ભારતે IMFના દેવાના આંકડાને નકાર્યો, 2002ના સ્તર કરતા ઓછું દેવું હોવાનું જણાવ્યું
દેશ પર કુલ દેવું 205 લાખ કરોડથી વધુ થઇ ગયું છે
માર્ચ 2023માં દેશ પર કુલ દેવું 200 લાખ કરોડ રૂપિયા હતું
India rejected the IMF's debt figures : ભારત પર વધી રહેલા દેવાને લઈને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફએ એલર્ટ જાહેર કર્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પોતાના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું હતું કે આ દેવાને કારણે ભારતને લાંબાગાળાનું જોખમ વધારે છે. દેશ પર કુલ દેવું 205 લાખ કરોડથી વધુ થઇ ગયું છે. માર્ચ 2023માં દેશ પર કુલ દેવું 200 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે છેલ્લા 6 માસમાં પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું વધ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ભારત સરકાર આ ઝડપે ઉધાર લેવાનું ચાલુ રાખશે તો દેવું કુલ જીડીપીના 100 ટકા સુધી પહોંચી શકે છે. બીજી તરફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ચેતવણી પર અસમતી દર્શાવીને ભારત સરકારે જણાવ્યું હતું કે મોટા ભાગનું દેવું ભારતીય રૂપિયામાં છે જેને કારણે કોઈ સમસ્યા નથી સરકારે જણાવ્યું હતું કે અમે અપેક્ષાકૃત સારું પ્રદર્શન કર્યું છે અને અત્યારે પણ 2002ના દેવાના સ્તરથી નીચે છીએ.
ભારત સરકારે અસમતી દર્શાવતા ફેક્ટ રાખ્યા સામે
ભારત સરકારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના રિપોર્ટ પર અમુક અસમતી દર્શાવતા ફેક્ટ પણ સામે રાખ્યા છે. ભારત સરકારે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના લેટેસ્ટ આર્ટિકલ IV કન્સલ્ટેશનમાં અમુક અનુમાન લગાવવામાં આવ્યા છે જે તથ્યાત્મક સ્વરૂપથી સાચા નથી.
દ્વિપક્ષીય અને બહુપક્ષીય લેણદારોનું યોગદાન ઘણું જ લઘુત્તમ
સામાન્ય સરકારી દેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની હિસ્સેદારી સામેલ હોય છે. ભારતમાં સામાન્ય સરકારી દેવું મોટા પ્રમાણમાં ભારતીય ચલણ રૂપિયામાં જ લેવામાં આવે છે આ સંજોગોમાં દ્વિપક્ષીય અને બહુપક્ષીય લેણદારોનું યોગદાન ઘણું જ લઘુત્તમ હોય છે તે ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.
કેન્દ્ર સરકારના દેવાની સરેરાશ મેચ્યોરિટીનો સમય 12 વર્ષ
આઈએમએફના રિપોર્ટને લઈને સરકારે જણાવ્યું હતું કે મુખ્ય રૂપથી સરકારી બોન્ડના રૂપમાં સ્થાનિક સ્તર પર લેવામાં આવેલ દેવું મોટેભાગે મધ્યમ અથવા ટૂંકા લાંબા ગાળાનું હોય છે જેમાં કેન્દ્ર સરકારના દેવાની સરેરાશ મેચ્યોરિટીનો સમય 12 વર્ષ હોય છે જેને પગલે સ્થાનિક દેવા માટે રોલ ઓવર જોખમ ઘણું જ ઓછું છે. તેમાં એક્સચેન્જ રેટમાં અસ્થિરતાનું જોખમ પણ ઘણા જ ઓછા સ્તરે હોય છે.
રિપોર્ટ નાણાકીય વર્ષ (FY2028) સુધી ફક્ત સૌથી ખરાબ સ્થિતિની વાત કરે છે જે સત્ય નથી
સરકારે કહ્યું કે મોનેટરી ફંડ દ્વારા આપવામાં આવેલ વત્તા અને ઓછા સ્તરની વચ્ચે મોટી સંભાવના છે કે કોરોના રોગચાળા જેવી સ્થિતિમાં સરકારનું સામાન્ય દેવું જીડીપીના 100 ટકા થઇ શકે છે. આ રિપોર્ટ નાણાકીય વર્ષ (FY2028) સુધી ફક્ત સૌથી ખરાબ સ્થિતિની વાત કરે છે જે સત્ય નથી.
આ દેશોની પણ સ્થિતિ ખરાબ
અન્ય દેશો માટે પણ આઈએમએફની આવી રીપોર્ટ તેમના માટે ઘણી જ ખરાબ સ્થિતિ દર્શાવે છે. અમેરિકા,બ્રિટન અને ચીન માટે મોનેટરી ફંડની રીપોર્ટમાં 'સૌથી ખરાબ સ્થિતિ'ના આંકડા આપવામાં આવ્યા છે. રીપોર્ટ અનુસાર અમેરિકા માટે 'સૌથી ખરાબ સ્થિતિ'ની ટકાવારી 160, બ્રિટન માટે 140 અને ચીન માટે 200 ટકા છે. તે ભારતના 100 ટકાની સરખામણીએ ઘણી જ વધારે છે.
આ સદીમાં ભારતને લાગ્યા મોટા આંચકા
સરકારે જણાવ્યું હતું કે આ સદીમાં ભારતને જે આંચકા લાગ્યા છે તે વૈશ્વિક પણ હતા. ઉદાહરણ તરીકે વૈશ્વિક આર્થિક સંકટ, ટેપર ટેટ્રમ, કોરોના રોગચાળો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવા આંચકાઓએ વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને સમાન રૂપથી પ્રભાવિત કરી છે. જોકે અમુક દેશોમાં તેની કોઈ અસર જોવા મળી નથી. આ માટે કોઈપણ પ્રતિકુળ વૈશ્વિક આંચકા અથવા ઘટનાથી પરસ્પર જોડાયેલ વિશ્વની તમામ અર્થવ્યવસ્થા પર અપ્રત્યક્ષ પ્રભાવ પડવાની આશા છે.
સામાન્ય સરકારી દેવું નાણાકીય વર્ષ 2020-21માં લગભગ 88 ટકાથી ઘટીને 2022-23માં આશરે 81 ટકા થયું
સરકારે કહ્યું કે આ સંજોગોમાં ભારતે પ્રમાણમાં સારું પ્રદર્શન કર્યું છે. સામાન્ય સરકારી દેવું (રાજ્ય અને કેન્દ્ર બંને) નાણાકીય વર્ષ 2020-21માં લગભગ 88 ટકાથી ઘટીને 2022-23માં આશરે 81 ટકા થયું છે. કેન્દ્ર રાજકોષીય ખાધ ઘટાડવાના તેના જાહેર કરાયેલા લક્ષ્યાંકને હાંસલ કરવાના માર્ગ પર છે. નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે રાખવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
ભારત પર સપ્ટેમ્બર 2023માં કુલ દેવું 205 લાખ કરોડ રૂપિયા
સરકારે તે પણ જણાવ્યું હતું કે રાજ્યોએ પણ વ્યક્તિગત રૂપથી પોતાના નાણાંકીય જવાબદારીને લગતા કાયદા બનાવ્યા છે. તેના પર રાજ્ય વિધાનમંડળ દેખરેખ રાખે છે. એટલે આશા રાખવામાં આવી રહી છે કે મધ્યમથી ટૂંકા સમયગાળા દરમિયાન સામાન્ય સરકારી દેવામાં ઘણો જ ઘટાડો જોવા મળશે. ભારત પર સપ્ટેમ્બર 2023માં કુલ દેવું 205 લાખ કરોડ રૂપિયા છે. જેમાં ભારત સરકાર પર 161 લાખ કરોડ રૂપિયા જ્યારે રાજ્ય સરકારો પર 44 લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે.