ભારતના વિકાસની રફ્તારને બ્રેક! દોઢ વર્ષના નીચલા સ્તરે GDP ગ્રોથ રેટ
GDP Growth Down: દેશનો જીડીપી ગ્રોથ નાણાકીય વર્ષ 2024-25ના બીજા ત્રિમાસિક ગાળામાં 5.4 ટકા નોંધાવા સાથે 18 માસના તળિયે પહોંચ્યો છે. સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, અગાઉના જૂન ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6.7 ટકા નોંધાયો હતો. જે ઘટી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 5.4 ટકા થયો છે. ગતવર્ષે સમાન ગાળામાં જીડીપી ગ્રોથ 8.1 ટકા નોંધાયો હતો.
ચીનની તુલનામાં ભારત ઝડપથી ઉભરતું અર્થતંત્ર
મોંઘવારીમાં વધારો અને વપરાશમાં ઘટાડો નોંધાતા દેશનો જીડીપી ગ્રોથ મંદ પડ્યો છે. પરંતુ પાડોશી દેશોની તુલનાએ ભારત હજુ સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચીનનો જીડીપી ગ્રોથ 4.6 ટકા નોંધાયો હતો.
કૃષિ ક્ષેત્રે જીડીપીમાં વધારો
કૃષિ ક્ષેત્રનો જીડીપી વધ્યો છે. બીજા ત્રિમાસિકમાં કૃષિ ક્ષેત્રનો જીડીપી વધી 3.5 ટકા નોંધાયો છે. જે એક વર્ષ પહેલાં 1.7 ટકા હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો જીડીપી બીજા ત્રિમાસિકમાં ઘટી 2.2 ટકા થયો છે. જે ગતવર્ષે સમાન ગાળામાં 14.3 ટકા હતો.
આરબીઆઈ વ્યાજના દર સ્થિર રાખશે
બીજા ત્રિમાસિકમાં ફુગાવાના આંકડાઓ પણ વધ્યા છે. બીજી તરફ મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર નબળું પડતાં જીડીપી ગ્રોથ પણ ઘટ્યો છે. જેને ધ્યાનમાં લેતા અર્થશાસ્ત્રીઓએ આગામી મોનેટરી પોલિસીમાં પણ આરબીઆઈ વ્યાજના દર જાળવી રાખે તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે.