દેશનો જીડીપી ગ્રોથ બીજા ત્રિમાસિકમાં ઘટવાની ભીતિ, બે સેક્ટરમાં મંદીના એંધાણઃ રિપોર્ટ
India GDP Growth: ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ઘટી 6.5 ટકા રહેવાની શક્યતા છે. સ્થાનિક રેટિંગ એજન્સી ઈકરાએ નાણાકીય વર્ષ 2024-25ના બીજા છ માસમાં આર્થિક ગતિવિધિઓ વેગવાન બનવાના આશાવાદ વચ્ચે નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાનો અંદાજ જાળવી રાખ્યો છે.
માઈનિંગ અને પાવર સેક્ટરમાં મંદીની ભીતિ
આરબીઆઈ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી ગ્રોથ 7.2 ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જે 2023-24ના 8.2 ટકાના અંદાજ સામે ઓછો છે. જેની પાછળનું કારણ શહેરી માગમાં ઘટાડો અને વધુ પડતો વરસાદ છે. બીજા ત્રિમાસિકના જીડીપી આંકડા 30 નવેમ્બરે જાહેર થશે. પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6.7 ટકા નોંધાયો હતો. જો કે, અતિ ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટ્યો છે. સરકારી ખર્ચ અને ખરીફ પાકની વાવણી પ્રત્યે સકારાત્મક વલણો છે. પરંતુ માઈનિંગ અને વીજ ક્ષેત્રે મંદી જોવા મળી છે.
આ પણ વાંચોઃ કેવાયસી ન થવા પર બેન્કો એકાઉન્ટ ફ્રીઝ ન કરી શકેઃ આરબીઆઈએ કરી ટકોર
કૃષિ ક્ષેત્રે પોઝિટિવ
ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25ના બીજા ત્રિમાસિકમાં ચૂંટણી બાદ મૂડીગત ખર્ચમાં વધારો થશે. તેમજ સારા વરસાદના કારણે ખરીફ પાકોના વાવેતર વધવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે માઈનિંગ, વીજ અને રિટેલ સહિત વિવિધ સેક્ટરમાં પ્રતિકૂળ અસરો જોવા મળી છે. પરંતુ કૃષિ ક્ષેત્રે સકારાત્મક વલણ રહેવાનો આશાવાદ છે. જળાશયો રિચાર્જ થતાં ગ્રામીણ માગમાં સુધારાની સંભાવના છે. ખાનગી વપરાશ, પર્સનલ લોનમાં વૃદ્ધિ, ઉપરાંત કોમોડિટીના ભાવ અને જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ પર જીડીપી ગ્રોથમાં ફેરફારનો મદાર રહેશે.