31 માર્ચ બાદ પણ ડુંગળીની નિકાસ શક્ય નહીં, સરકારે પ્રતિબંધને અનિશ્ચિતકાળ માટે લંબાવ્યો
અમદાવાદ, તા. 23 માર્ચ 2024, શનિવાર
ભાવમાં ઘટાડાને પગલે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટવાની સંભાવના વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ અને આ સિઝનના પાકનો સપ્લાય શરૂ થયો ત્યારથી સ્થાનિક બજારોમાં ડુંગળીના ભાવ લગભગ અડધા થઈ ગયા હોવાથી વેપારીઓ દ્વારા ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની અપેક્ષા સેવાઈ રહી હતી પરંતુ ભારત સરકારે લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લંબાવ્યો છે. સરકારે ડિસેમ્બર 2023માં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો, જે 31 માર્ચે સમાપ્ત થવાનો હતો.
ડિસેમ્બરમાં મહારાષ્ટ્રના કેટલાક જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમત 4500 રૂપિયા પ્રતિ 100 કિલો હતી, જે હવે ઘટીને 1200 રૂપિયા પ્રતિ 100 કિલો થઈ ગઈ છે પરંતુ સરકારે આદેશ જારી કર્યો છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી નવા આદેશો સુધી ચાલુ રહેશે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ડીજીએફટી વાણિજ્ય મંત્રાલય હેઠળ આવે છે અને આયાત-નિકાસ સંબંધિત મુદ્દાઓનું ધ્યાન રાખે છે.
રોઇટર્સના અહેવાલ મુજબ સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડાને પગલે બાંગ્લાદેશ, મલેશિયા, નેપાળ અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશો ડુંગળીના સપ્લાયના સંદર્ભમાં ભારતથી આયાત પર નિર્ભર છે. ભારતના ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને પગલે આમાંના ઘણા દેશો ડુંગળીના ઊંચા ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
નાણાકીય વર્ષ 2023-24માં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. કૃષિ મંત્રાલયના એક નિવેદન અનુસાર “2023-24માં ડુંગળીનું ઉત્પાદન આશરે 254.73 લાખ ટન રહેવાની ધારણા છે. ગત વર્ષે કુલ ઉત્પાદન લગભગ 302.08 લાખ ટન હતું. મહારાષ્ટ્રમાં 34.31 લાખ ટન, કર્ણાટકમાં 9.95 લાખ ટન, આંધ્રપ્રદેશમાં 3.54 લાખ ટન અને રાજસ્થાનમાં 3.12 લાખ ટન ઉપજમાં ઘટાડો થવાને કારણે કુલ ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે.'' આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2021-22માં ડુંગળીનું ઉત્પાદન 316.87 લાખ ટન રહ્યું હતું.