટીલની આયાત સ્થાનિક કંપનીઓને નુકસાન પહોંચાડી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે વિદેશી સ્ટીલના કારણે સ્થાનિક ઉદ્યોગોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. જેથી માર્ચમાં, DGTR એ 12% ટેરિફ લાદવાની ભલામણ કરી હતી. આ ભલામણ હાલ નાણા મંત્રાલયના વિચારણા હેઠળ છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર, તેનો અમલ ટૂંક સમયમાં થઈ શકે છે.
મોટી સ્ટીલ કંપનીઓને ટેરિફમાંથી રાહત
દેશની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ જેમ કે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL) અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ સરકારને સસ્તી આયાત પર નિયંત્રણ લાવવાની સતત માંગ કરી હતી. જો આ ટેરિફ લાદવામાં ન આવે તો સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને ભારે નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરી હતી. જેનાથી લાખો લોકોની નોકરીઓ જોખમમાં મુકાવાનો અંદાજ હતો.